राष्ट्रीय

Explainer: હીટવેવ અને હેલ્થ ક્રાઇસિસ, જાણો સતત વધતી ગરમી કેવી રીતે દુનિયાના લોકોને આળસુ બનાવી રહી છે | Rising Heatwaves: How Global Warming is Making the World More Inactive and Unhealthy



Heatwave Health Impact : ક્લાઈમેટ ચેન્જ હવે માત્ર તાપમાન વધારાની વાત નથી રહી. તેની સીધી અસર આપણા રોજિંદા જીવન, કામ કરવાની ક્ષમતા અને આરોગ્ય પર પડી રહી છે. તાજેતરમાં પ્રકાશિત વૈશ્વિક અભ્યાસો બતાવે છે કે વધતી ગરમી લોકોની શારીરિક પ્રવૃત્તિને ધીમે ધીમે ઘટાડે છે. જ્યારે લોકો ઓછા સક્રિય બને છે, ત્યારે તે ફક્ત ફિટનેસનો મુદ્દો નથી રહેતો— તે હૃદયરોગ અને ડાયાબિટીસ જેવી બિમારીઓ નોંતરી લાવે છે, અને સરવાળે મૃત્યુદર વધારે છે.

સંશોધન શું દર્શાવે છે?

વર્ષ 2000 થી 2022 સુધીના 156 દેશોના ડેટાના આધારે કરાયેલા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, જો કોઈ વિસ્તારમાં સરેરાશ તાપમાન 27.8°Cથી વધુ થઈ જાય તો લોકોનું હલનચલન આપોઆપ ઓછું થઈ જાય છે. શારીરિક નિષ્ક્રિયતા લગભગ 1.5% વધી જાય છે. ઓછી અને મધ્યમ આવક ધરાવતા દેશોમાં આ વધારો 1.85% સુધી જઈ શકે છે, જ્યારે વધુ આવક ધરાવતા દેશોમાં તેની અસર થોડી ઓછી રહે છે, જે દર્શાવે છે કે આ સમસ્યા વિકાસશીલ દેશોમાં વધુ ગંભીર બની શકે છે.

2050 સુધીના ભયજનક પરિણામો

હવામાન વિજ્ઞાનીઓના અંદાજ મુજબ જો આમ જ ચાલતું રહ્યું તો 2050 સુધીમાં દર વર્ષે 470,000 થી 700,000 જેટલા અકાળે મૃત્યુ નોંધાઈ શકે છે. આ ઉપરાંત, કામ કરવાની ક્ષમતા અને ઉત્પાદકતા ઘટવાના કારણે વૈશ્વિક અર્થતંત્રને દર વર્ષે અંદાજે ₹21,600 કરોડ થી ₹33,120 કરોડ જેટલું આર્થિક નુકસાન થઈ શકે છે. એટલે કે આ સમસ્યા માત્ર આરોગ્ય સુધી મર્યાદિત નથી, આ એક સામાજિક અને આર્થિક સંકટ બની શકે છે.

કયા પ્રદેશો વધુ પ્રભાવિત થશે?

કેટલાક પ્રદેશોમાં ગરમીની અસર વધુ જોવા મળશે. તેમાં મધ્ય અમેરિકા, કેરેબિયન વિસ્તાર, પૂર્વ આફ્રિકા અને દક્ષિણપૂર્વ એશિયાના વિષુવવૃત્તીય વિસ્તારનો સમાવેશ થાય છે. આ વિસ્તારોમાં શારીરિક પ્રવૃત્તિમાં 4%થી વધુ ઘટાડો નોંધાઈ શકે છે, જે આરોગ્ય માટે ગંભીર ચેતવણી છે.

ગરમી શરીર પર શું અસર કરે છે?

ઉચ્ચ તાપમાન આપણા શરીર માટે સ્ટ્રેસ જેવી સ્થિતિ ઊભી કરે છે:

  • હૃદય પર વધારાનો ભાર પડે છે
  • શરીર ઠંડુ રાખવા વધુ ઊર્જા વાપરે છે
  • ઝડપથી થાક લાગે છે
  • ખુલ્લામાં કસરત કરવી જોખમી બની શકે

આથી, લોકો સ્વાભાવિક રીતે જ બહાર જવું, દોડવું કે કસરત કરવું ટાળી દે છે.

આ પણ વાંચો : 80 દેશમાં 750 બેઝ કેમ્પ અને હજારો સૈનિકો, જાણો દુનિયાના ખૂણે-ખૂણે કેમ તહેનાત છે અમેરિકન સૈનિકો

શારીરિક નિષ્ક્રિયતા પહેલેથી જ એક મોટું જોખમ

વિશ્વ આરોગ્ય સંગઠન (WHO) મુજબ વિશ્વમાં દરેક ત્રણમાંથી એક વ્યક્તિ જરૂર જેટલી શારીરિક પ્રવૃત્તિ કરતી નથી. શારીરિક નિષ્ક્રિયતા લગભગ 5% મૃત્યુ માટે જવાબદાર છે અને તે હૃદયરોગ, ડાયાબિટીસ અને અન્ય બિન-ચેપી રોગોનું મુખ્ય કારણ છે. વધતી ગરમી આ સ્થિતિને વધુ ગંભીર બનાવી શકે છે.

ભારતમાં સ્થિતિ ખૂબ જ ગંભીર છે 

ભારત જેવા દેશોમાં ગરમી અને ભેજનું પ્રમાણ વધુ હોવાથી લોકો માટે બહાર નીકળવું મુશ્કેલ બની રહ્યું છે. શહેરોમાં કોંક્રિટનું વધતું પ્રમાણ અને લીલોતરીમાં ઘટાડો પણ તાપમાન વધારવામાં મહત્ત્વનો ફાળો આપે છે. જેના કારણે લોકો માટે ચાલવું, દોડવું કે અન્ય કસરત કરવી મુશ્કેલ બની રહી છે. આ સ્થિતિમાં 2050 સુધીમાં ભારતમાં શારીરિક નિષ્ક્રિયતા નોંધપાત્ર રીતે વધવાની શક્યતા છે.

કયા રોગોનું જોખમ વધે છે?

શારીરિક પ્રવૃત્તિમાં ઘટાડો થવાથી હૃદયરોગ, ટાઇપ 2 ડાયાબિટીસ, કેન્સર અને માનસિક સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનું જોખમ વધી શકે છે. આંકડા મુજબ, ભારતમાં દર 100,000 લોકો દીઠ 10.62 મૃત્યુ શારીરિક નિષ્ક્રિયતા સાથે જોડાયેલા હોઈ શકે છે.

ઉકેલ અને આગળનો રસ્તો

વિજ્ઞાનીઓ માને છે કે હવે શારીરિક પ્રવૃત્તિને ફક્ત જીવનશૈલીની પસંદગી તરીકે નહીં, પરંતુ આબોહવા સાથે જોડાયેલી જરૂરિયાત તરીકે જોવી જોઈએ.

– શહેરોમાં છાંયડાવાળા રસ્તા, શહેરી જંગલો અને ઠંડક માટેની જાહેર સુવિધાઓ વિકસાવવાની જરૂર છે.

– લોકો માટે સસ્તા જિમ અને ઇન્ડોર કસરતના વિકલ્પો આપવામાં આવે, તો ગરમીની અસરથી બચીને સ્વસ્થ રહેવું શક્ય બને.

આ પણ વાંચો : વીજ પુરવઠામાં મોટી રાહત ! ભારતે સતત બીજા વર્ષે 1 અબજ ટન કોલસાનું ઉત્પાદન કરી ઈતિહાસ રચ્યો



Source link

Related Articles

Back to top button