મકાન ભાડે રાખી અડ્ડો ચલાવતો શખ્સ ૩.૮૯ લાખના ચરસ સાથે પકડાયો | Man running a drug den by renting a house caught with charas worth Rs 3 89 lakh

![]()
પોલીસે સેક્ટર-૪માં દરોડો પાડયો
બનાસકાંઠાના થરાદ તાલુકાના રાણેસરી ગામનાં યુવકે ગત તારીખ ૧૮મી માર્ચે ગાંધીનગર આવી વેપલો શરૃ કર્યો હતો
ગાંધીનગર : અનેકવિધ શૈક્ષણિક સંસ્થાઓથી ધમધમતા પાટનગર નશીલા પદાર્થો
વેચતાં વેપારીઓનું પસંદિદા શહેર બની ગયું છે. ગિફ્ટ સિટીમાંથી ગાંજો વેચવાનું
નેટવર્ક ઝડપાયા બાદ હવે સેક્ટર-૪માં મોડી રાત્રે દરોડામાં શખ્શ રૃપિયા ૩.૮૯ લાખના
ચરસ સાથે પકડાયો છે. પોલીસે કહ્યું,
કે બનાસકાંઠાના થરાદ તાલુકાના રાણેસરી ગામનાં યુવકે ગત તારીખ ૧૮મી માર્ચે
ગાંધીનગર આવી વેપલો શરૃ કર્યો હતો.
નશાના કારોબાર સામે સક્રિય થયેલી પોલીસ દ્વારા ગત રાત્રે
બાતમીના આધારે સેક્ટર ૪-એમાં આવેલા સ્વરાજ કોમ્પલેક્સમાં દરોડો પાડયો હતો. અહીં
ફ્લેટ નંબર એ-૧૦૨માંથી ચરસનું વેચાણ થઇ રહ્યાની પોલીસને માહિતી મળી હતી. લોકલ
ક્રાઇમ બ્રાન્ચના ઇન્સપેક્ટર એન. બી. ચૌધરીએ જણાવ્યા પ્રમાણે દરોડા દરમિયાન
બનાસકાંઠાના થરાદ તાલુકાના રાણેસરી ગામનાં રહેવાસી અને માત્ર ૨૦ વર્ષની વયના લૈલેશ
કુંભાભાઇ ચોધરી નામના શખ્સની ચરસના ૧.૦૫ કિલોગ્રામ જથ્થા સાથે ધરપકડ કરવામાં આવી
છે. પુછપરછ દરમિયાન આરોપીએ જણાવ્યું કે,
ગત તારીખ ૧૭મી માર્ચે થરાદમાં ભુરા નામના શખ્સ પાસેથી તેણે ચરસનો જથ્થો
મેળવ્યો હતો. બાદમાં તારીખ ૧૮મી માર્ચે ગાંધીનગર આવીને નાની પડીકીઓમાં ચરસ પેક
કરીને વેચવાની શરૃઆત કરવાનો નિર્ધાર કર્યો હતો. પરંતુ પોલીસ દ્વારા ઝડપી લઇને
સેક્ટર ૭ પોલીસ મથકમાં ગુનો દાખલ કર્યો હતો. પોલીસે આરોપી પાસેથી ૩,૮૯,૩૫૦ની કિંમતનું
ચરસ સહિત કુલ રૃપિયા ૩.૯૪ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસ દ્વારા દરોડા
વખતે એફેએસએલના અધિકારી એસ. બી. ચાવડાને સાથે રાખવામાં આવ્યા હતાં. જેણે ચરસ
હોવાની પ્રાથમિક પુષ્ટી પણ કરી હતી.

