ધમણ-1ની કાર્યક્ષમતા પર સવાલ ઉઠતા અમદાવાદમાં મૃત્યુદર ઘટાડવા 47 હાઇ-એન્ડ વેન્ટિલેટર મંગાવાયા
અમદાવાદ : રાજકોટ ની જ્યોતિ સીએનસી તરફથી બનાવવામાં આવેલા સ્વદેશી વેન્ટિલેટર ધમણ-1 મી કાર્યક્ષમતા પર સવાલ ઉઠતા હવે અમદાવાદમાં મૃત્યુદર ઘટાડવા માટે અમદાવાદ સિવિલ હૉસ્પિટલ માં હવે 47 હાઇ-એન્ડ વેન્ટિલટર મંગાવાયા છે. આ વેન્ટિલેટર અન્ય શહેરોમાંથી મંગાવાયા છે. આ વાત પરથી એવું સાબિત થાય છે કે અમદાવાદ સિવિલ હૉસ્પિટલમાં હાલ વેન્ટિલેટરની અછત છે. ગુજરાત હાઇકોર્ટ ની ફટકાર પછી સરકાર અને આરોગ્ય તંત્ર અમદાવાદમાં મૃત્યુદર ઘટાડવા માટે દોડતું થયું છે.
28મી મે સુધી અમદાવાદ જિલ્લામાં કોરોના વાયરસને કારણે 780 મોત નોંધાયા છે. જ્યારે કુલ પોઝિટિવ કેસ 11,344 નોંધાયા છે. એક અંદાજ પ્રમાણે જિલ્લામાં કુલ મોતમાં 400થી વધારે મોત અમદાવાદ સિવિલ હૉસ્પિટલ ખાતે થયા છે. આ મામલે ગત દિવસોમાં કૉંગ્રેસ પાર્ટીએ સરકારને ઘેરી હતી. કૉંગ્રેસના આગેવાનોએ ધમણ-1ની કાર્યક્ષમતા પર સવાલ ઉઠાવ્યા હતા. આ મામલે આરોગ્ય વિભાગે કૉંગ્રેસના સવાલોના જવાબ પણ આવ્યા હતા, પરંતુ આ જવાબોમાં સરકાર ઘણું છૂપાવી રહી હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. આ દરમિયાન ગુજરાત હાઇકોર્ટે પણ રાજ્ય સરકારને ફટકારી લગાવી હતી. જે બાદમાં રાજ્યનું આરોગ્ય વિભાગ સિવિલમાં તમામ કામગીરી સરખી કરવામાં લાગ્યું હતું.
જે અનુસંધાને રાજ્યના આરોગ્ય વિભાગે હવે અમદાવાદ સિવિલ હૉસ્પિટલમાં રાજ્યના અન્ય શહેર જેવા કે રાજકોટ, સુરત, વડોદરા પાસેથી હાઇ-એન્ડ વેન્ટિલેટર મંગાવ્યા છે. નોંધનીય છે કે કોરોનાના દર્દીઓ જ્યારે ગંભીર સ્થિતિમાં પહોંચે છે ત્યારે તેમના માટે વેન્ટિલેટરની જરૂરિયાત રહે છે. અમદાવાદ સિવિલ હૉસ્પિટલમાં હવે અન્ય શહેરમાંથી વેન્ટિલેટર મંગાવવામાં આવ્યા છે ત્યારે એક વાત સાબિત થઈ છે કે હૉસ્પિટલનો પૂરતા વેન્ટિલેટર હોવાનો દાવો ખોટો છે.