ખેડૂતો આનંદો : 1 જૂનના રોજ કેરળમાં ચોમાસાનું આગમાન થશે
અમદાવાદ : કોરોના વાયરસ ને કારણે દુનિયા આખી પરેશાન છે. કોરોનાનો કહેર એટલે વ્યાપ્યો છે કે તેની અસરથી કોઈ નથી બચી શક્યું. દરરોજ તમામ જગ્યાએથી નિરાશાભર્યા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. આ વચ્ચે ખેડૂતો (Good News For Farmers) માટે એક સારા સમાચાર છે. હવામાન વિભાગ (IMD)ના પૂર્વાનુમાન પ્રમાણે દેશમાં ચોમાસા (Monsoon)નું આગમને સમયસર જ થશે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે કેરળ (Kerala)માં પહેલી જૂનના રોજ ચોમાસું દસ્તક દેશે. અગાઉ એવું પૂર્વાનુમાન રજૂ કરવામાં આવ્યું હતું કે દેશમાં ચોમાસું ત્રણથી ચાર દિવસ મોડું પડશે.
હવામાન વિભાગે આગાહી કરી છે કે હાલ ચોમાસાને અનુકૂળ વાતાવરણ બની રહ્યું છે. આ સાથે ગુજરાતના ખેડૂતો માટે પણ રાહતના સમાચાર છે. કેરળમાં ચોમાસાના આગમન બાદ ચોમાસું ધીમે ધીમે ગુજરાત તરફ આગળ વધતું હોય છે. કેરળમાં ચોમાસું મોડું આવે તો તેની અસરને પગલે ગુજરાતમાં પણ ચોમાસું મોડું થયું હોય છે. આ દરમિયાન અરબી સમુદ્રમાં 31 થી 4 જૂન સુધીમાં લૉ પ્રેશર સક્રિય થવાનું છે. આ લૉ પ્રેશરને કારણે રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ થવાની સંભાવના છે. આ લૉ પ્રેશર વાવાઝોડામાં પરિવર્તિત થશે કે નહીં તેના પર હાલ હવામાન વિભાગ દેખરેખ રાખી રહ્યું છે.
આ પહેલા આગાહીકાર અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, અરબી સમુદ્રમાં લૉ પ્રેશર સક્રિય થઈ વાવાઝોડામાં પરિવર્તિત થઈ ગુજરાત તરફ આગળ વધશે. સાથે જ ગુજરાતના દરિયા કિનારાના વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ થવાની શકયતા છે. હાલ ગુજરાતમાં પ્રી-મોનસૂન એક્ટિવિટીની અસર જોવા મળી રહી છે.
હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉકટર જ્યંત સરકારે જણાવ્યું હતું કે, 28 થી 31 મે સુધી ગુજરાતના કેટલાક ભાગમાં વાતાવરણમાં પલટો આવશે અને સામાન્ય વરસાદ થશે. આ દરમિયાન અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ બની રહ્યું છે. જેના પગલે તાપમાનમાં પણ ઘટાડો નોંધાશે. આવું વાતાવરણ લોકોને ગરમીથી રાહત આપશે પરંતુ ખેડૂતો માટે મુશ્કેલી સર્જી શકે છે. હાલ વરસાદ પડશે તો કેરીના પાકને નુકસાન થવાની ચિંતા ખેડૂતોને સતાવી રહી છે. બીજુ તરફ અરબી સમુદ્રમાં લૉ પ્રેશર સક્રિય થવાનું હોવાથી માછીમારો દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે.