યુદ્ધ વચ્ચે USની મોટી જાહેરાત: ઈરાનના ઓઈલ પરનો પ્રતિબંધ હટાવ્યો, જાણો ભારત પર શું અસર થશે | US Lifts Iran Oil Sanctions: Big Relief for India as Crude Prices May Fall

![]()
US Lifts Iran Oil Sanctions | અમેરિકા અને ઈઝરાયલે ઈરાન પર કરેલા હુમલા બાદ મિડલ ઈસ્ટમાં યુદ્ધ ચાલી રહ્યું છે. યુદ્ધના કારણે ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો થઈ રહ્યો છે. સાથે સાથે ગેસની સપ્લાય પણ ખોરવાઈ છે. જેના કારણે અનેક દેશો મુશ્કેલીમાં મુકાયા છે ત્યારે હવે અમેરિકાએ ઈરાનના ઓઈલ પર લાગેલો પ્રતિબંધ હટાવવાની જાહેરાત કરી છે. જેનો અર્થ છે કે હવે દુનિયાના દેશો ઈરાન પાસેથી ઓઈલ ખરીદી શકશે.
ઈરાનથી ઓઈલ ખરીદી શકશે વિશ્વના દેશો, અમેરિકાની જાહેરાત
અમેરિકાનું નાણા મંત્રાલય ઈરાનના ઓઈલ પર લાગેલા પ્રતિબંધોને અસ્થાયી રૂપે હટાવી રહ્યું છે. અત્યારે સમુદ્રમાં (જહાજોમાં) જે ઓઈલ છે, તેને મોટાભાગના દેશોને વેચવાની મંજૂરી આપવામાં આવી રહી છે. અમેરિકાના નાણા મંત્રી સ્કોટ બેસેન્ટે ‘X’ પર જણાવ્યું છે કે, આ ટૂંકાગાળાની મંજૂરીથી લગભગ 14 કરોડ બેરલ તેલ વૈશ્વિક બજારોમાં આવી શકશે. બેસેન્ટે સ્પષ્ટતા કરી હતી કે, આ મંજૂરી માત્ર તે ઓઈલ સુધી મર્યાદિત છે જે પહેલેથી જ રસ્તામાં (સમુદ્રમાં) છે અને નવી ખરીદી કે ઉત્પાદનની કોઈ મંજૂરી આપવામાં આવી નથી. અમે ઓઈલની કિંમતો ઓછી રાખવા માટે ઈરાનના બેરલનો ઉપયોગ તેની વિરુદ્ધ જ કરીશું.
યુદ્ધના કારણે ક્રૂડ ઓઈલની કિંમતોમાં આગ
યુદ્ધ શરૂ થયા પછી અને મિડલ ઈસ્ટમાં એનર્જી ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર ઈરાની હુમલાઓ બાદ તેલ અને ગેસની કિંમતોમાં ઝડપથી વધારો થયો છે. ક્રૂડ ઓઈલની કિંમત લગભગ 112 ડૉલર પ્રતિ બેરલ સુધી પહોંચી ગઈ છે. છેલ્લા એક વર્ષમાં કુલ 53% નો વધારો નોંધાયો છે.
નોંધનીય છે કે અમેરિકાની આ જાહેરાત બાદ વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલની અછત દૂર થવાની સાથે સાથે કિંમતો ઘટવાની શક્યતા છે. ભારત પોતાની જરૂરિયાતનું 85% થી વધુ તેલ આયાત કરે છે. આ નિર્ણયથી ભારતને બે રીતે ફાયદો થઈ શકે છે. જો ક્રૂડ ઓઈલના ભાવ ઘટીને 90-95 ડોલરની આસપાસ આવે, તો ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધતા અટકશે. તેલ સસ્તું થવાથી ભારતનું વિદેશી મુદ્રા ભંડાર બચશે અને ડોલર સામે રૂપિયો મજબૂત થશે.
ડોનાલ્ડ ટ્રમ્પ યુદ્ધમાંથી પીછેહઠની તૈયારીમાં?
અમેરિકા અને ઈઝરાયલે ઈરાન પર કરેલા હુમલા બાદ મિડલ ઈસ્ટમાં યુદ્ધ ચાલી રહ્યું છે. યુદ્ધના 21માં દિવસે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ચોંકાવનારો ‘એક્ઝિટ પ્લાન’ આપ્યો છે. જે બાદ હવે અમેરિકા સીઝફાયર માટે રાજી થાય તેવી અટકળોને વેગ મળ્યો છે. ટ્રુથ સોશિયલ પર ટ્રમ્પે દાવો કર્યો છે કે અમેરિકાના જે સૈન્ય ઉદ્દેશ્યો હતા, તે હવે પૂર્ણ થવાના આરે છે. જે બાદ હવે અમેરિકા સૈન્ય કાર્યવાહી ધીમે ધીમે ઓછી કરવાની તૈયારી કરી રહ્યું છે. ટ્રમ્પ પોતાની ઉપલબ્ધિઓને જીત માની રહ્યા છે. ટ્રમ્પે દાવો કર્યો છે કે અમે ઈરાનની મિસાઈલ ક્ષમતા, સંરક્ષણ ઉદ્યોગ, નૌસેના અને વાયુસેના સંપૂર્ણપણે નષ્ટ કરી નાંખી. અમે ઈરાનને ક્યારેય પરમાણુ હથિયાર બનાવવા દઇશું નહીં. અમે ઈઝરાયલની સાથે સાથે સાઉદી અરેબિયા, કતાર, યુએઈ, બહેરીન અને કુવૈતની પણ રક્ષા કરી અને આગળ પણ કરતાં રહીશું. સ્ટ્રેટ ઓફ હોર્મુઝ અંગે પણ અમેરિકાએ હાથ અધ્ધર કર્યા હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. યુદ્ધના કારણે જ્યાં લાખો કરોડના ઓઈલ અને ગેસનો વેપાર ઠપ થઈ ગયો છે. ત્યાં હવે ટ્રમ્પ કહી રહ્યા છે કે જે દેશો હોર્મુઝ સ્ટ્રેટથી પોતાના જહાજો લઈ જતાં હોય તે ત્યાંની સુરક્ષા કરે. જરૂર પડે ત્યારે અમેરિકા મદદ કરશે. પણ સુરક્ષાની જવાબદારી તો તે દેશોની જ હોવી જોઈએ. અમેરિકા ક્યારેય આ રસ્તાનો ઉપયોગ કરતું નથી. જે દેશો અહીંથી ઓઈલ લઈ જતાં હોય અને વેપાર કરતાં હોય તે આગળ આવે.



