સુપ્રીમે કેસોમાં તારીખ પે તારીખ પર રોક લગાવી, નિયમો જાહેર | Supreme Court bans date by date in cases rules announced

![]()
ન્યાય પ્રક્રિયા વધુ ઝડપી બનાવવા સુપ્રીમનો નિર્ણય
નક્કર કારણો વગર સુનાવણી નહીં ટાળી શકાય, રેગ્યુલર મામલાઓ માટેના નિયમો વધુ આકરા બનાવાયા
નવી દિલ્હી: કોર્ટ કેસોમાં વારંવાર તારીખો પડવાનું હવે બંધ થઇ શકે છે. સુપ્રીમ કોર્ટે કેસોની સુનાવણી ટાળવાના નિયણો કડક બનાવતા સ્પષ્ટચા કરી છે કે હવે તારીખ પે તારીખનો સમય ખતમ થશે, માત્ર અત્યંત જરૂરી સંજોગોમાં જ સુનાવણી ટાળી શકાશે.
સુપ્રીમ કોર્ટ દ્વારા ૧૮ માર્ચના જાહેર કરાયેલા સર્ક્યુલરમાં જણાવવામાં આવ્યું છે કે અગાઉના આદેશના સ્થાને નવો નિયમ લાગુ કરવામાં આવશે. જેવા મામલા તેવો નિયમ લાગુ રહેશે. સુપ્રીમના નવા નિયમો મુજબ રેગ્યુલર મામલાઓને લઇને વધુ આકરા આદેશ અપાયા છે. આવા મામલાઓને કોઇ પણ રીતે ટાળવા દેવાશે નહીં. જો કેસ લિસ્ટેડ હશે તો કોઇ પણ બહાના વગર સુનાવણી થશે.
જ્યારે ફ્રેશ અને આફ્ટર નોટિસ મામલામાં પણ છૂટછાટ સીમિત કરી દેવામાં આવી છે, જો કોઇ પક્ષે સુનાવણી ટાળવી હોય તો સામેના પક્ષકારને તેની અગાઉ જાણકારી આપવાની રહેશે. જેના પુરાવા પણ આપવાના રહેશે, આ પ્રક્રિયા સુનાવણીના એક દિવસ અગાઉ ૧૧ વાગ્યા સુધી પૂર્ણ કરવાની રહેશે. સુનાવણી કેમ ટાળવી છે તેનું નક્કર કારણ આપવું પડશે. સામેવાળાને તેની સામે વાંધો ઉઠાવવાની તક પણ મળશે. બપોરે ૧૨ વાગ્યા સુધી ઇમેલ દ્વારા વાંધો ઉઠાવી શકશે. જેને કોર્ટ સમક્ષ રાખવામાં આવશે. સર્ક્યુલર મુજબ માત્ર અસાધારણ પરિસ્થિતિમાં જ તારીખ મળશે જેમ કે પરિવારમાં કોઇનું મૃત્યુ, ગંભીર બીમારી અથવા કોઇ નક્કર કારણ જે કોર્ટનં ે સંતોષ આપી શકે. ફ્રેશ મામલાઓમાં એડજર્નમેન્ટની અરજી માત્ર એક વખત કરી શકાશે. સતત બે વખત સુનાવણી ટાળવાની છૂટ નહીં મળે. ન્યાય પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે સુપ્રીમ કોર્ટે આ નિર્ણયો લીધા છે.



