गुजरात

ચોટીલા પાસે પીક-અપ વાને કારને ટક્કર મારતાં 2નાં મોત, 3 ગંભીર | 2 dead 3 seriously injured after pick up van hits car near Chotila



અમદાવાદનો પરિવાર દર્શન કરીને પરત જતો હતો ત્યારે અકસ્માત : ટક્કર લાગતાં કાર 70 ફૂટ દૂર ફંગોળાઇને રોડ સાઈડમાં હોટલનાં ગ્રાઉન્ડમાં પડેલા  ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ

 ચોટીલા, : ચોટીલા-અમદાવાદ હાઈ-વે પર આજે સવારના સમયે મઘરીખડા ગામ નજીક ચામુંડા માતાજીના દર્શન કરી પરત અમદાવાદ પરત જતા પરિવારની કારનો કમકમાટીભર્યો અકસ્માત સર્જાયો હતો. કાર અને પીકઅપ વાન વચ્ચે થયેલી આ ભયાનક અથડામણમાં બે વ્યક્તિઓના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા, જ્યારે એક બાળક સહિત ત્રણ વ્યક્તિને ગંભીર ઈજા થઈ છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, અમદાવાદ પાસિંગની એક ખાનગી કાર ચોટીલા હાઈ-વે પરથી પસાર થઈ રહી હતી ત્યારે મઘરીખડા ગામ પાસે અચાનક પીકઅપ વાન સાથે તેની જોરદાર ટક્કર થઈ હતી. અકસ્માત એટલો ભયંકર હતો કે કાર હાઈવે પરથી અંદાજે 70 ફૂટ જેટલી દૂર ફંગોળાઈ હતી અને રોડ સાઈડમાં આવેલી હોટલના ગ્રાઉન્ડમાં પડેલા અન્ય એક ટ્રક સાથે જઈને અથડાઈ હતી. 

આ દુર્ઘટનામાં કારમાં સવાર અમદાવાદના સૈજપુર વિસ્તારમાં રહેતા પરિવારના સોનાલીબેન કલ્પેશભાઇ ઠાકોર (ઉ. વ. 32), અને આશિષ રણજીતભાઇ ઠાકોર (ઉ. વ 17)ના સ્થળ ઉપર જ મોત નિપજ્યા છે. જ્યારે કલ્પેશભાઇ કનુભાઈ ઠાકોર અને કાર ચાલક હર્ષદભાઈ ઠાકોર તથા 3 વર્ષના એક બાળકને પણ ગંભીર ઇજા પહોચતા  તેઓને પ્રાથમિક સારવાર બાદ તાત્કાલિક વધુ સારવાર અર્થે રાજકોટ ખાતે ખસેડવામાં આવ્યા છે.

મૃતકના પરિવારજનોના જણાવ્યાનુસાર ભોગ બનનાર ચૈત્રી નવરાત્રી હોવાથી ચોટીલા માતાજીના દર્શન માટે આવેલ હતા. દર્શન કરી તેઓ અમદાવાદ  પરત જઇ રહ્યા હતા ત્યારે ચોટીલાથી 10  કીમી દૂર અમદાવાદ તરફ અકસ્માત થયો હતો.ઘટનાની જાણ થતા જ ચોટીલા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી જઇ પ્રથમ ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવેલ હતા તેમજ મૃતકોના મૃતદેહને પીએમ માટે ચોટીલા હોસ્પિટલ ખસેડયા હતા.  

ખુલ્લા ડિવાઈડરને લીધે અકસ્માત થયાનું પ્રાથમિક અનુમાન

 જે સ્થળે અકસ્માત થયો ત્યાં સામે ખુલ્લું ડિવાઈડર છે, જે આ અકસ્માતનું મુખ્ય કારણ હોવાનું મનાય છે. પીકઅપ વાન જ્યારે આ ખુલ્લા ડિવાઈડર પરથી રોડ ક્રોસ કરી એકાએક ટર્ન લીધો ત્યારે તેના કારણે કાર ટકરાઇને ફંગોળાઈ અને સામે હોટલના ગ્રાઉન્ડમાં પડેલ ટ્રક સાથે જોરદાર ધડાકા સાથે અથડાઈ  હતી. 



Source link

Related Articles

Back to top button