गुजरात

સાવધાન! LPG બુકિંગના નામે સોશિયલ મીડિયામાં સાયબર ગઠિયાઓની ‘માયાજાળ’, એક ભૂલ અને બેંક ખાતું સાફ | LPG Booking Scam Alert: WhatsApp Fraud Drains Bank Accounts in One Click



LPG Booking Scam: અત્યારે મિડલ ઈસ્ટમાં યુદ્ધ ચાલી રહ્યું છે. જેને લીધે સમગ્ર દેશમાં અને રાજ્યમાં LPGની અછત સર્જાઈ છે. ત્યારે ઠેક ઠેકાણે LPG સિલિન્ડર બુક કરાવવા માટે ગેસ એજન્સીની ઓફિસે લોકો મોટી કતાર લગાવી રહ્યા છે. આ તકનો લાભ ઉઠાવી સાયબર ઠગો કોઈનું વોટ્સએપ હેક કરીને અન્ય યુઝર્સને LPG બુકિંગ માટે એપ ડાઉનલોડ કરવાનું સૂચન મેસેજ મોકલે છે. આ એપ ડાઉનલોડ કરાવીને સાયબર ગઠિયાઓ જે તે યુઝરના મોબાઈલનું એક્સેસ મેળવીને છેતરપિંડી આચરી રહ્યા છે. 

કેવી રીતે થાય છે છેતરપિંડી?

સાયબર ઠગો દ્વારા વોટ્સએપ સહિતના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મોકલેલી આ એપ ડાઉનલોડ કરતાં જ કોઈના મોબાઈલનું સંપૂર્ણ એક્સેસ મળી જાય છે. આ રીતે સાયબર ઠગો પોતાના મોબાઈલમાં SMS અને કૉલ ફોરવર્ડ સર્વિસ પણ મેળવી લે છે, જેના કારણે કોઈ પણ બેંકના ઓટીપી અને અન્ય ખાનગી મેસેજ સીધા ગઠિયાઓ પાસે પહોંચે છે. આ રીતે લોકોના વોટ્સઅપ હેક થાય છે અને બેન્કમાંથી પૈસા પણ ઉપડી જવાના ફ્રોડ થાય છે.

આ સ્કેમમાં સાયબર ઠગ ઘણીવાર લીક ડેટાનો ઉપયોગ કરે છે અથવા રેન્ડમલી કોઈને પણ મેસેજ મોકલે છે. એકવાર યુઝર એપ ઇન્સ્ટોલ કરે એટલે તેના મોબાઈલના તમામ ટેક્સ્ટ મેસેજ ફ્રોડ કરનારાના નંબર પર ફોરવર્ડ થવા લાગે છે. તેઓ આ ઓટીપીનો ઉપયોગ કરીને યુઝરના જ નંબરથી બીજા મોબાઈલમાં વોટ્સએપમાં લોગ-ઇન કરે છે. એકવાર યુઝરનું વોટ્સએપ હેક થઈ જાય, પછી તેઓ યુઝરના મિત્રો અને ફેમિલી ગ્રૂપમાં ફરીથી LPG સિલિન્ડર બુક કરાવવાની લિંક-મેસેજ મોકલે છે. અન્ય લોકો લોકોને લાગે છે કે તમે આ મેસેજ મોકલ્યો છે, તેથી તેઓ પણ તેનો શિકાર બને છે અને આ રીતે આ આખી સાયકલ ચાલતી રહે છે. 

આ પણ વાંચો: અમદાવાદ: ટ્રેનમાં મુસાફરોને કેફી પદાર્થ આપી લૂંટતા કુખ્યાત અમિત ઠાકુર ઝડપાયો, ફુગ્ગાવાળા બનીને પોલીસે રેકી કરી

આ રીતે સાયબર ઠગ માયાજાળમાં ફસાવે છે

વાયરલ મેસેજ: સાયબર ઠગ દ્વારા ગેસની તંગીના સમયે ગેસ મેળવવા માટે એક લિંક કે એપની વિગત ધરાવતો મેસેજ વાઇરલ કરાય છે.

એપ્લિકેશન ઇન્સ્ટોલેશન: યુઝરને જાણીતા નંબર પરથી મેસેજ આવતા વિશ્વાસ કરીને એપ ઇન્સ્ટોલ કરે છે અને માંગવામાં આવેલી તમામ મંજૂરી ‘Allow’ કરે છે.

સર્વિસ એક્ટિવેશન: ઇન્સ્ટોલ થતાની સાથે જ મોબાઈલમાં SMS ફોરવર્ડિંગ અને કોલ ફોરવર્ડિંગ સર્વિસ ચાલુ થઈ જાય છે.

OTP ચોરી: બેન્કના OTP કે WhatsApp લોગીન માટેના OTP સીધા છેતરપિંડી કરનારાના મોબાઈલ પર જાય છે.

WhatsApp હેકિંગ: તમારા OTPનો ઉપયોગ કરીને તે તમારા WhatsApp માં લોગ-ઇન કરી લે છે અને તમને ‘Log out’ કરી દે છે.

સ્કેમનો ફેલાવો: તમારા હેક થયેલા એકાઉન્ટમાંથી તમારા કોન્ટેક્ટ્સ અને ગ્રૂપમાં ખોટા મેસેજ મોકલવામાં આવે છે.

બચવા માટેના પગલાં

• જો આવું કંઈ પણ થાય તો સૌથી પહેલા મોબાઈલમાંથી સીમ કાર્ડ કાઢી નાખવું જોઈએ.

• સેટિંગમાં જઈને ‘એપ મેનેજર’ માંથી પેલી શંકાસ્પદ એપ્લિકેશનને ડિલીટ કરી દો.

• જો એપ્લિકેશન ન મળે તો ડેટાનો બેકઅપ લઈને ફોન ફોર્મેટ કરી નાખવો જોઈએ (પણ એપ્લિકેશન ડેટાનો બેકઅપ ન લેવો).

• ગૂગલ પર WhatsApp Grievance Form સર્ચ કરીને ફોર્મ ભરો, જેથી 12 કલાકમાં તમારું એકાઉન્ટ રિકવર થઈ શકે.

• એકાઉન્ટ પાછું મળે એટલે તરત જ સેટિંગમાં જઈને Two Step Verification ચાલુ કરી દેવું જોઈએ.



Source link

Related Articles

Back to top button