હોર્મુઝ પર સંકટ વચ્ચે અમેરિકાનો મહત્ત્વનો નિર્ણય! રશિયન ઓઇલની ખરીદી પર વધુ 30 દિવસની છૂટ, આ દેશોને રખાયા બહાર | usa new license russian oil iran energy crisis middle east war impact

![]()
Russian Oil: મધ્ય પૂર્વમાં વધી રહેલા તણાવ અને ઉર્જા બજાર પર વધતા દબાણ વચ્ચે અમેરિકાએ એક મહત્વનો વ્યૂહાત્મક નિર્ણય લીધો છે. અમેરિકી વહીવટીતંત્રે રશિયન મૂળના કાચા તેલ અને પેટ્રોલિયમ ઉત્પાદનોના વેચાણ માટે 30 દિવસનું નવું જનરલ લાઇસન્સ જાહેર કર્યું છે. આ પગલાને વૈશ્વિક બજારમાં તેલના ભાવ સ્થિર કરવાના પ્રયાસ તરીકે જોવામાં આવે છે.
નવી છૂટછાટમાં શું છે ખાસ?
રોઇટર્સના અહેવાલ મુજબ, યુએસ ટ્રેઝરી વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલી આ નવી માર્ગદર્શિકા 11 એપ્રિલ 2026 સુધી માન્ય રહેશે. જે રશિયન તેલનો જથ્થો 12 માર્ચ સુધીમાં ટેન્કરોમાં લોડ થઈ ચૂક્યો છે, તેના પેમેન્ટ અને વ્યવહારને મંજૂરી આપવામાં આવી છે. આ નવી છૂટછાટમાં ઉત્તર કોરિયા, ક્યુબા અને ક્રિમીઆ સાથે જોડાયેલા કોઈપણ વ્યવહારો પર કડક પ્રતિબંધ યથાવત રાખવામાં આવ્યો છે.
ઈરાની તેલ પર પણ અમેરિકાની નજર
અમેરિકી ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટે સંકેત આપ્યા છે કે ઉર્જા સંકટને પહોંચી વળવા માટે ઈરાની તેલ અંગે પણ સમીક્ષા કરવામાં આવી રહી છે. સમુદ્રમાં અત્યારે અંદાજે 140 મિલિયન બેરલ ઈરાની તેલ ઉપલબ્ધ છે, જે વિશ્વની 10 થી 14 દિવસની જરૂરિયાત પૂરી કરી શકે તેમ છે. આ જથ્થો બજારમાં લાવવા અંગે વિચારણા ચાલી રહી છે. અમેરિકાએ જરૂર પડ્યે પોતાના ઘરેલું તેલ ભંડારનો ઉપયોગ કરવાની તૈયારી પણ દર્શાવી છે. જેથી વૈશ્વિક ભાવોને અંકુશમાં રાખી શકાય.
મધ્ય પૂર્વમાં યુદ્ધની જ્વાળાઓ તેજ
પશ્ચિમ એશિયામાં સ્થિતિ અત્યંત નાજુક બની ગઈ છે. ઇઝરાયલ દ્વારા ઈરાનના ‘સાઉથ પાર્સ’ ગેસ ફિલ્ડ પર થયેલા હુમલા બાદ ઈરાને વળતો પ્રહાર કરતા કતરના LNG પ્લાન્ટ્સને નિશાન બનાવ્યા છે. વિશ્વના બીજા સૌથી મોટા LNG નિકાસકાર દેશ કતરે સુરક્ષાના કારણોસર ઉત્પાદન અટકાવ્યું છે. જેના કારણે બ્રન્ટ ક્રૂડ અને નેચરલ ગેસના ભાવમાં તોતિંગ વધારો થયો છે. આ ઘટનાક્રમની સીધી અસર ભારત જેવા તેલ આયાતકાર દેશો પર પડી રહી છે. અમેરિકાની આ નવી નીતિથી તેલના ભાવોમાં થોડી રાહત મળવાની આશા છે.



