गुजरात

અમદાવાદમાં 60થી વધારે ડૉક્ટર કોરોના પોઝિટિવ; કોરોના રિપોર્ટ તાત્કાલિક મળે તે માટે AMAની હાઇકોર્ટમાં PIL

Anil Makwana

અમદાવાદ : અમદાવાદ મેડિકલ એસોસિએશ (AMA)ને કોવિડ 19 ટેસ્ટ નાં રિપોર્ટની પ્રક્રિયા ઝડપી થાય તે માટે હાઈકોર્ટ (Gujarat HC)ની શરણ લીધી છે. શુક્રવારે હાઇકોર્ટમાં અમદાવાદ મેડિકલ એસોસિયેશન દ્વારા કરાયેલી જાહેરહિતની અરજી પર સુનાવણી હાથ ધરાશે. સરકારી નિયમ મુજબ હૉસ્પિટલ (Hospital)માં ટ્રીટમેન્ટ માટે દર્દી આવે એટલે તેના કોવિડ ટેસ્ટ માટે CDHO (Chief Deputy Health Officer)ને જે તે હૉસ્પિટલ અને ડૉક્ટરે મેઈલ કરી દર્દીનાં કોવિડ ટેસ્ટ માટે મંજૂરી લેવી પડે છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે આ મેઇલનો હા કે નાનો જવાબ આવતા 4થી 5 દિવસ લાગી જાય છે. તેમાં પણ જો દર્દી કોરોના પોઝિટિવ હોય તો તે રિપોર્ટ આવે ત્યાં સુધીમાં તો કોરોના સુપર સ્પ્રેડરની ભૂમિકા ભજવી ચૂકી હોય છે. બીજી તરફ અમદાવાદ શહેરમાં 60થી વધારે ડૉક્ટર કોરોના પોઝિટિવ હોવાની માહિતી વિગત સામે આવતા ખળભળાટ મચી ગયો છે.

આ પાંચ દિવસ દરમિયાન દર્દી કોવિડગ્રસ્ત હોય તો અન્યને ચેપ ફેલાવી શકે છે. જેનો ભોગ ખુદ ડૉકટર પણ બની શકે છે. આ બાબતે AMA તરફથી થયેલી લેખિત રજૂઆતનું કોઈ પરિણામ ન આવતા ડૉક્ટરો હાઇકોર્ટમાં ગયાં છે. કોવિડ ટેસ્ટ માટેની જટીલ સરકારી પ્રક્રિયાને કારણે ડૉકટર દર્દીના રોગનું નિદાન ન થયું હોય તો તેની સારવાર કઈ રીતે કરે અને હાલ મોટી સંખ્યામાં તબીબો પણ કોરોનાનો શિકાર બન્યા હોવાની રજુઆત હાઇકોર્ટમાં કરવામાં આવી છે. આ જટીલ પ્રક્રિયાને કારણે ખૂદ ડૉકટરને પણ કોવિડ ટેસ્ટ કરાવવો હોય તો 5 દિવસ લાગે છે. આ પ્રકારની સ્થિતિમાં કામ કરતાં ડૉક્ટરોમાં પણ સંક્રમણ ફેલાવાનો ભય વધી જાય છે.

અમદાવાદ મેડિકલ એસોસિએશનના પ્રમુખ ડૉ. મોનાબેન દેસાઈએ જણાવ્યું હતું કે, દર્દીનાં કોવિડ 19 ટેસ્ટ માટે CDHOને ડૉકટરે એક ફોર્મ ભરીને ઇમેલ કરવાનો હોય છે. જેનાં આધારે તેવો ICMRની ગાઈડલાઈન મુજબ Yes કે Noનો જવાબ આપે છે. જે જવાબ આવતાં ચારથી પાંચ દિવસ લાગે છે. ત્યાં સુધી કોઈ ઈમરજન્સી ઓપરેશન હોય તો કોવિડ ટેસ્ટ વગર ડૉકટર અને દર્દી બંને માટે જોખમ રહે છે.

આ ઉપરાંત દર્દીને કોવિડ છે કે નહીં તે નક્કી થતાં 5થી 6 દિવસ લાગે તો ડૉકટર તેની ટ્રીટમેન્ટ શું કરે? ટ્રીટમેન્ટ કરે ને દર્દીને કંઈ થઈ જાય અથવા તો સંક્રમણ ફેલાય તેનું શું? આ બાબતે અમે આરોગ્ય ચીફ સેક્રેટરી જ્યંતિ રવિને લેખિત રજુઆત કરી કોવિડ 19 ટેસ્ટ અને તેના રિપોર્ટની પ્રક્રિયા 4થી 5 કલાકમાં પતી જાય તેવી વ્યવસ્થા કરવા જાણ કરી હતી. જોકે આ અંગે યોગ્ય વ્યવસ્થા થઈ ન હોતી એટલે અમારે ન છૂટકે છે હાઇકોર્ટની શરણ લેવી પડી છે.

Related Articles

Back to top button