दुनिया

ઇરાન હોર્મુઝમાંથી ટોલ ટેક્સ વસૂલી વર્ષે 73 અબજ ડોલર કમાશે | Iran to earn 73 billion a year from toll tax collection from Hormuz



– ઇરાન યુદ્ધનો ખર્ચો હોર્મુઝમાંથી વસૂલશે

– હોર્મુઝની ખાડીમાંથી કમાણી કરીને અમેરિકન પ્રતિબંધોનો જવાબ આપવા ઇરાનનું ભાવિ આયોજન

તહેરાન : અમેરિકા અને ઇઝરાયેલને હુમલાનો જવાબ આપવા માટે હોર્મુઝની ખાડીને હથિયાર બનાવનારા ઇરાને હવે તેનો એવો ઉપયોગ વિચારી લીધો છે જેની વિશ્વમાં કોઈને કલ્પના પણ નહી આવે. કદાચ ઇરાનનું આ પગલું ભવિષ્યમાં સમુદ્ર વેપારમાં નવા જ માપદંડો પણ સ્થાપી શકે. ઇરાન હોર્મુઝની ખાડીમાંથી ટોલ ટેક્સ વસૂલીને વર્ષે સીધી ૭૩ અબજડોલરની કમાણી કરવાનું આયોજન ધરાવે છે.

ઇરાન હાલમાં હોર્મુઝની ખાડીમાંથી કોઈપણ જહાજને પસાર થવા દેતુ નથી. દરેક સરકારે તેના માટે અલગથી ઇરાન સાથે વાટાઘાટ કરવી પડી રહી છે. એક રીતે ઇરાને હોર્મુઝની ખાડીની નાકાબંધી કરીને વૈશ્વિક સપ્લાય ચેઇનનું ગળું જ દબાવ્યું હોવાનું કહીએ તો તમા જરા પણ અતિશ્યોક્તિ નથી. 

જો કે આ ગળુ દબાવવાની સાથે જ ઇરાનને હવે નવો વિચાર એ આવ્યો છે કે આ તો યુદ્ધની સ્થિતિ છે એટલે આવું પગલું લીધુ. પણ હોર્મુઝની ખાડી તેના માટે કાયમની કમાણીના રસ્તા પણ ખોલી આપી શકે છે. તેથી હવે ઇરાન હોર્મુઝની ખાડીમાંથી પસાર થનારા દરેક જહાજ પાસેથી ૧૦ ટકા જેટલો ટોલ ટેક્સ વસૂલે તેમ માનવામાં આવે છે. કદાચ તેણે આ શરુઆત કરી જ દીધી હોય અને તેને લઈને પણ બીજા દેશોનો તેની સાથે વિવાદ ચાલતો હોઈ શકે છે. 

આમ છતાં ઇરાન પાસે અમેરિકાના આર્થિક પ્રતિબંધોનો સામનો કરવા માટે હોર્મુઝની ખાડી કમાણીનું મોટું સાધન બની શકે છે. તેના માટે તેણે કરવાનું પણ કશું જ નથી. બસ સીધો ટોલ ટેક્સ જ ઉઘરાવવાનો છે. આ ટોલ ટેક્સની મદદથી મળતી રકમના કારણે તે અમેરિકાએ તેના પર લાદેલા આર્થિક પ્રતિબંધોનો સારામાં સારી રીતે સામનો કરી શકે છે અને જો તેની પાસે વર્ષે ૭૩ અબજ ડોલર જેવી જંગી વાર્ષિક આવક હોય તો પછી તેના પર અમેરિકા કે યુરોપ ગમે તેટલા પ્રતિબંધો મૂકે તો કોઈ ખાસ ફેર પડવાનો નથી. 

તેહરાન યુનિવર્સિટીના પ્રોફેસર ફોઆદ ઇજાદીએ જણાવ્યું છે કે ઇરાન આ યુદ્ધમાં ગયેલા નુકસાન અને ફરીથી બેઠા થવાની કિંમત વસૂલવા માટે આ ટોલ ટેક્સ નાખવાની યોજના ધરાવે છે. હોર્મુઝની ખાડીમાથી થનારી આ કમાણી તેના માટે આવકનો મોટો સ્ત્રોત બની શકે છે. તેની સાથે આ જ બાબત જો માપદંડ બને તો સુએઝ નહેરથી લઈને પનામા નહેરમાં પણ તેનો અમલ કરવામાં આવે તો આશ્ચર્ય નહીં થાય. હાલમાં તો દરેક દેશના જહાજ પાર કરાવવા માટે ઇરાન કોઈને કોઈ શરત મૂકી રહ્યુ છે. આ શરતો તેના પછી ટોલ સિસ્ટમનું સ્વરૂપ ધારણ કરી શકે છે. 

યુદ્ધ વચ્ચે રોજના 14 કરોડ ડોલરની ધીકતી કમાણી કરતું ઇરાન

તહેરાન : ઇરાન અમેરિકા અને ઇઝરાયેલ સાથેના યુદ્ધ વચ્ચે પણ રોજના ૧૪ કરોડ ડોલરની જંગી કમાણી કરી રહ્યુ છે. યુદ્ધના કારણે ક્રૂડ ઓઇલના ઊંચા ભાવના કારણે ઇરાનને ફાયદો થયો છે. અમેરિકાએ યુદ્ધ છતાં પણ ઇરાનને ઓઇલ વેચવા દેવાની છૂટ આપવી પડી છે, કારણ કે જો અમેરિકા ઇરાનનો ઓઇલ પુરવઠો રોકે તો વૈશ્વિક સપ્લાય ચેઇન જ ખોરવાઈ જાય. તેથી અમેરિકા ઇરાનની ઓઇલ નિકાસને રોકી રહ્યુ નથી. તેથી ઇરાનના રોજના કમસેકમ ૧૩  સુપરટેન્કર તેના ખાર્ગ દ્વીપમાંથી લોડ થઈ રહ્યા છે. અમેરિકાએ ખાર્ગ દ્વીપમાં પણ ઇરાનના લશ્કરી ઠેકાણા પર જ હુમલો કર્યો છે. તેના ઓઇલ સંકુલોને જરા પણ નિશાન બનાવ્યા નથી. ડેટા એનાલિટિક્સ ફર્મ કેપ્લરનો ડેટા બતાવે છે કે યુદ્ધ દરમિયાન લગભગ ૨.૪ કરોડ બેરલ ઇરાનીયન ક્રૂડ ઓઇલ હોર્મુઝની ખાડીમાંથી પસાર થયું. આમ ઇરાનના ટેન્કરો હોર્મુઝમાંથી સરળતાથી પસાર થઈ રહ્યા છે તો બીજી બાજુ અન્ય દેશોના ટેન્કરો રોકાઈ રહ્યા છે તેના પર હુમલા થઈ રહ્યા છે.



Source link

Related Articles

Back to top button