ગૂગલ પશ્ચિમના દેશોમાં અને ચીન વિશ્વમાં એઆઈની રેસ જીતશે : મસ્ક | Google will win the AI race in Western countries and China in the world: Musk

![]()
– સ્પેસએક્સ અવકાશની રેસમાં અવ્વલ
– ઈલોન મસ્કે સ્વીકાર્યું કે, તેમની કંપની એઆઈ ચેટબોટ્સ જેમિની, ચેટજીપીટી, ક્લોડથી પાછળ છે
કેલિફોર્નિયા : સ્પેસએક્સના સીઈઓ ઈલોન મસ્કે ચોંકાવનારી આગાહી કરી છે. તેમણે કહ્યું કે, તેમની હરીફ કંપની ગૂગલ પશ્ચિમના દેશોમાં એઆઈની રેસ જીતશે.
જ્યારે, ચીન આખા વિશ્વમાં એઆઈની રેસ જીતશે અને તેમની પોતાની કંપની સ્પેસએક્સ સ્પેસમાં જીતશે. મસ્ક એબેક્સ એઆઈની સીઈઓ અને ગૂગલની પૂર્વ કર્મચારી બિંદી રેડ્ડીની પોસ્ટનો જવાબ આપી રહ્યા હતા.
બિંદી રેડ્ડીએ પોતાની પોસ્ટમાં ગૂગલના જેમિની ૩.૦ મોડેલ વિશે નિરાશા વ્યક્ત કરી હતી. તેણે કહ્યું કે, આ મોડલ અપેક્ષા મુજબ નથી એટલે તેઓ જેમિની ૨.૫ મોડલ પર આધાર રાખી રહ્યા છે.
બિંદી રેડ્ડીએ એઆઈની રેસમાં આગળ વધવા માટે ગૂગલને તેની અનેક ટીમોને નવા એઆઈ મોડલ્સને સમાંતર ટ્રેનિંગ આપવા વિનંતી કરી હતી.
આ પોસ્ટના જવાબમાં મસ્કે લખ્યું કે, ‘ગૂગલ પશ્ચિમમાં એઆઈની રેસ જીતશે. જ્યારે, વૈશ્વિક સ્તરે ચીન જીતશે અને સ્પેસની રેસમાં સ્પેસએક્સ જીતશે’.
મસ્કે તાજેતરમાં જ સ્વીકાર્યુંહતું કે, ગ્રોક એઆઈ બનાવનારી તેમની કંપની એક્સએઆઈ તેના હરીફોથી પાછળ છે અને આશા વ્યક્ત કરી હતી કે, કંપની વર્ષના અંત સુધીમાં સ્પર્ધકોની નજીક પહોંચી જશે.
મસ્કે એમ પણ કહ્યું હતું કે તેઓ એક્સએઆઈને ફરીથી બનાવવા માંગે છે. ઉલ્લેખનીય છે કે, એક્સ એઆઈના ઘણા ફાઉન્ડર્સે કંપની છોડી દીધી છે. સ્ટાર્ટઅપના ૧૧ ફાઉન્ડર્સમાંથી ફક્ત બે જ કંપની સાથે જોડાયેલા છે.



