હોર્મુઝની ખાડીનો જળમાર્ગ બંધ થયા બાદ ઓઈલ પુરવઠાની ‘છેલ્લી આશા’ પર પણ સંકટ! યાનબૂ પર ઈરાનનો હુમલો | iran attacks saudi aramco samref refinery global oil supply crisis israel war updates gujarati

![]()
Iran America War : મિડલ ઈસ્ટમાં અમેરિકા અને ઈઝરાયલ વિરુદ્ધ ઈરાનની જંગ હવે પાડોશી આરબ દેશો સુધી પહોંચી ગઈ છે. અહેવાલો અનુસાર સાઉદી અરેબિયાના લાલ સમુદ્ર કિનારે આવેલા યાનબુ પોર્ટ પર સ્થિત ‘સામરેફ’ રિફાઈનરી પર ભયાનક હવાઈ હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલાએ વૈશ્વિક તેલ પુરવઠા પર મોટું જોખમ ઊભું કર્યું છે.
સામરેફ રિફાઈનરી પર હુમલો અને તેની અસર
સામરેફ રિફાઈનરી એ સાઉદી અરામકો અને એક્સોનમોબિલ વચ્ચેનું સંયુક્ત સાહસ છે. ઉદ્યોગના સૂત્રોના જણાવ્યા અનુસાર, આ હુમલામાં સુવિધાને મર્યાદિત નુકસાન થયું છે. જોકે, આ હુમલો ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ્સ દ્વારા સાઉદી અરેબિયા, યુએઈ અને કતારની ઓઈલ સુવિધાઓ ખાલી કરવાની ચેતવણી આપ્યા બાદ કરવામાં આવ્યો છે. હજુ સુધી સાઉદી અરામકો દ્વારા આ અંગે કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી.
વૈશ્વિક તેલ પુરવઠો જોખમમાં
આ હુમલો એટલા માટે ગંભીર છે કારણ કે યાનબુ પોર્ટ ખાડી દેશો માટે તેલ નિકાસના મુખ્ય માર્ગોમાંથી એક છે. ગયા મહિનાના અંતમાં યુદ્ધ શરૂ થયા બાદ ઈરાને ‘હોર્મુઝની સામુદ્રધુની’ લગભગ ઠપ કરી દીધી છે, જે વિશ્વના કુલ તેલ પુરવઠાનો પાંચમો ભાગ વહન કરે છે. સમગ્ર અખાતી પ્રદેશ (ઈરાન અને ઈરાક સહિત) વિશ્વના 31 ટકા તેલ અને 8 થી 17 ટકા ગેસનું ઉત્પાદન કરે છે.
આ પણ વાંચો : તેલ બાદ હવે ઇન્ટરનેટ બ્લોક કરવાની તૈયારીમાં ઈરાન! અંડર સી કેબલ્સ કપાઈ તો દુનિયામાં સર્જાશે ડિજિટલ બ્લેકઆઉટ
બીજો માર્ગ પણ બંધ?
સંયુક્ત આરબ અમીરાતનું ફુજૈરાહ પોર્ટ પણ હુમલાઓને કારણે હાલમાં બંધ છે, જેનાથી એનર્જી ક્રાઈસિસની સ્થિતિ સર્જાઈ રહી છે.
કતાર અને સાઉદી અરેબિયા પર ઈરાનના વળતા પ્રહાર
ઈરાન દ્વારા આ હુમલાઓ ઈઝરાયલ દ્વારા તેના ‘સાઉથ પાર્સ’ ગેસ ફિલ્ડ પર કરવામાં આવેલા હુમલાના જવાબમાં કરવામાં આવી રહ્યા છે. બુધવારે કતાર એનર્જીએ જણાવ્યું હતું કે ઈરાની મિસાઇલ હુમલામાં તેમના મુખ્ય LNG પ્રોસેસિંગ પ્લાન્ટ ‘રાસ લફાન’ ને મોટું નુકસાન થયું છે. સાઉદી અરેબિયાએ રિયાધ તરફ છોડવામાં આવેલી ચાર બેલેસ્ટિક મિસાઇલોને આંતરીને હવામાં જ તોડી પાડી હતી.
સાઉદી અરેબિયાની કડક ચેતવણી
સાઉદી અરેબિયાના વિદેશ મંત્રી પ્રિન્સ ફૈઝલ બિન ફરહાન જે અગાઉ શાંતિની વાત કરી રહ્યા હતા, તેમણે હવે ઈરાન સામે આકરા પ્રહાર કર્યા છે. તેમણે ઈરાન પર પડોશી દેશો વિરુદ્ધ પ્રિ-પ્લાન્ડ શત્રુતાપૂર્ણ કાર્યવાહીનો આરોપ લગાવ્યો છે અને કહ્યું છે કે સાઉદી અરેબિયા ઈરાન વિરુદ્ધ સૈન્ય કાર્યવાહી કરવાનો અધિકાર અનામત રાખે છે.

