ઈરાનના એક હુમલાથી વિશ્વભરમાં હાહાકાર! યુરોપિયન ગેસના ભાવમાં એકઝાટકે 35 ટકાનો ઉછાળો | Middle East Crisis Iran Attacks Qatar s Energy Hub Global Gas Prices Soar 35 percent

Middle East Crisis: મધ્ય-પૂર્વ એશિયામાં વધી રહેલા તણાવની સીધી અસર હવે વૈશ્વિક ઊર્જા બજાર પર જોવા મળી રહી છે. ઈરાન દ્વારા અખાતી દેશોના ઊર્જા કેન્દ્રો પર કરવામાં આવેલા મિસાઇલ અને ડ્રોન હુમલાને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલ અને કુદરતી ગેસની કિંમતોમાં ભારે ઉછાળો આવ્યો છે. ગુરુવારે યુરોપિયન ગેસના ભાવમાં અચાનક 35% સુધીનો વધારો ઝીંકાયો હતો, જ્યારે યુદ્ધ શરૂ થયા બાદ ‘બ્રેન્ટ ક્રૂડ’ની કિંમતોમાં પણ લગભગ 60% જેટલો તોતિંગ વધારો નોંધાયો છે. આ સ્થિતિને કારણે વિશ્વભરના બજારોમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો છે.
કતારના ‘રાસ લાફાન’ પર હુમલો: વિશ્વના 20% LNG પુરવઠા પર મોટું સંકટ
આ ઉછાળાનું મુખ્ય કારણ ઈરાન દ્વારા કતારના ‘રાસ લાફાન’ ઔદ્યોગિક વિસ્તાર અને પડોશી દેશોના ઊર્જા મથકો પર કરાયેલા હુમલા છે. કતારનો આ પ્લાન્ટ વિશ્વના કુલ LNG પુરવઠાના લગભગ 20% ઉત્પાદન કરે છે, જે હુમલાને કારણે ખરાબ રીતે પ્રભાવિત થયો છે. આ ઉપરાંત અબુ ધાબીના હબશાન ગેસ પ્લાન્ટને પણ નુકસાન પહોંચતા તેને બંધ કરવાની ફરજ પડી છે.
ઊંચા ભાવે ગેસ ખરીદવા યુરોપ મજબૂર
આ હુમલાઓએ ખાસ કરીને યુરોપ માટે મોટી મુસીબત ઊભી કરી છે, કારણ કે ત્યાં ગેસ સ્ટોરેજ ટેન્ક ખાલી થઈ રહી છે અને હવે તેમને એશિયાના ખરીદદારો સામે ઊંચા ભાવે ગેસ ખરીદવા માટે સ્પર્ધા કરવી પડશે. નિષ્ણાતોના મતે, જો હોર્મુઝ સ્ટ્રેટ લાંબો સમય બંધ રહેશે, તો આ સંકટ મહિનાઓ કે વર્ષો સુધી ચાલી શકે છે.
આ પણ વાંચો: હોર્મુઝ બંધ થયા બાદ ઓઇલ પુરવઠાની ‘છેલ્લી આશા’ પર પણ સંકટ! યાનબૂ પર ઈરાનનો હુમલો
ડોનાલ્ડ ટ્રમ્પની ઈરાનને આકરી ચેતવણી
બીજી તરફ, અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આ હુમલાઓ બાદ ઈરાનને અત્યંત કડક ચેતવણી આપી છે. ટ્રમ્પે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે જો કતાર પર ફરીથી હુમલો થશે, તો અમેરિકા ઈરાનના આખા ગેસ ફિલ્ડને ઉડાવી દેશે, જેની ઈરાને ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય. આ ભયાનક વિનાશને રોકવા માટે અને ઓઇલનો પુરવઠો જાળવી રાખવા માટે ટ્રમ્પ પ્રશાસને રણનીતિ બદલી છે. અમેરિકાએ વેનેઝુએલા પરના પ્રતિબંધોમાં ઢીલ આપી છે જેથી કરીને અમેરિકન કંપનીઓ ત્યાંથી ઓઇલ અને ગેસ મેળવી શકે અને વૈશ્વિક બજારમાં પુરવઠાની અછતને પહોંચી વળાય.


