ઈરાન યુદ્ધ મુદ્દે પણ કોંગ્રેસમાં બે ફાંટા? થરૂરે કહ્યું- ચૂપ રહેવું એ પણ એક વ્યૂહરચના જ છે… | Sonia Gandhi vs Shashi Tharoor Clash Over India s Silence on Iran Crisis Khamenei s Death

Sonia Gandhi vs Shashi Tharoor on Iran: ઈરાન પર અમેરિકા અને ઈઝરાયલના હુમલા તથા સુપ્રીમ લીડર આયતુલ્લા અલી ખામેનેઈના મૃત્યુ બાદ ભારતનું રાજકીય વાતાવરણ ગરમાયું છે. આ ગંભીર વૈશ્વિક પરિસ્થિતિમાં ભારત સરકારના મૌન પર કોંગ્રેસના જ બે દિગ્ગજ નેતાઓના મંતવ્યોમાં વિરોધાભાસ જોવા મળ્યો છે. સોનિયા ગાંધીએ સરકારની ટીકા કરતા^ આ વલણને ‘નૈતિક પતન’ ગણાવ્યું, જ્યારે સાંસદ શશી થરૂરે તેને એક જવાબદાર અને સુનિયોજિત કૂટનીતિ ગણાવી સરકારનો બચાવ કર્યો છે.
સરકારના મૌન પર સોનિયા ગાંધીના પ્રહાર
સોનિયા ગાંધીએ એક લેખ દ્વારા સરકાર પર પ્રહાર કરતા^ જણાવ્યું હતું કે, ઈરાનની સંપ્રભુતાનું ઉલ્લંઘન અને એક રાષ્ટ્રાધ્યક્ષની હત્યા જેવા ગંભીર મામલે નવી દિલ્હીનું મૌન ભારતની વિદેશ નીતિની વિશ્વસનીયતા પર સવાલો ઊભા કરે છે. તેમણે સરકારને આડે હાથ લેતાં કહ્યું કે આંતરરાષ્ટ્રીય કાયદાના ભંગ છતાં ભારત સરકાર દ્વારા તેની નિંદા ન કરવી તે આશ્ચર્યજનક છે. જોકે, શશી થરૂરે સોનિયા ગાંધીના આ તર્કને ફગાવતાં જણાવ્યું છે કે, દરેક પરિસ્થિતિમાં જાહેરમાં નિંદા કરવી એ જ એકમાત્ર વિકલ્પ નથી હોતો. થરૂરના મતે ભારતનું આ મૌન કોઈ નબળાઈ નથી, પરંતુ રાષ્ટ્રીય હિતોની રક્ષા માટેનો એક વ્યવહારિક અને વ્યૂહાત્મક નિર્ણય છે.
આ પણ વાંચો: ભારત પાસે પણ છે હોર્મુઝ સ્ટ્રેટ જેવો ‘ચોક પોઈન્ટ’! દુનિયાનો 25 ટકા વેપાર ઠપ કરવાની તાકાત
શશી થરૂરના તર્ક અને ભારતના વ્યૂહાત્મક હિતો
શશી થરૂરે ભારતના આર્થિક અને વ્યૂહાત્મક હિતોનો હવાલો આપતાં સમજાવ્યું કે, અખાતી દેશો સાથે ભારતનો વાર્ષિક 200 અબજ ડૉલરનો વેપાર છે અને ત્યાં 90 લાખ ભારતીયો વસે છે. વળી, ભારતની ઊર્જા જરૂરિયાતો પણ આ વિસ્તાર પર નિર્ભર છે. આવી સ્થિતિમાં કોઈ પણ એક પક્ષનો ખુલ્લેઆમ વિરોધ કરવો ભારત માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. તેમણે વધુમાં કહ્યું કે, અમેરિકા સાથેના સંરક્ષણ અને તકનીકી સંબંધો તેમજ ચીન જેવા પડકારોને જોતા સંતુલન જાળવવું અનિવાર્ય છે. થરૂરે ઇતિહાસ યાદ અપાવતાં કહ્યું કે ભૂતકાળમાં પણ ભારતે સોવિયત સંઘ જેવા મિત્ર દેશોના હિતમાં અનેકવાર મૌન ધારણ કર્યું છે, જે કૂટનીતિનો જ એક ભાગ છે.




