યુદ્ધ અટકાવવામાં ભારત નિભાવી શકે છે મહત્ત્વપૂર્ણ ભૂમિકા: અમેરિકા-ઈરાન સંઘર્ષ મુદ્દે રશિયાનું નિવેદન | Russia Urges India to Mediate in Iran Israel US War Amid Global Energy Crisis and Fuel Price Hike

Russia Urges India Mediation: અમેરિકા, ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધને ત્રણ અઠવાડિયાથી વધુ સમય વીતી ચૂક્યો છે, જેના કારણે વિશ્વભરમાં ગંભીર ઈંધણ સંકટ ઊભું થયું છે. આ પરિસ્થિતિમાં રશિયાએ ભારતની મધ્યસ્થી સ્વીકારવા અપીલ કરી છે.
અમેરિકા-ઈરાન સંઘર્ષ મુદ્દે રશિયાનું નિવેદન
રશિયાના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઝાખારોવાએ જણાવ્યું છે કે, અમેરિકા અને ઈઝરાયલ દ્વારા ઈરાન પર કરાયેલા અકારણ હુમલાને કારણે સર્જાયેલા આ સંકટને રોકવા માટે ભારત જેવી પ્રભાવશાળી શક્તિ મહત્ત્વની ભૂમિકા ભજવી શકે છે. ભારતે પણ શરૂઆતથી જ આ યુદ્ધનો અંત લાવવા માટે વાતચીતનો માર્ગ અપનાવવા પર ભાર મૂક્યો છે.
વિશ્વના સૌથી મોટા ગેસ ફિલ્ડ પર હુમલો
આ યુદ્ધની આર્થિક અસરો હવે સીધી રીતે જોવા મળી રહી છે. ઈઝરાયલી સેનાએ બુધવારે ઈરાનના વિશ્વના સૌથી મોટા ગેસ ફિલ્ડ ‘સાઉથ પાર્સ’ પર હુમલો કર્યો હોવાના અહેવાલ છે, જેના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં તેલ અને કુદરતી ગેસની કિંમતોમાં મોટો ઉછાળો આવ્યો છે. કાચા તેલની કિંમત 6.3% વધીને 109.95 ડૉલર પ્રતિ બેરલ સુધી પહોંચી ગઈ છે, જ્યારે યુરોપમાં ગેસના ભાવમાં 9.3%ની તેજી જોવા મળી છે. આ અગાઉ ઈરાનના તેલ ભંડાર ધરાવતા ખાર્ગ દ્વીપને પણ નિશાન બનાવવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: અફઘાનિસ્તાન પર એરસ્ટ્રાઈક કરીને ફસાયું પાકિસ્તાન! UN ચીફ ભડક્યા, નિષ્પક્ષ તપાસની માંગ
ભારત માટે વધતી ચિંતા
ભારત માટે આ સંઘર્ષ ચિંતાનો વિષય છે, કારણ કે ભારત તેની જરૂરિયાતનું લગભગ 88% ક્રૂડ ઓઇલ અને 60% એલપીજી આયાત કરે છે. ખાસ કરીને સ્ટ્રેટ ઑફ હોર્મુઝની નાકાબંધી થવાથી અખાતી દેશોમાંથી થતો પુરવઠો ખોરવાયો છે. જોકે, ભારતે રશિયા પાસેથી તેલ મંગાવીને આ ઘટની આંશિક ભરપાઈ કરી છે. બીજી તરફ, અમેરિકન મીડિયાના દાવા મુજબ રશિયા ઈરાનને સેટેલાઇટ ડેટા અને ડ્રોન ટેકનોલોજી દ્વારા મદદ કરી રહ્યું છે, જે આ યુદ્ધને વધુ ગંભીર બનાવી શકે છે.




