LIVE: ઈરાનના હુમલા બાદ 12 મુસ્લિમ દેશો એકજૂટ, કહ્યું- આંતરરાષ્ટ્રીય કાયદાનું માન જરૂરી | US Israel Iran War Live: Saudi Warns Iran UAE Oil Fields Targeted

US-Israel-Iran War Live : ઈરાન અને ઈઝરાયલ વચ્ચેનું યુદ્ધ હવે ભયાનક વળાંક લઈ રહ્યું છે. પોતાના ટોચના નેતાઓના મોતથી છંછેડાયેલા ઈરાને ખાડી દેશો પર મિસાઈલમારો તેજ કર્યો છે, જેની સામે હવે સાઉદી અરેબિયા અને UAE એ પણ આક્રમક વલણ અપનાવ્યું છે.
US-Israel-Iran War Live Updates
ઇરાન વિરુદ્ધ 12 મુસ્લિમ દેશો એકજૂટ
મિડલ ઈસ્ટમાં સ્થિતિ વધુ વણસી રહી છે. પોતાના ગેસ ઠેકાણાઓ પર અમેરિકા અને ઈઝરાયલ દ્વારા કરવામાં આવેલા હુમલાથી ઉશ્કેરાયેલા ઈરાને ગુરુવારે ખાડી દેશો પર મોટો હુમલો કર્યો છે. તેહરાને સાઉદી અરેબિયા, કતર અને યુએઈ (UAE) ના અનેક મહત્વપૂર્ણ તેલ અને ગેસ મથકોને નિશાન બનાવ્યા છે, જેના કારણે હવે અરબ દેશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ હુમલાઓના વિરોધમાં સાઉદી અરેબિયાની રાજધાની રિયાધમાં 12 મુસ્લિમ દેશોના વિદેશ મંત્રીઓની એક તાકીદની બેઠક યોજાઈ હતી. આ દેશોએ એક સંયુક્ત નિવેદન જાહેર કરીને ઈરાની હુમલાઓની સખત શબ્દોમાં નિંદા કરી છે અને ઈરાનને તાત્કાલિક આ હુમલાઓ રોકવા તેમજ આંતરરાષ્ટ્રીય કાયદાનું સન્માન કરવાની ચેતવણી આપી છે. નિવેદનમાં જણાવાયું છે કે રહેણાંક વિસ્તારો, તેલ સુવિધાઓ, એરપોર્ટ અને રાજદ્વારી પરિસરો પર કરવામાં આવેલા આ હુમલા કોઈપણ સંજોગોમાં સ્વીકાર્ય નથી.
24 કલાકમાં ઈરાની અધિકારીઓ દેશ છોડે : કતારની ચેતવણી
મિડલ ઈસ્ટમાં વધી રહેલા ભારેલા અગ્નિ જેવી સ્થિતિ વચ્ચે કતારે ઈરાન વિરુદ્ધ અત્યંત કડક વલણ અપનાવ્યું છે. કતારના વિદેશ મંત્રાલયે ઈરાની દૂતાવાસના મિલિટરી એટેચ (Military Attache) અને સુરક્ષા એટેચ સહિતના તમામ સ્ટાફને ‘પર્સના નોન ગ્રાટા’ (બિનજરૂરી વ્યક્તિ) જાહેર કરીને આગામી 24 કલાકમાં દેશ છોડી દેવાનો આદેશ આપ્યો છે. કતારનો આરોપ છે કે ઈરાને વારંવાર કતારની સંપ્રભુતા અને સુરક્ષાનું ઉલ્લંઘન કરીને આંતરરાષ્ટ્રીય કાયદાઓ અને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના પ્રસ્તાવોનો ભંગ કર્યો છે. આ આક્રમક વલણના જવાબમાં કતારે સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો ઈરાન પોતાની હરકતો બંધ નહીં કરે તો આગામી સમયમાં વધુ કઠોર પગલાં લેવામાં આવશે.
ઈઝરાયલનો મોટો દાવો : ઈરાન સમર્થિત ઈમામ હુસૈન ડિવિઝનના નવા કમાન્ડર પણ ઠાર
ઈઝરાયલે દાવો કર્યો હતો કે અમે ઈમામ હુસૈન ડિવિઝનના કમાન્ડર હસન અલી મરવાનને ઠાર કરી દીધા છે. ખાસ વાત એ છે કે મરવાનને તેમના પૂર્વવર્તી કમાન્ડરના મોતથી ફક્ત એક અઠવાડિયાની અંદર કમાન સોંપાઈ હતી અને હવે તેમનો પણ અંત આણી દેવાયો છે.

કતારમાં પણ રાસ લફ્ફાન ઓઈલ અને ગેસ પ્લાન્ટ પર ઇરાનનો હુમલો
અરામકો પર ઈરાનનો મિસાઈલ એટેક
સાઉદીની સૌથી મોટી ઓઈલ રિફાઈનરી અરામકોમાં અમેરિકન ઠેકાણાને ઈરાને નિશાન બનાવ્યું હતું. જેના વીડિયો પણ સામે આવ્યા હતા. જેમાં જોઇ શકાય છે કે ભયાનક ધડાકા થઇ રહ્યા છે. કહેવાય છે કે ઈરાન દ્વારા બેલેસ્ટિક મિસાઇલ દ્વારા આ હુમલાને અંજામ અપાયો હતો. ઉલ્લેખનીય છે કે અમેરિકા અને ઈઝરાયલે ઈરાનના સૌથી મોટા અને વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ એવા પાર્સ ગેસ ફિલ્ડ પર ભીષણ હુમલો કર્યો હતો. જેના બાદ ઈરાન વધારે અકળાયું હતું.
સાઉદી વિદેશ મંત્રીનું કડક નિવેદન: ‘ઈરાન પરથી ભરોસો તૂટી ગયો છે’
સાઉદી અરેબિયાના વિદેશ મંત્રી પ્રિન્સ ફૈઝલ બિન ફરહાન અલ સઉદે ઈરાનને કડક ચેતવણી આપતા કહ્યું છે કે જો તેહરાન એમ માનતું હોય કે ખાડી દેશો વળતો જવાબ આપી શકતા નથી, તો તે તેની મોટી ભૂલ છે. તેમણે ઉમેર્યું કે ઈરાન પરનો વિશ્વાસ સંપૂર્ણપણે તૂટી ગયો છે અને હાલની સ્થિતિમાં તેને ભાગીદાર માની શકાય તેમ નથી.
મેક્રોનની અપીલ: ઊર્જા અને પાણીના ઠેકાણાઓ પર હુમલા રોકો
ફ્રાન્સના પ્રમુખ ઈમેન્યુઅલ મેક્રોને અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને કતારના શેખ સાથે ફોન પર વાતચીત કરી છે. મેક્રોને અપીલ કરી છે કે માનવીય જરૂરિયાતો જેવી કે ઊર્જા અને પાણીની સુવિધાઓ પર કરવામાં આવતા હુમલાઓ તાત્કાલિક રોકવામાં આવે.
ઈરાને ઈઝરાયલ પર ફરી ઝીંકી ક્લસ્ટર મિસાઈલ
રિયાધમાં મુસ્લિમ દેશોની ઈમરજન્સી બેઠક
ખાડી દેશો પર થઈ રહેલા ઈરાની હુમલાઓને રોકવા અને પ્રાદેશિક સુરક્ષા પર ચર્ચા કરવા માટે સાઉદીની રાજધાની રિયાધમાં આરબ અને ઈસ્લામિક દેશોના વિદેશ મંત્રીઓની મહત્વની બેઠક યોજાઈ હતી.
UAE ના ઓઈલ અને ગેસ ફિલ્ડ પર ઈરાનનો મિસાઈલ હુમલો
ઈરાને UAE ના હબશાન ગેસ સેન્ટર અને બાબ ઓઈલ ફિલ્ડ પર હુમલો કર્યો હતો, જોકે UAE ની એર ડિફેન્સ સિસ્ટમે આ હુમલાને નિષ્ફળ બનાવ્યો છે. UAE ના વિદેશ મંત્રાલયે આને આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન ગણાવ્યું છે.
ઈરાકના ઈરબિલમાં અમેરિકન કોન્સ્યુલેટ બિલ્ડિંગ પર એટેક
કતારનો કડક નિર્ણય: ઈરાની રાજદ્વારીને દેશ છોડવા આદેશ
તણાવ વધતા કતારે ઈરાની દૂતાવાસના સૈન્ય અને સુરક્ષા અધિકારીને ‘પર્સના નોન ગ્રાટા’ જાહેર કરીને 24 કલાકમાં દેશ છોડવાનો આદેશ આપ્યો છે. અગાઉ કતારના રાસ લફાન ઇન્ડસ્ટ્રિયલ સિટી પર થયેલા મિસાઇલ હુમલામાં મોટું નુકસાન થયું હોવાની પુષ્ટિ થઈ છે.
ઈરાનની વળતી ધમકી: ‘દરેક કાર્યવાહીનો જવાબ મળશે’
ઈરાનના વિદેશ મંત્રી સૈયદ અબ્બાસ અરાઘચીએ ઈઝરાયલને આતંકી ગણાવતા ચેતવણી આપી છે કે ઈરાન શાંત બેસશે નહીં અને દરેક હુમલાનો જડબાતોડ જવાબ આપવામાં આવશે.



