સુરતના કાપોદ્રામાં હૃદયદ્રાવક ઘટના, ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ, 2ના મોત, અનેક ઈજાગ્રસ્ત | Surat Blaze Turns Deadly: 2 Die LPG Cylinder Explosions Injure Several in Kapodra

![]()
Surat Kapodra fire incident: સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલી એક ઇમારતમાં આજે ભીષણ આગ ફાટી નીકળતા મોટી દુર્ઘટના સર્જાઈ છે. આગની લપેટમાં આવેલા બે LPG ગેસ સિલિન્ડર ધડાકાભેર ફાટતા આસપાસનો વિસ્તાર ધણધણી ઉઠ્યો હતો. આ ઘટનામાં અત્યાર સુધીમાં બે લોકોના મોત નિપજ્યાં છે, જ્યારે 8થી વધુ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.
ઇમારતમાં રહેલા બે ગેસ સિલિન્ડર એકાએક ફાટ્યા
કાપોદ્રાના રચના સર્કલ પાસે આવેલા એક કારખાનામાં અચાનક આગ લાગી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી આખી ઇમારતને લપેટમાં લઈ લીધી હતી. આ દરમિયાન કારખાનામાં અનેક કામદારો કામ કરી રહ્યા હતા, જેમનામાં દોડધામ મચી ગઈ હતી. આગની તીવ્રતા એટલી વધારે હતી કે ઇમારતમાં રહેલા બે ગેસ સિલિન્ડર એકાએક ફાટ્યા હતા, જેના કારણે જાનહાનિના આંકડામાં વધારો થયો છે.
રેસ્ક્યૂ ઓપરેશન અને ફાયર ફાઈટિંગ
ઘટનાની જાણ થતા જ સુરત ફાયર વિભાગની ટીમો હરકતમાં આવી હતી. આગની ગંભીરતાને જોતા 7 અલગ-અલગ ફાયર સ્ટેશનની 10થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયરના જવાનોએ ભારે જહેમત બાદ ઇમારતમાં ફસાયેલા 8થી વધુ કામદારોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા. વિસ્ફોટ અને આગની ઝપેટમાં આવતા બે લોકોના મોત થયા છે. જ્યારે 9 જેટલા શ્રમિકો ઈજાગ્રસ્ત થતા તેને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
આગનું કારણ અકબંધ
પ્રાથમિક તપાસમાં બે સિલિન્ડર ફાટ્યા હોવાની પુષ્ટિ થઈ છે, જેના કારણે બ્લાસ્ટની તીવ્રતા વધી હતી. જોકે, કારખાનામાં સૌ પ્રથમ આગ કયા કારણોસર લાગી તે હજુ સુધી જાણી શકાયું નથી. ફાયર વિભાગ અને પોલીસ દ્વારા હાલમાં પંચનામું કરી તપાસ તેજ કરવામાં આવી છે.



