રૃ. ૩૩,૬૬૦ કરોડની ભારત ઔદ્યોગિક વિકાસ યોજનાને મંજૂરી | cabit decision in 18 03 26

![]()
નવી દિલ્હી,
તા. ૧૮
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં બુધવારે મળેલી
કેબિનેટ બેઠકમાં કેટલાક મહત્ત્વપૂર્ણો નિર્ણયો લેવામાં આવ્યા હતાં. કેન્દ્રીય
પ્રધાન અશ્વિની વૈષ્ણવે મીડિયાને કેબિનેટ બેઠકમાં લેવામાં આવેલા નિર્ણયોની માહિતી
આપી હતી.
તેમણે જણાવ્યું હતું કે સરકારે ઉદ્યોગ, કૃષિ, ઇન્ફ્રાસ્ટ્રકચર
અને રિન્યુએબલ એનર્જીા જેવા ક્ષેત્રો માટે કુલ ૫૪,૯૨૬ કરોડ રૃપિયાના રોકાણવાળી ચાર મહત્ત્વપૂર્ણ યોજનાઓને
મંજૂરી આપી છે.
કેન્દ્રીય કેબિનેટે ભારત ઔદ્યોગિક વિકાસ યોજના (ભવ્ય)ને
મંજૂરી આપી છે અને આ માટે ૩૩,૬૬૦ કરોડ
રૃપિયાની જોગવાઇ કરવામાં આવી છે.
આ યોજના હેઠળ સમગ્ર દેશમાં ૧૦૦ પાવર એન્ડ પ્લે ઇન્ડસ્ટ્રીયલ
પાર્ક વિકસિત કરવામાં આવશે. જ્યાં ઉદ્યોગો માટે અગાઉથી જ તૈયાર ઇન્ફ્રાસ્ટ્રકચર
ઉપલબ્ધ હશે. સરકાર પ્રતિ એકર મહત્તમ એક કરોડ રૃપિયાની સહાયતા કરશે.
આ યોજના ૨૦૨૬-૨૭થી ૨૦૩૧-૩૨ સુધી અમલમાં રહેશે અને તેનો
ઉદ્દેશ મેન્યુફેકચરિંગ સેક્ટરને વેગ આપવા અને રોજગારી વધારવાનો છે.
ખેડૂતોના હિતમાં મોટો નિર્ણય લેતા કેન્દ્ર સરકારે કપાસ સિઝન
૨૦૨૩-૨૪ દરમિયાન ટેકાનાં ભાવ પર ખરીદ માટે ૧૭૧૮ કરોડ રૃપિયાની ભરપાઇ કરવાની મંજૂરી
આપી છે. કેન્દ્રીય પ્રધાન અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે આ નિર્ણય કપાસનાં
ખેડૂતોને સમર્થન આપવા માટે લેવામાં આવ્યો છે.
તેમણે જણાવ્યું હતું કે ઓક્ટોબર, ૨૦૨૩થી સપ્ટેમ્બર, ૨૦૨૪ સુધી ચાલેલી
સીઝનમાં કપાસનાં ભાવ ટેકાનાં ભાવ કરતાં પણ ઘટી ગયા હતાં. સરકારે કોટન કોર્પોરેશન
ઓફ ઇન્ડિયા દ્વારા કપાસનાં ખેડૂતો પાસેથી તેમના ઉત્પાદનની ખરીદી કરી હતી. આ
ખરીદીથી ૭.૨૫ લાખ ખેડૂતોને લાભ થયો હતો.
કેબિનેટ બેઠકમાં ઇન્ફ્રાસ્ટ્રકચર ક્ષેત્રમાં નેશનલ
હાઇવે-૯૨૭ને બારાબંકીથી બહરાઇચ ખંડને ચાર લેનમાં વિકસિત કરવાનાં ૬૯૬૯ કરોડ
રૃપિયાનાં પ્રોજેક્ટને પણ મંજૂરી આપવામાં આવી છે. લગભગ ૧૦૧.૫ કિલોમીટર લાંબા આ સડક
પ્રોજેકટથી ઉત્તર પ્રદેશમાં વધુ સારી કનેક્ટિવિટી સુનિશ્ચિત થશે અને લાખો
રોજગારીની તકો ઉપલબ્ધ થશે.
આ ઉપરાંત ૨૫૮૫ કરોડ રૃપિયાના ખર્ચ ધરાવતી સ્મોલ
હાઇડ્રોઇલેક્ટ્રિક ડેવલોપમેન્ટ સ્કીમને પણ મંજૂરી આપવામાં આવી છે. આ યોજનાનો
લક્ષ્યાંક ૧૫૦૦ મેગાવોટ રિન્યુએબલ એનર્જી પ્રોડક્શનની ક્ષમતા વિકસિત કરવાનો છે.



