ગીરના રાજાની નાઈટ શિફ્ટ : ઉનાળાની ગરમીમાં સિંહોએ બદલ્યું ડેઈલી રૂટીન | Night shift of the King of Gir: Lions change their daily routine in the summer heat

![]()
રાત્રીના ઠંડા પહોરમાં શિકાર કરવાની રણનીતિ અમલમાં : સિંહો માટે કુદરતી AC એટલે નદીઓની ઉંડી કોતર, વાવેતર કરેલા ખેતરો, ઝાડીઝાખરા, પાણીના પોઈન્ટ
જૂનાગઢ, : ગીરનું જંગલ તથા તેની આસપાસનો વિસ્તાર 40થી 42 ડિગ્રી તાપમાનમાં ભઠ્ઠીની જેમ તપી છે ત્યારે સિંહોએ પોતાના અસ્તિત્વને ટકાવી રાખવા માટે એક સેફઝોન શોધવો પડે છે. સેફઝોન એટલે જંગલની નદીઓ, જંગલને અડીને આવેલા રેવન્યુ વિસ્તારના પાણીના પોઈન્ટ, ઝાડીઝાખરા, કોતરમાં આરામ કરવા મજબુર બને છે. જંગલની જમીન કરતા ખેતરનું તાપમાન 3થી 5 ડિગ્રી જેટલું ઓછું હોય છે.
ઉનાળાની સિઝનમાં સૂર્યોદય પહેલા શિકારની શોધ અને સુરજ માથે આવે ત્યારે ઠંડક વાળી કોતરો કે ઘટાટોપ ઝાડીઓમાં સિંહની વિશ્રાંતિ એટલે કે રેસ્ટમોડમાં જોવા મળે છે. ગરમીથી બચવા એશિયાટીક સિંહનું નવું શેડયુઅલ અમલમાં આવી જાય છે જેમાં બપોરે આરામ અને રાત્રે રાજ. ભરઉનાળાના આકરા તાપને લીધે સિંહ આખો દિવસ ઉંઘે છે અને તેની મુખ્ય પ્રવૃતિઓ રાત્રે શિફ્ટ કરી દે છે. દિવસે સાવ સુસ્ત દેખાય પણ જેવો સૂરજ આથમે કે તરત જ તેની સ્ફૂર્તિ વધી જાય છે. ઉનાળામાં ચાલવાનું રાત્રે જ પસંદ કરવા મજબુર બને છે. ઉનાળામાં સિંહો ખુલ્લા મેદાનો છોડી કુદરતી ઠંડક જળવાઈ રહે તેવી જગ્યા પસંદ કરે છે. ગીરમાં અને તેની આસપાસના રેવન્યુ વિસ્તારમાં ડુંગરાળ ગુફાઓ, ગીરની ઉંડી નદીઓની કોતાર સિંહો માટે મનપસંદ રહેઠાંણ હોય છે. ઠંડો પવન મળે તે માટે પવનની દિશા મુજબ સિંહ પોતાનું સ્થાન પણ બદલે છે.
ઉનાળામાં જંગલના ઘાસ સુકાઈ જવાથી તૃણાહારી પ્રાણીઓ પાણી અને લીલા ઘાસની શોધમાં ખેતરો અને સીમ વિસ્તાર તરફ પ્રયાણ કરે છે તેની પાછળ-પાછળ સિંહો પણ રેવન્યુમાં વધુ રહે છે. ગરમીથી બચવા વનરાજ પોતાની ગરીમા જાળવીને ઘટાદાર આંબાવાડીયા કે શિતળ ગુફાઓમાં શરણ લે છે. ઉનાળો સિંહો માટે માત્ર ગરમી નહી પણ તેના અસ્તિત્વ ટકાવી રાખવાની કળાની કસોટી છે. ગીરની આસપાસના રેવન્યુ વિસ્તારમાં પાણીની સ્થિતિ ઉનાળામાં પણ સારી હોવાથી વાવેતર કરેલા ખેતરોની આસપાસ સિંહ વસવાટ કરવાનું વધુ પસંદ કરે છે. જંગલના કાયદા ઉનાળામાં બદલાય છે જ્યારે સૂર્ય અગન ગોળા ફેંકે ત્યારે સિંહો પોતાની ગરીમા સાથે જંગલ કરતા વધુ રેવન્યુ વિસ્તારને જ પોતાનું રાજમહેલ માની લે છે.
૦
સિંહને માણસની જેમ પરસેવો વળવાની ગ્રંથિ જ હોતી નથી
સિંહ શિકાર કરીને માંસ ખાઈ છે ત્યારે તેના પાચન દરમ્યાન શરીરમાં આંતરીક ગરમી પેદા થાય છે. બહારનું તાપમાન 40 ડિગ્રી આસપાસ હોય અને અંદર પાચનની ગરમી ભળે ત્યારે સિંહ બેચેની અનુભવે છે. માણસની જેમ સિંહના શરીર પર પરસેવો વળવા માટેની ગ્રંથિઓ હોતી નથી. સિંહ પોતાના શરીરની ગરમી પંજાના તળીયા દ્વારા અથવા જીભ બહાર કાઢીને હાંફીને કાઢે છે. માંસાહારી હોવાથી તેનું લોહીનું દબાણ અને શરીરનું તાપમાન ઝડપથી વધે છે.


