‘પાકિસ્તાન-ચીન અમેરિકા માટે સૌથી મોટો પરમાણુ ખતરો..’, US ઈન્ટેલિજન્સ ચીફ તુલસી ગબાર્ડ | US intelligence chief tulsi gabbard says pakistan china biggest nuclear threat for america

![]()
Nuclear Threat For America: અમેરિકાના નેશનલ ઈન્ટેલિજન્સ ડાયરેક્ટર તુલસી ગબાર્ડએ પાકિસ્તાન અને ચીનને અમેરિકા માટે ખતરો ગણાવ્યા છે. તેમણે બુધવાર 18 માર્ચ 2026ના રોજ કહ્યું કે, પાકિસ્તાન, રશિયા, ચીન અને ઉત્તર કોરિયા યુનાઈટેડ સ્ટેટ્સ માટે સૌથી મોટો પરમાણુ ખતરો ઉભો કરે છે. તેમણે ચીન, ઈરાન, રશિયા અને ઉત્તર કોરિયાને એવા દેશો તરીકે પણ નામિત કર્યા છે, જે એવી ક્ષમતાઓ વિકસાવી રહ્યા છે જે અમેરિકાને જોખમમાં મૂકી શકે છે.
‘પરમાણુ અને પરંપરાગત બંને પ્રકારના હથિયારો’
તુલસી ગબાર્ડએ દાવા સાથે કહ્યું કે, ‘ગુપ્ત માહિતી પરથી જાણવા મળ્યું છે કે રશિયા, ચીન, ઉત્તર કોરિયા, ઈરાન અને પાકિસ્તાન એવી મિસાઈલ ટેકનોલોજી વિકસાવી રહ્યા છે જે પરમાણુ અને પરંપરાગત બંને પ્રકારના હથિયારો લઈ જવા માટે સક્ષમ હોય, જેનાથી અમેરિકા આ દેશોની મારક ક્ષમતાના દાયરામાં આવી શકે છે. ઉત્તર કોરિયા પણ હવે રશિયા અને ચીન સાથેની પોતાની ભાગીદારીને વધુ મજબૂત બનાવી રહ્યું છે.
ઈરાનને ફરી બેઠું થવા વર્ષો લાગી જશે
સીનેટ પેનલ સામે પોતાના સંબોધનમાં તુલસી ગબાર્ડએ કહ્યું કે અલગ અલગ ગુપ્ત જાણકારી અનુસાર જાણવા મળ્યું છે કે અમેરિકા પર હુમલો કરવા સક્ષમ મિસાઈલોની સંખ્યામાં ઝડપથી વૃદ્ધિ થઈ રહી છે. ઈરાની સત્તા હજુ પણ યથાવત છે, પરંતુ હાલમાં અમેરિકાએ સૈન્ય અભિયાન હાથ ધર્યા બાદ ઘણું કમજોર પડી ગયું છે. ઈરાનની હાલની સત્તા બચી પણ જાય તો તેને પોતાની મિસાઈલ અને ડ્રોન ક્ષમતાને ફરી મજબૂત કરવા વર્ષો લાગી જશે.
ટ્રમ્પની નીતિનો કર્યો બચાવ
તુલસી ગબાર્ડએ આ પહેલા રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ઈરાન પર હુમલો કરવાના નિર્ણયનો બચાવ કર્યો હતો. આ ઘટના ત્યારે બની જ્યારે અમેરિકાના નેશનલ કાઉન્ટર ટેરરિઝમ સેન્ટર (NCTC) ના વડા જો કેન્ટે વિરોધમાં રાજીનામું આપી દીધું હતું. આ યુદ્ધને લઈને વહીવટીતંત્રમાંથી આ પ્રથમ ઉચ્ચ સ્તરીય રાજીનામું હતું. તુલસીએ પોતાના નિવેદનમાં કહ્યું કે ડોનાલ્ડ ટ્રમ્પને અમેરિકાની જનતાએ ભારે બહુમતીથી રાષ્ટ્ર પ્રમુખ અને કમાન્ડર-ઇન-ચીફ તરીકે ચૂંટ્યા છે.

