વૈશ્વિક ઊર્જા સંકટના ભણકારા! ઈઝરાયલે ઈરાનના સૌથી મોટા ગેસ ફિલ્ડ પર કર્યો હુમલો, સામે વળતાં પ્રહારનું અલ્ટીમેટમ | US Israeli attack on Iran largest Pars gas field iran threatens energy assets

![]()
US-Israeli Attack On Iran Gas Field: મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે બુધવારે એક અત્યંત ખતરનાક વળાંક આવ્યો છે. ઈરાનના સૌથી મોટા અને વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ એવા પાર્સ ગેસ ફિલ્ડ પર ભીષણ હુમલો કરવામાં આવ્યો છે. આ પ્રથમ ઘટના છે જ્યારે ખાડી વિસ્તારમાં ઈરાનના ઊર્જા માળખાને સીધું નિશાન બનાવવામાં આવ્યું હોય. આ ઘટનાને અમેરિકા અને ઈઝરાયલ સાથે ચાલી રહેલા તણાવમાં એક મોટા ‘એસ્કેલેશન’ (સ્થિતિ વધુ તંગ થવી) તરીકે જોવામાં આવી રહી છે.
વિશ્વનું સૌથી મોટું ગેસ ભંડાર નિશાને
પાર્સ ગેસ ફિલ્ડ દુનિયાના સૌથી મોટા કુદરતી ગેસ ભંડારનો હિસ્સો છે, જે ઈરાન અને કતાર સંયુક્ત રીતે ચલાવતા હતા. ઈરાનની ફાર્સ ન્યૂઝ એજન્સીના અહેવાલ મુજબ, આ હુમલામાં ગેસ ટેન્કો અને રિફાઇનરીના અમુક હિસ્સાને ભારે નુકસાન પહોંચ્યું છે. હુમલા બાદ તરત જ ત્યાં કામ કરી રહેલા કર્મચારીઓને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા અને આગ પર કાબૂ મેળવવા માટે ઇમરજન્સી ટીમો તૈનાત કરવામાં આવી છે.
ઈઝરાયલ પર આક્ષેપ અને વૈશ્વિક ચિંતા
આ હુમલા અંગે ઈઝરાયલી મીડિયામાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ કાર્યવાહી અમેરિકાની સહમતિથી ઈઝરાયલ દ્વારા કરવામાં આવી છે. પરંતુ ઈઝરાયલી સેનાએ આ મામલે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી. બીજી તરફ, કતારે આ હુમલાની સખત નિંદા કરતા તેને ઈઝરાયલનું કૃત્ય ગણાવ્યું છે. કતારે આ પગલાને ‘ખતરનાક અને બેજવાબદાર’ ગણાવતા ચેતવણી આપી છે કે, આનાથી વૈશ્વિક ઊર્જા સુરક્ષા સામે મોટું જોખમ ઊભું થશે.
ઈરાને વળતી કાર્યવાહીની આપી ધમકી
બીજી તરફ ઈરાને આગામી ગણતરીના કલાકોમાં પાંચ મુખ્ય ઓઇલ અને ગેસ સુવિધાઓને નિશાન બનાવવાની આક્રમક જાહેરાત કરી છે. પશ્ચિમી દેશો અને પ્રાદેશિક હરીફો સાથેના સંબંધો વણસતા ઈરાને આ વ્યૂહાત્મક પગલું ભરવાની તૈયારી દર્શાવી છે. આ ધમકીને પગલે સમગ્ર મિડલ ઈસ્ટમાં સુરક્ષા વ્યવસ્થા સઘન કરી દેવામાં આવી છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે ઊર્જા બજારમાં ગભરાટનો માહોલ જોવા મળી રહ્યો છે.
ઈરાની સશસ્ત્ર દળોએ નીચેના સ્થળોની નજીક રહેતા રહેવાસીઓ માટે ચેતવણી જાહેર કરી છે.
• સેમરેફ રિફાઇનરી (SAMREF Refinery) – સાઉદી અરેબિયા
• અલ-હોસન ગેસ ફિલ્ડ (Al-Hosn Gas Field) – સંયુક્ત આરબ અમીરાત (UAE)
• અલ-જુબૈલ કોમ્પ્લેક્સ (Al-Jubail Complex) – સાઉદી અરેબિયા
• મેસાઈદ કોમ્પ્લેક્સ (Mesaieed Complex) – કતાર
• રાસ લફાન રિફાઇનરી (Ras Laffan Refinery) – કતાર
દુનિયા પર સીધી અસર પડશે
જે સુવિધાઓને નિશાન બનાવવાની વાત કરવામાં આવી છે, તે વૈશ્વિક ઓઇલ પુરવઠા માટે અત્યંત મહત્ત્વની માનવામાં આવે છે. નિષ્ણાતોના મતે, જો આ હુમલાઓ થશે તો હોર્મુઝની સામુદ્રધૂની દ્વારા થતા દરિયાઈ વેપાર પર તેની સીધી અને ગંભીર અસર પડી શકે છે, જે દુનિયાના કુલ ઓઇલ પરિવહનનો મોટો હિસ્સો ધરાવે છે.
ઓઇલના ભાવમાં અચાનક ઉછાળો
આ સંભવિત હુમલાની જાણકારી મળતા જ વૈશ્વિક બજારોમાં ઓઇલના ભાવમાં અચાનક ઉછાળો જોવા મળ્યો છે. વિશ્વના મોટાભાગના વિકસિત અને વિકાસશીલ દેશો ઊર્જા માટે આ ક્ષેત્ર પર નિર્ભર હોવાથી, ઓઇલ પુરવઠામાં કોઈપણ પ્રકારનો ખલેલ વૈશ્વિક અર્થતંત્રને નુકસાન પહોંચાડી શકે છે. અમેરિકા અને તેના સહયોગી દેશોએ ઈરાનને આવી ઉશ્કેરણીજનક કાર્યવાહીથી દૂર રહેવા ચેતવણી આપી છે અને પોતાની નૌકાદળની હાજરી વધારી દીધી છે.
આ પણ વાંચો: ચીને અમેરિકા-ઈઝરાયલનું વધાર્યું ટેન્શન ! આવી રીતે કરી ઈરાનની મદદ, US રિપોર્ટમાં ખુલાસો
હવે શું થશે?
વર્તમાન સ્થિતિ અત્યંત નાજુક છે અને કોઈપણ નાની ભૂલ મોટા યુદ્ધમાં પરિણમી શકે તેમ છે. આંતરરાષ્ટ્રીય સમુદાય અત્યારે રાજદ્વારી માધ્યમો દ્વારા સ્થિતિને શાંત પાડવાનો પ્રયાસ કરી રહ્યો છે. જો કે, ઈરાન તરફથી કલાકોની અંદર હુમલાની જે સમયમર્યાદા આપવામાં આવી છે, તેનાથી આખા વિશ્વની નજર અત્યારે પર્સિયન ગલ્ફના પાણી પર ટકેલી છે. આગામી સમય નક્કી કરશે કે આ માત્ર એક મનોવૈજ્ઞાનિક યુદ્ધ છે કે પછી કોઈ વિનાશક સૈન્ય કાર્યવાહીની શરૂઆત.


