ઈરાનના કુવૈત પર હુમલા બાદ PM મોદીએ ક્રાઉન પ્રિન્સને કર્યો ફોન, 10 લાખ ભારતીયોની સુરક્ષા પર આપ્યું મોટું નિવેદન | PM Modi Calls Kuwait Crown Prince After Iranian Attacks to Ensure Safety of 1 Million Indians

![]()
India-Kuwait Relations : અમેરિકા-ઈઝરાયલ અને ઈરાનના કારણે મધ્ય-પૂર્વમાં ભયાનક સ્થિતિ ઊભી થઈ છે. યુદ્ધથી આક્રમક બનેલું ઈરાન પડોશી દેશો પર પણ હુમલાઓ કરી રહ્યું છે. ઈરાન સાઉદી અરેબિયાથી લઈને કુવૈત સુધીના દેશો પર હુમલાઓ કરી રહ્યું છે. ત્યારે વર્તમાન સ્થિતિને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કુવૈતના ક્રાઉન પ્રિન્સ શેખ સબાહ ખાલિદ અલ-હમદ અલ-સબાહ સાથે ફોન પર વાતચીત કરી છે.
PM મોદીએ ક્રાઉન પ્રિન્સ સાથે વાત કરી
વડાપ્રધાન મોદીએ ક્રાઉન પ્રિન્સ સાથે ટેલિફોનિક વાતચીત કરીને કુવૈતના સાર્વભૌમત્વનું સંપૂર્ણ સમર્થન કર્યું છે અને વર્તમાન સ્થિતિમાં કુવૈતના લોકો સાથે ઊભા રહેવાની વાત કહી છે. બંને નેતાઓ વચ્ચે કુવૈતમાં કામ કરતાં 10 લાખથી વધુ ભારતીયોની સુરક્ષા મામલે પણ વાતચીત કરવામાં આવી છે. એશિયામાં ચાલી રહેલા તણાવ વચ્ચે આ ફોન કૉલ મહત્ત્વનો મનાય છે. વડાપ્રધાન મોદીએ સરહદોના ઉલ્લંઘનની કડક શબ્દોમાં ટીકા કરી છે અને વાતચીતથી શાંતિ જાળવી રાખવા પર ભાર મૂક્યો છે.
10 લાખથી વધુ ભારતીયોની સુરક્ષા સુનિશ્ચિત કરવા પર ચર્ચા
કુવૈતમાં 10 લાખથી વધુ ભારતીયો રહે છે. બંને નેતાઓએ તમામ ભારતીયોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે પણ ચર્ચા કરી છે. કુવૈત સરકારે તમામ ભારતીયોની સુરક્ષા કરવાનો અને તેમના અધિકારોની રક્ષા કરવાનો વિશ્વાસ આપ્યો છે. આ ઉપરાંત બંને દેશોએ વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત કરવાનો ફરી સંકલ્પ કર્યો છે. બીજી તરફ કુવૈત સ્થિત ભારતીય દૂતાવાસે ભારતીયો માટે નવી ગાઇડલાઇન્સ પણ જાહેર કરી છે.
આ પણ વાંચો : રશિયન ઓઇલ લાવી રહેલા ટેન્કરનો અચાનક યૂ-ટર્ન, હવે ચીન નહીં ભારત આવશે, જાણો કારણ
કુવૈત સ્થિત ભારતીય દૂતાવાસે એડવાઇઝરી જાહેર કરી
ઈરાન અનેક પડોશી દેશો પર હુમલા કરી રહ્યું છે, જેમાં કુવૈત પણ સામેલ છે. ત્યારે કુવૈત સ્થિત ભારતીય દૂતાવાસે પ્રવાસી ભારતીયો માટે ઈમરજન્સી કોમ્યુનિકેશન ચેનલ ચાલુ કરી દીધી છે. દૂતાવાસે ત્યાં રહેતા ભારતીય નાગરિકોને સ્થાનિક તંત્રના નિયમોનું કડકાઈથી પાલન કરવા અને કામ વગર પ્રવાસન કરવાની ચેતવણી આપી છે.
ભારત-કુવૈત વચ્ચે વાર્ષિક 10.47 અબજ ડૉલરનો વેપાર
મધ્ય-પૂર્વમાં તણાવને ધ્યાને રાખીને ઇન્ડિગો સહિત કેટલીક એરલાઇન્સોએ પોતાની ફ્લાઇટની દેખરેખ વધારી દીધી છે. કુવૈત માટેની કોમર્શિયલ ફ્લાઇટો સામાન્ય રીતે ચાલી રહી છે, જોકે દુબઈ કે દોહા થઈને જનારા ટ્રાન્જિટ પ્રવાસીઓને પોતાનું ફ્લાઇટ સ્ટેટસ ચેક કરવાની અપીલ કરાઈ છે. ભારત અને કુવૈત વચ્ચે વાર્ષિક લગભગ 10.47 અબજ ડૉલરનો વેપાર થાય છે. આ ઉપરાંત બંને દેશો વચ્ચે લેબર એગ્રીમેન્ટ સમજૂતી પણ ચાલી રહી છે. કુવૈત ઇન્વેસ્ટમેન્ટ ઑથોરિટીએ ભારતમાં 10 અબજ ડૉલરનું રોકાણ યથાવત્ રાખ્યું છે, જેનાથી પ્રવાસીઓની નોકરીઓને મોટી રાહત મળશે.
આ પણ વાંચો : VIDEO: UKથી નેપાળ આવેલા પરિવારનું હેલિકોપ્ટર ક્રેશ, ભારે પવનના કારણે સંતુલન બગડ્યું!

