गुजरात

સાવધાન! સફેદ પાવડરથી બનતું ‘ઝેર’ જેવું ઘી, હિંમતનગરના રાયગઢમાં 208 કિલો નકલી ઘી ઝડપાયું | Fake Ghee Bust in Himmatnagar 208 kg Adulterated Stock Seized in Raigadh Village



Fake Ghee Bust in Himmatnagar: સાબરકાંઠા જિલ્લામાં નકલી દૂધ બાદ હવે હિંમતનગર તાલુકાના રાયગઢ ગામેથી નકલી ઘીનો શંકાસ્પદ જથ્થો મળી આવતા ચકચાર મચી ગઈ છે. ફૂડ સેફ્ટી વિભાગે બાતમીના આધારે દરોડો પાડીને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા એક શખસની અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

હિંમતનગરના રાયગઢમાં 208 કિલો નકલી ઘી ઝડપાયું

ફૂડ સેફ્ટી વિભાગની ટીમે રાયગઢ ગામે ફૂડ બિઝનેસ ઓપરેટર ખુબીરામ શિવચરણ શર્માના રહેણાંક મકાન પર ઓચિંતી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન ઘરમાંથી સોયાબીન તેલ, વનસ્પતિ ઘી અને શંકાસ્પદ સફેદ પાવડરનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં આશંકા છે કે, આ શખસ તેલ અને વનસ્પતિ ઘીમાં ચોક્કસ પ્રકારનો સફેદ પાવડર ભેળવીને તેને આબેહૂબ શુદ્ધ ઘી જેવું બનાવી બજારમાં વેચતો હતો. 

ફૂડ વિભાગની ટીમ દ્વારા સ્થળ પરથી સફેદ પાવડર સહિત આશરે 208 કિલો જેટલો શંકાસ્પદ જથ્થો કબજે કરવામાં આવ્યો છે, જેની બજાર કિંમત 50 હજાર રૂપિયાથી વધુ હોવાનું મનાય છે. આ ભેળસેળમાં વપરાતા સફેદ પાવડર અને તેલના નમૂનાઓ લઈ પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે. 

ફૂડ સેફ્ટી ઓફિસરે જણાવ્યું હતું કે, આ પાવડર સ્વાસ્થ્ય માટે અત્યંત જોખમી હોઈ શકે છે અને લેબોરેટરી રિપોર્ટ આવ્યા બાદ કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચો: ગુજરાતમાં આગામી ત્રણ દિવસ કમોસમી વરસાદનું સંકટ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે માવઠાની આગાહી

ઉલ્લેખનીય છે કે, સાબરકાંઠા જિલ્લામાં દિનપ્રતિદિન નકલી દૂધ અને હવે નકલી ઘીના કિસ્સાઓ વધતા જનતાના આરોગ્ય સામે મોટું જોખમ ઊભું થયું છે. નફો કમાવવાની લાલચમાં ભેળસેળિયા તત્ત્વો લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહ્યા છે. 



Source link

Related Articles

Back to top button