પેટલી શાળાના આચાર્ય-શિક્ષકોનો વિવાદ : 7 સભ્યોની તપાસ કમિટીની રચના | Petli School Principal Teachers Dispute: 7 member Investigation Committee Formed

![]()
– ભ્રષ્ટાચાર અને ગેરવર્તણૂકના ગંભીર આક્ષેપ
– એટીવીટી ગ્રાન્ટની ઉચાપત, મહિલા શિક્ષિકાઓને ત્રાસ આપ્યાની રજૂઆત સાથે ડીપીઓને આવેદન
નડિયાદ : ખેડા જિલ્લાની પેટલી પ્રાથમિક શાળાના આચાર્ય વિરૂદ્ધ આથક ભ્રષ્ટાચાર અને સાથી કર્મચારીઓ સાથેની અસભ્ય વર્તણૂકનો મામલો ગરમાયો છે. આચાર્ય સામે ઉઠેલા ગંભીર આક્ષેપોને પગલે શિક્ષણ વિભાગ હરકતમાં આવ્યું છે અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા સાત સભ્યોની તપાસ કમિટીની રચના કરવામાં આવી છે. આ તપાસ ટીમ દ્વારા શાળાના રેકર્ડની ચકાસણી સાથે સ્ટાફના નિવેદનો લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવતા સમગ્ર પંથકમાં ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે.
પેટલી પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા નરેન્દ્ર પરમાર વિરૂદ્ધ ગ્રામજનો અને જાગૃત નાગરિકોએ મોરચો માંડયો છે. આચાર્ય સામે મુખ્ય આક્ષેપ એ છે કે, તેમણે એટીવીટી ગ્રાન્ટમાંથી બનેલા શાળાના શેડને તોડી પાડી તેમાં દાતાઓની તકતી લગાવીને સરકારી નાણાંની મોટા પાયે ઉચાપત કરી છે. આ ઉપરાંત શાળામાં બ્લોક બેસાડવાની કામગીરીમાં પણ ગેરરીતિ આચરી હોવાની વિગતો બહાર આવી છે. આચાર્યની હઠધર્મી અને મનસ્વી કાર્યપદ્ધતિને કારણે શાળાનું શૈક્ષણિક વાતાવરણ પણ જોખમાયું હોવાની રજૂઆત જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને કરવામાં આવી છે. આ વિવાદમાં નવો વળાંક ત્યારે આવ્યો જ્યારે આચાર્યના ભૂતકાળના કિસ્સાઓ પણ સામે આવ્યા હતા. અગાઉ સોઢપુર શાળામાં ફરજ દરમિયાન પણ તેઓ વિવાદમાં રહ્યા હતા. સોઢપુરના સરપંચ દ્વારા કરવામાં આવેલી રજૂઆત મુજબ, ત્યાં પણ આચાર્યએ ભ્રષ્ટાચાર અને સ્ટાફ પર ત્રાસ ગુજાર્યો હતો. આચાર્યના ત્રાસથી કંટાળીને એક મહિલા શિક્ષિકાએ પોતાની બદલી કરાવી લીધી હોવાનું પણ બહાર આવ્યું છે. પેટલી શાળામાં પણ મહિલા કર્મચારીઓ સાથે અભદ્ર વ્યવહાર અને અસહ્ય માનસિક ત્રાસ આપવાની ફરિયાદો ઉઠતા શિક્ષણ વિભાગે તપાસનો વ્યાપ વધાર્યોે છે.
શિક્ષણ વિભાગ દ્વારા નિમાયેલી તપાસ ટીમમાં ડેપ્યુટી ડીપીઓ, બે ટીપીઓ, સીઆરસી અને બીઆરપીનો સમાવેશ થાય છે. આ ટીમે શાળાની મુલાકાત લઈ તપાસનો ધમધમાટ શરૂ કર્યોે છે. પ્રાથમિક તપાસમાં કેટલીક વિગતો ખૂટતી હોવાથી ટીમે સતત બીજા દિવસે પણ તપાસ ચાલુ રાખી છે. આચાર્ય સામે વિદ્યાર્થીઓના પર્યટન માટે ફાળવેલા નાણાંમાં પણ ગેરરીતિ આચર્યાના આક્ષેપો થયા છે. જો તપાસમાં આ તમામ તથ્યો સાબિત થશે, તો આચાર્ય સામે કડક શિક્ષાત્મક પગલાં લેવાશે તેવું તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે.
તપાસ ટીમનો અહેવાલ તૈયાર કરાશે
જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીના જણાવ્યા મુજબ, પેટલી શાળાના વિવાદ સંદર્ભે સોશિયલ મીડિયા અને અખબારી અહેવાલોને આધારે ગંભીરતા દાખવવામાં આવી છે. સોમવારે ૭ સભ્યોની ટીમ બનાવીને શાળામાં તપાસ માટે મોકલવામાં આવી હતી. આ ટીમ દ્વારા તમામ સ્ટાફ અને આચાર્યના નિવેદનો લેવાની પ્રક્રિયા હાલમાં કાર્યરત છે. તપાસ દરમિયાન જે પણ વિગતો અને પુરાવા સામે આવશે તેના આધારે કાર્યવાહી હાથ ધરાશે.
સોઢપુરના જૂના વિવાદો ફરી ગાજ્યા
સોઢપુરના સરપંચે આક્ષેપ કર્યો છે કે, આ આચાર્ય જ્યારે તેમની શાળામાં હતા ત્યારે પણ અનેક ગેરરીતિઓ આચરી હતી. તે સમયે પાંચ શિક્ષકોની એકસાથે બદલી કરવામાં આવી હતી, જેના કારણે તપાસ પ્રક્રિયા મંદ પડી હતી. આચાર્યએ શાળાના રૂમમાં બે બારણાં હોવા છતાં એક બારણું તોડીને ચણી દીધું હોવાની તેમજ દાતાઓના નાણાંની હેરાફેરી કરી હોવાની લેખિત રજૂઆતો કરવામાં આવી છે.



