યુદ્ધ વચ્ચે રાહતભર્યા સમાચાર, કતાર એરવેઝની 5 ફ્લાઈટથી 1600 ભારતીય હેમખેમ ઘરે પરત ફર્યા | iran us war five qatar airways flights arrived in india 1600 indians returned home

![]()
US Iran War: અમેરિકા ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે ઘણા દેશોની હવાઈ સેવાઓ ખોરવાઈ ગઈ છે. આ કપરા સમયમાં કતાર એરવેઝે આજે ભારત માટે 5 વિશેષ ફ્લાઈટ્સનું સંચાલન કર્યું. જેમાં દિલ્હી માટે બે અને મુંબઈ, કોચી તથા તિરુવનંતપુરમ માટે એક-એક ફ્લાઈટ સામેલ હતી. કુલ મળીને આજે કતાર એરવેઝની આ ફ્લાઈટ્સ દ્વારા અંદાજે 1600 ભારતીય નાગરિકો સુરક્ષિત રીતે સ્વદેશ પરત ફર્યા છે.
કુલ 9 ફ્લાઈટ્સ ઉડાન ભરશે
યુદ્ધની સ્થિતિને કારણે કતારનું હવાઈ ક્ષેત્ર મોટાભાગે બંધ છે. આ સમય દરમિયાન કતાર એરવેઝ માત્ર મર્યાદિત અને બિન-નિર્ધારિત ફ્લાઈટ્સ જ ચલાવી રહ્યું છે. કતાર એરવેઝે સોમવારથી ભારતના 9 વિવિધ સ્થળો માટે વિશેષ ઉડાનોની જાહેરાત કરી છે, જેથી ફસાયેલા મુસાફરોને મદદ મળી શકે.
કેવી રીતે કરી શકાય છે બુકિંગ
કતારમાં ફસાયેલા ભારતીયો અને મુસાફરોને અગાઉ સલાહ આપવામાં આવી હતી કે તેઓ કતાર એરવેઝની વેબસાઈટ, એપ અથવા ટ્રાવેલ એજન્ટો દ્વારા બુકિંગ કરાવી શકે છે. આ સાથે જ દોહા સ્થિત ભારતીય દૂતાવાસ ફસાયેલા ભારતીયો માટે સાઉદી અરેબિયાના કામચલાઉ ટ્રાન્ઝિટ વિઝાની સુવિધા આપી રહ્યું છે, જેઓ સલવા બોર્ડર મારફતે જમીની માર્ગે સાઉદી અરેબિયા થઈને ભારત આવવા માંગે છે.
ભારતીય દૂતાવાસ 24X7 કાર્યરત
દોહામાં આવેલું ભારતીય દૂતાવાસ આગામી સપ્તાહના તમામ દિવસોમાં પાસપોર્ટ ઈશ્યૂ કરવા સહિતની તમામ કોન્સ્યુલર સેવાઓ ચાલુ રાખશે. ભારતીય નાગરિકોની મદદ માટે દૂતાવાસે કંટ્રોલ રૂમ, હેલ્પલાઈન, ઈમેલ અને વોટ્સએપ સેવાઓ શરૂ કરી છે, જે 24X7 ધોરણે કાર્યરત રહેશે.
આ પણ વાંચો: ઈરાન યુદ્ધમાં NATO દેશોએ સાથ ન આપતા ટ્રમ્પ ભડક્યા, રશિયા-ચીન પર પણ સાધ્યું નિશાન
મહત્વનું છે કે મધ્ય એશિયામાં તંગ સ્થિતિને કારણે ફસાયેલા ભારતીયોને પરત લાવવા ભારતીય વિદેશ મંત્રાલય રાત દિવસ એક કરી રહ્યું છે. તે વચ્ચે ઈરાનથી 550 લોકોને સુરક્ષિત રીતે કાઢવામાં ભારતને સફળતા મળી છે. ગઇકાલે સોમવારે વિદેશ મંત્રી ડૉ. એસ. જયંશકરે આ માટે આર્મેનિયા સરકાર અને તેના લોકોનો આભાર માન્યો.



