પ્રોવિઝન સ્ટોરની આડમાં ગેસ બોટલ વેચતો વેપારી પોલીસના સકંજામાં | Businessman selling gas bottles under the guise of a provision store in police custody

![]()
વડોદરા,આજવારોડના પ્રોવિઝન સ્ટોરમાંથી બાપોદ પોલીસે ઘરેલુ ગેસ વપરાશના ૧૧ ખાલી સિલિન્ડર કબજે લીધા છે. વેપારી કાળાબજાર કરતો હોવાની શંકાના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, એલ.પી.જી. બોટલની સંગ્રાહખોરી થતી હોવાની શક્યતાના આધારે ઉચ્ચ અધિકારીઓ દ્વારા પોલીસ તંત્રને આ અંગે તપાસ કરવા સૂચના આપવામાં આવી હતી. દરમિયાન ગઇકાલે બાપોદ પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન પી.આઇ. પાર્થ પસ્તગીયાને માહિતી મળી હતી કે, આજવારોડ યોગેશ્વર ટાઉનશિપ પાસે અગ્રવાલ પ્રોવિઝન સ્ટોર નામની દુકાનમાં સંતોષ અગ્રવાલ ઘરેલુ ગેસ બોટલની કાળાબજારી કરે છે. જેથી, પોલીસે ઉપરોકત સ્થળે જઇેને તપાસ કરતા સંતોષ ઓમપ્રકાશ અગ્રવાલ (રહે. યોગેશ્વર ટાઉનશિપ, આજવારોડ) મળી આવ્યો હતો. તેના ઘરમાંથી એલ.પી.જી.ના ૧૧ ખાલી બોટલ મળી આવ્યા હતા. જે અંગે તે યોગ્ય ખુલાસો નહીં કરી શકતા પોલીસે તમામ સિલિન્ડર કબજે લીધા છેે. વેપારી પાસે આટલી મોટી સંખ્યામાં ગેસ બોટલ કઇ રીતે આવ્યા, કોને વેચતો હતો, તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.પોલીસની પ્રાથમિક તપાસમાં એવી વિગતો જાણવા મળી છે કે, ગેસ એજન્સીનો ડિલિવરી બોય વેપારીને ૫૦ રૃપિયા વધારે લઇ બોટલ આપતો હતો. વેપારી પ્રોવિઝન સ્ટોર પર ખરીદી માટે આવતા શ્રમજીવીઓને ૨૦૦ રૃપિયા વધારે લઇને ગેસ બોટલ પૂરા પાડતો હતો. પોલીસે વધુમાં જણાવ્યું છે કે, વેપારીને નોટિસ મોકલી આ અંગે ખુલાસો કરવા જણાવ્યું છે. જો યોગ્ય ખુલાસો નહીં થાય તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.



