Explainer: હોર્મુઝને બાયપાસ કરતો સાઉદીનો ‘પ્લાન B’, જાણો ઈરાન યુદ્ધ વચ્ચે પણ દુનિયાભરમાં કેવી રીતે ઓઈલ પહોંચી રહ્યું છે | saudi arabia east west pipeline bypass strait of hormuz oil crisis

![]()
East–West Crude Oil Pipeline: ઈરાન અને અમેરિકા-ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે પેટ્રોલિયમની હેરાફેરી માટે સૌથી મહત્ત્વનો ગણાતો હોર્મુઝની ખાડીનો જળમાર્ગ લગભગ બંધ થઈ ગયો છે. આ દરિયાઈ માર્ગમાં ઈરાને નાકાબંધી કરી હોવાથી ખાડી વિસ્તારના દેશોને ઓઈલના ટેન્કરો મોકલવામાં મુશ્કેલી પડી રહી છે. આ સ્થિતિના કારણે ક્રૂડ ઓઈલના ભાવમાં ભારે વધારો થયો છે. ભાવ 40 ટકા જેટલા વધીને લગભગ 100 ડોલર પ્રતિ બેરલની આસપાસ પહોંચી ગયા છે. આ માહોલમાં સાઉદી અરેબિયા સંકટ સમયની સાંકળ બનીને ઊભરી આવ્યું છે.
કેવી રીતે? ચાલો, સમજીએ…
સાઉદીની ‘પૂર્વ-પશ્ચિમ પાઇપલાઇન’ શું છે?
આ મુશ્કેલ સમયમાં સાઉદી અરેબિયાએ તેની વ્યૂહાત્મક ઈસ્ટ-વેસ્ટ ક્રૂડ ઓઈલ પાઇપલાઇનનો ઉપયોગ કરીને ઓઈલની નિકાસ ચાલુ રાખી છે. ‘પેટ્રોલાઈન’ તરીકે ઓળખાતી 1,201 કિલોમીટર લાંબી આ પાઈપલાઈન સાઉદીના પૂર્વ પ્રાંતના ઓઈલ ફિલ્ડ્સને રાતા સમુદ્ર નજીકના અબકૈક (Abqaiq)ના ઓઇલ પ્રોસેસિંગ પ્લાન્ટને યાન્બુ (Yanbu) બંદર સાથે જોડે છે. આ કારણસર ઓઈલને હોર્મુઝની ખાડીમાંથી પસાર થવાની જરૂર રહેતી નથી.
યુદ્ધને કારણે અસ્તિત્વમાં આવેલી પાઇપલાઇન
ઈસ્ટ-વેસ્ટ ક્રૂડ ઓઈલ પાઈપલાઈન, એવું સત્તાવાર નામ ધરાવતી આ પાઇપલાઇનનું નિર્માણ વર્ષ 1981માં ઈરાન-ઇરાક યુદ્ધ પૂર્ણ થયું હતું, જેથી યુદ્ધ કે રાજકીય અસ્થિરતા વખતે દરિયાઈ માર્ગનો વિકલ્પ મળી રહે. શરૂઆતમાં તેની ક્ષમતા પ્રતિદિન 18.5 લાખ બેરલ હતી. 1990ના દાયકામાં તે વધારીને 50 લાખ બેરલ સુધી કરાઈ. ત્યાર પછી સતત સુધારા અને વિસ્તરણ થયા પછી આ પાઇપલાઇન રોજ લગભગ 70 લાખ બેરલ ક્રૂડ ઓઈલ વહન કરવાની ક્ષમતા ધરાવે છે. આમ, એ વખતે સાઉદીએ તૈયાર કરેલો ‘પ્લાન B’ અત્યારે પણ કામમાં આવી રહ્યો છે.
સંકટના સમયમાં કેવી રીતે કામ કર્યું?
હોર્મુઝનો જળમાર્ગ બંધ થયો ત્યારે સાઉદી અરેબિયાની રાષ્ટ્રીય ઓઈલ કંપની સાઉદી અરામ્કોએ તરત જ આ પાઇપલાઇનનો ઉપયોગ વધારી દીધો. અગાઉ આ પાઇપલાઇન દરરોજ લગભગ 28 લાખ બેરલ ઓઈલ વહન કરતી હતી, પરંતુ માત્ર બે દિવસમાં જ તેને વધારીને તેની મહત્તમ ક્ષમતા 70 લાખ બેરલ પ્રતિદિન સુધી પહોંચાડી દેવાઈ. અરામ્કોના સીઈઓ અમિન નાસરે જણાવ્યું કે હવે ટેન્કરોને પર્સિયન ગલ્ફના બંદરોની જગ્યાએ રાતા સમુદ્ર પર આવેલા યાન્બુ બંદર તરફ મોકલાઈ રહ્યા છે. લગભગ 30 VLCC (Very Large Crude Carrier) ટેન્કરોને પશ્ચિમ કિનારા તરફ ફેરવી દેવાયા છે, જેના કારણે યાન્બુ મહત્ત્વનું ઓઈલ કેન્દ્ર બની ગયું છે.
હાલ મોકલાઈ રહેલું ઓઈલ અને સંગ્રહની વ્યવસ્થા
હાલ આ પાઇપલાઇન દ્વારા વહેતા 70 લાખ બેરલમાંથી લગભગ 50 લાખ બેરલ રોજ નિકાસ માટે સીધા યાન્બુ બંદરે મોકલાય છે. બાકીના લગભગ 20 લાખ બેરલ પશ્ચિમ કિનારાની રિફાઇનરીઓમાં સ્થાનિક ઉપયોગ અને રિફાઇન્ડ ઉત્પાદનો બનાવવા માટે મોકલાય છે. આ પાઇપલાઇનના કારણે સાઉદી અરેબિયા પોતાની લગભગ 70 ટકા નિકાસ ચાલુ રાખવામાં સફળ રહ્યું છે. આ ઉપરાંત રાસ તનુરા (Ras Tanura) જેવા પૂર્વ કેન્દ્રોમાં આવેલી સ્ટોરેજ ટાંકીઓ ભરાઈ ન જાય તે માટે પણ આ પાઇપલાઇન મદદરૂપ બની છે.
નવા રસ્તે તેલ લઈ જવામાં પણ જોખમ છે
આ પાઇપલાઇન હોર્મુઝના સંકટથી બચાવે તો છે, પરંતુ તેની સાથે નવા સુરક્ષા જોખમો પણ ઊભા થયા છે. યાન્બુમાંથી નીકળતું તેલને વૈશ્વિક બજારમાં પહોંચાડતા પહેલાં રાતા સમુદ્રના દક્ષિણ છેડે આવેલી બાબ અલ-મંડેબની ખાડી (Bab el Mandeb Strait)માંથી પસાર કરવું પડે છે. આ વિસ્તાર હુથી બળવાખોરો દ્વારા કરાતા હુમલા માટે જાણીતો છે, તેથી આ માર્ગે ઓઈલ લઈ જવું ખતરાથી ખાલી નથી. આ ઉપરાંત યાન્બુ બંદર પર દુશ્મન દેશના ડ્રોન અથવા અન્ય હથિયારો વડે હુમલો થવાનું જોખમ પણ કાયમ માથે તોળાતું રહે છે.
અન્ય દેશો પાસે ઓઈલ વહનના વિકલ્પો છે, પણ…
સાઉદી અરેબિયા ઉપરાંત યુએઈ પાસે પણ એક વિકલ્પ છે, અબુ ધાબી ક્રૂડ ઓઈલ પાઈપલાઈન. તે હબ્શાનથી ફુજૈરા બંદર સુધી ઓઈલ લઈ જાય છે. તેની ક્ષમતા લગભગ પ્રતિદિન 18 લાખ બેરલ છે. આ ઉપરાંત ડોલ્ફિન ગેસ પાઈપલાઈન પણ કાર્યરત છે, જે કતારથી શરૂ થઈને યુએઈ અને ઓમાન સુધી ગેસ પહોંચાડે છે. જો કે આ તમામ પાઇપલાઇનોની સંયુક્ત ક્ષમતા હોર્મુઝમાંથી પસાર થતા લગભગ 2 કરોડ બેરલ પ્રતિદિનની સરખામણીમાં ઘણી ઓછી છે. ઈરાક-તૂર્કિયે પાઈપલાઈન હાલ બંધ છે. આ સિવાય જૂની ટ્રાન્સ-અરેબિયન પાઇપલાઇન તો 1990માં જ બંધ થઈ ગઈ હતી.
વૈકલ્પિક સહારો કાયમી ઉપાય બની શકે એમ નથી
હવે આખી દુનિયાની નજર અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નેતૃત્વમાં ચાલી રહેલા રાજદ્વારી પ્રયાસો પર છે. જ્યાં સુધી હોર્મુઝની ખાડી ફરીથી ના ખૂલે, ત્યાં સુધી સાઉદી અરેબિયાની આ પાઇપલાઇન વૈશ્વિક ઓઈલ માર્કેટ એક મહત્ત્વપૂર્ણ સહારો બની રહેશે. જો કે એ પણ ન ભૂલાવું જોઈએ કે, લાંબા ગાળે આ વ્યવસ્થા સંપૂર્ણ રીતે ટકાઉ નથી, તેની મર્યાદાઓ અને જોખમો પણ છે. આ માટે વિશ્વને ઊર્જાની તંગીમાંથી ઉગારવું હોય તો યુદ્ધનો અંત લાવવો જ રહ્યો.



