ઈરાનના ટોપના અધિકારી અલી લારિજાની પર ઈઝરાયલનો હુમલો, IDFનો મોટો દાવો | israel targets iranian officials ali larijani gholamreza soleimani tehran airstrikes

Israel Air Force operation Iran: મધ્ય પૂર્વમાં તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે. ઈઝરાયલની વાયુસેનાએ ગઈકાલે મધરાતે ઈરાનની અંદર ઘૂસીને અનેક ઠેકાણાઓ પર ભીષણ હવાઈ હુમલા કર્યા છે. આ ઓપરેશનમાં ઈરાનના અત્યંત શક્તિશાળી ગણાતા બાસિજ દળના કમાન્ડર ગુલામ રઝા સુલેમાની માર્યા ગયા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ સાથે જ ઈરાનની રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના સચિવ અલી લારિજાની પણ આ હુમલાનું નિશાન બન્યા છે.
સચોટ ઈન્ટેલિજન્સ અને ટાર્ગેટેડ સ્ટ્રાઈક
IDF (ઈઝરાયલ સંરક્ષણ દળ)ના જણાવ્યા અનુસાર, મિલિટરી ઇન્ટેલિજન્સ પાસેથી મળેલી સચોટ માહિતીના આધારે વાયુસેનાએ તેહરાનના મધ્ય ભાગમાં આક્રમણ કર્યું હતું. છેલ્લા છ વર્ષથી બાસિજ યુનિટના કમાન્ડર તરીકે કાર્યરત ગુલામ રઝા સુલેમાનીને આ ટાર્ગેટેડ હુમલામાં ઠાર કરવામાં આવ્યા છે. જોકે, અલી લારિજાનીના મોત અંગે હજુ સસ્પેન્સ યથાવત છે, તેઓ આ હુમલામાં માર્યા ગયા છે કે ઘાયલ થયા છે તે સ્પષ્ટ થયું નથી.
કોણ હતા ગુલામ રઝા સુલેમાની?
ઈઝરાયલના દાવા મુજબ, ઈરાનના આંતરિક સુરક્ષા માળખામાં બાસિજ દળ એક અત્યંત શક્તિશાળી અને નિર્ણાયક હિસ્સો છે, જે સીધું જ રિવોલ્યુશનરી ગાર્ડ કોર (IRGC) હેઠળ કાર્યરત રહીને ઈરાની શાસનના મજબૂત સ્તંભ તરીકે ઓળખાય છે. તાજેતરમાં ઈરાનમાં ફાટી નીકળેલા આંતરિક વિરોધ પ્રદર્શનોને દબાવવા માટે કમાન્ડર સુલેમાનીની આગેવાનીમાં આ દળે આક્રમક ભૂમિકા ભજવી હતી. જ્યારે પણ લોકશાહી ઢબે પ્રદર્શનો તેજ થયા, ત્યારે સુલેમાનીની કમાન હેઠળ જ સામાન્ય નાગરિકો પર ભારે હિંસા આચરવામાં આવી હતી અને મોટા પાયે સામૂહિક ધરપકડના અભિયાનો ચલાવીને જનતાના અવાજને કચડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
તેહરાનના ‘સેફ હાઉસ’ પર પણ હુમલો
ઈઝરાયલી સેનાએ માત્ર ઈરાની અધિકારીઓ જ નહીં, પરંતુ તેહરાનમાં છુપાયેલા પેલેસ્ટાઈની ઈસ્લામિક જેહાદના નેતા અક્રમ અલ-અજૌરી અને અન્ય ટોચના આતંકી અધિકારીઓના ઠેકાણાઓ પર પણ સ્ટ્રાઈક કરી હોવાનો દાવો કર્યો છે. આ હુમલા દ્વારા ઈઝરાયલે સાબિત કર્યું છે કે તે ઈરાનની સરહદની અંદર ગમે ત્યાં ઘૂસીને હુમલો કરવાની ક્ષમતા ધરાવે છે.
IDF ચીફનું નિવેદન
IDF ચીફ ઓફ સ્ટાફ લેફ્ટનન્ટ જનરલ ઇયાલ ઝમીરે આજે સવારે સ્થિતિની સમીક્ષા કર્યા બાદ આ હુમલાઓની પુષ્ટિ કરી છે. તેમણે જણાવ્યું કે, ‘રાતભરની આ કાર્યવાહીમાં મહત્ત્વના ડેવલપમેન્ટ્સ થયા છે, જેની અસર ભવિષ્યના મિશન પર પડશે.’ આ ઈશારો સીધો જ ઈરાનના ટોચના સૈન્ય અને રાજકીય ચહેરાઓને નિશાન બનાવવાની રણનીતિ તરફ હતો. ઈઝરાયલના આ આક્રમક વલણ બાદ હવે ઈરાન શું વળતો પ્રહાર કરશે તેના પર આખી દુનિયાની નજર મંડાયેલી છે. આ હુમલા બાદ પશ્ચિમ એશિયામાં યુદ્ધના વાદળો વધુ ઘેરા બન્યા છે.
ઈઝરાયલના દાવા પર ઈરાનનું નિવેદન
ઈઝરાયલના દાવા વચ્ચે અલી લારિજાનીની ઓફિસનું નિવેદન સામે આવ્યું છે. થોડીવારમાં લારિજાનીનો સંદેશ જાહેર થશે.




