ઈરાન-ઈઝરાયેલ-અમેરિકા યુદ્ધને પગલે હવે દૂધ સપ્લાય જોખમમાં | Milk supply low at risk due to Iran Israel America war

![]()
– ગેસ સંકટની અસર હવે ડેરી ઉદ્યોગ પર, 10 દિવસનો પેકેજિંગ જ સ્ટોક બાકી
– એલપીજીની અછત મિલ્ક પ્રોસેસિંગ, પેશ્ચરાઇઝેશન અને પેકેજિંગ પર અસર : ડેરી સંચાલકોની સરકારને ચેતવણી
અમદાવાદ : ઈરાન-અમેરિકા યુદ્ધને કારણે વધતી જતી કટોકટીની અસર હવે ડેરી ઉદ્યોગ પર પણ પડવા જઈ રહી છે. મહારાષ્ટ્રના અનેક ડેરી સંચાલકોએ ચેતવણી આપી છે કે એલપીજીની અછત મિલ્ક પ્રોસેસિંગ, પેશ્ચરાઇઝેશન અને પેકેજિંગ પર અસર કરી રહી છે. જો પરિસ્થિતિ ટૂંક સમયમાં સુધરશે નહીં તો આગામી દિવસોમાં દૂધ સપ્લાય પ્રભાવિત થઈ શકે છે.
દૂધ સાચવવા માટે તેને ચોક્કસ તાપમાને ગરમ કરવું અથવા પેશ્ચરાઇઝ કરવું આવશ્યક છે, જેના માટે નોંધપાત્ર પ્રમાણમાં ઊર્જાની જરૂર પડે છે. ગેસનો અનિયમિત પુરવઠો, ખાસ કરીને નાની અને મધ્યમ કદની ડેરીઓ માટે, દૂધને બગડતું અટકાવવાનું મુશ્કેલ બનાવી રહ્યો છે.
ડેરી ઉદ્યોગ સામે વધુ એક મોટી સમસ્યા દૂધના પેકેટ અને કાર્ટનની અછત છે. દૂધ પેકેજિંગ ફેક્ટરીઓ પૂરતો ગેસ મેળવી શકતી નથી, જેના કારણે ઉત્પાદન ધીમું પડી રહ્યું છે. એક ડેરીના સ્થાપકના જણાવ્યા મુજબ તેમની પાસે હાલમાં ફક્ત ૧૦ દિવસની પેકેજિંગ સામગ્રી છે. જો સપ્લાય ટૂંક સમયમાં સામાન્ય નહીં થાય તો દૂધની ડિલિવરી પર અસર થઈ શકે છે.
મહારાષ્ટ્રની એક ડેરીના અધિકારીએ કહ્યું કે આગામી ૧૦ દિવસમાં પરિસ્થિતિમાં સુધારો નહીં થાય તો ડેરી ઉદ્યોગ મોટા સંકટનો સામનો કરી શકે છે. ગેસની અછત દૂધની માંગને પણ અસર કરી રહી છે. હોટેલ્સ અને રેસ્ટોરન્ટ્સ પોતે એલપીજી સંકટનો સામનો કરી રહ્યા છે, તેથી તેમણે દૂધના ઓર્ડર ઘટાડયા છે. નાના ડેરી સંચાલકો પાસે મર્યાદિત સ્ટોરેજ સુવિધાઓ છે, જેના કારણે તેઓ ઓછા ભાવે દૂધ વેચવા મજબૂર છે.
જોકે રાહતની વાત છે કે આ કટોકટીની મોટી ડેરી કંપનીઓ પર ખાસ અસર થઈ નથી. અમૂલના એમડી જયેન મહેતાના જણાવ્યા અનુસાર અમૂલની ગેસની લગભગ ૮૦ ટકા જરૂરિયાતો પૂરી થઈ રહી છે, જ્યારે બાકીની જરૂરિયાતો ડીઝલ અને અન્ય ઇંધણ દ્વારા પૂરી થઈ રહી છે. મધર ડેરીનો પણ દાવો છે કે તેઓ પ્રોસેસિંગ સેન્ટરોમાં પીએનજી અને અન્ય વૈકલ્પિક ઇંધણનો ઉપયોગ કરી રહી છે, જેના કારણે તેમનો દૂધ પુરવઠો હાલમાં સામાન્ય છે.



