दुनिया

ઈરાન યુદ્ધની વચ્ચે વધુ એક સંઘર્ષ! પાકિસ્તાનની અફઘાનિસ્તાનમાં ઘૂસીને એરસ્ટ્રાઇક | Pakistan Afghanistan War Airstrike in Kandahar also Damage to Pakistani military camp Taliban



Pakistan Afghanistan War: પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે ફરી એકવાર તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે. પાકિસ્તાની એરફોર્સે કંધાર પ્રાંતમાં ઘૂસીને ભીષણ હવાઈ હુમલા કર્યા છે, જેમાં ઉગ્રવાદી ઠેકાણાઓને નિશાન બનાવવાનો દાવો કરવામાં આવ્યો છે. વળતા પ્રહારમાં તાલિબાને પણ પાકિસ્તાની સૈન્ય કેમ્પ પર હુમલો કર્યો છે, જેના કારણે સમગ્ર વિસ્તારમાં મોટા યુદ્ધનો ખતરો મંડરાઈ રહ્યો છે. ડ્યુરન્ડ લાઇન (2,640 કિમી) પર બંને દેશો વચ્ચે તણાવ યથાવત્ છે. 

ઓપરેશન ‘ગઝબ લિલ-હક’

પાકિસ્તાને રવિવારે રાત્રે અફઘાનિસ્તાનના કંધાર પ્રાંતની અંદર ભીષણ હવાઈ હુમલા કર્યા હતા. પાકિસ્તાનના આરોપ મુજબ સૈન્ય દળોએ ઉગ્રવાદી ઠેકાણાઓ અને સૈન્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચરને નિશાન બનાવીને આ કાર્યવાહી કરી હતી. ઈસ્લામાબાદે કહ્યું કે, અફઘાનિસ્તાનની ધરતી પરથી પાકિસ્તાની વિસ્તારમાં થતા હુમલાઓને રોકવા માટે આ પગલું ભર્યું હતું. ઓપરેશન ‘ગઝબ લિલ-હક’ હેઠળ આ એરસ્ટ્રાઇક કરવામાં આવી હતી. જેમાં કંધારમાં ટેકનિકલ સપોર્ટ સ્ટ્રક્ચર અને સાધનોના સ્ટોરેજ સેન્ટરોને સંપૂર્ણપણે નષ્ટ કર્યાનો દાવો કરવામાં આવ્યો છે.

પાકિસ્તાનના માહિતી અને પ્રસારણ મંત્રી અતાઉલ્લાહ તરારે જણાવ્યું છે કે, સૈન્ય દળોએ કંધારમાં ‘ફિતના અલ-ખ્વારીજ’ (TTP) અને અફઘાન તાલિબાનના ઠેકાણાઓ પર સટીક હુમલા કર્યા છે. સરકારી ટીવી અનુસાર, 14 અને 15 માર્ચની મધ્યરાત્રિએ થયેલા આ હુમલામાં આતંકવાદીઓના છુપાયેલા સ્થળો અને સૈન્ય મથકોને તોડી પાડવામાં આવ્યા હતા. પાકિસ્તાનનો દાવો છે કે આ ઠેકાણાઓનો ઉપયોગ નિર્દોષ પાકિસ્તાની નાગરિકો વિરુદ્ધ હુમલાના કાવતરા ઘડવા અને તેમને મદદ કરવા માટે કરવામાં આવતો હતો.

તાલિબાનનો જબરદસ્ત પલટવાર

અફઘાનિસ્તાનની તાલિબાન સરકારે પાકિસ્તાની હુમલાની પુષ્ટિ તો કરી છે, પરંતુ તેમના દાવાઓને ફગાવી દીધા છે. તાલિબાનના પ્રવક્તા ઝબીહુલ્લાહ મુજાહિદે જણાવ્યું હતું કે આ હુમલામાં માત્ર એક વ્યસન મુક્તિ કેન્દ્ર અને ખાલી પડેલા કન્ટેનરને નુકસાન થયું છે. આ કાર્યવાહી સામે અફઘાન વાયુસેનાએ દક્ષિણ વજીરીસ્તાનના વાના વિસ્તારમાં સ્થિત પાકિસ્તાની સૈન્ય કેમ્પ પર વળતો હુમલો કર્યો હતો. અફઘાનિસ્તાનના સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ હુમલામાં પાકિસ્તાની સેનાને ભારે જાન-માલનું નુકસાન થયું છે અને અનેક સૈન્ય સુવિધાઓ ક્ષતિગ્રસ્ત થઈ છે.

સંઘર્ષ શરૂ થવાનું કારણ શું?

બંને દેશો વચ્ચે સંઘર્ષ ત્યારે શરૂ થયો જ્યારે પાકિસ્તાને અફઘાનિસ્તાન પર શુક્રવારે રાત્રે ત્રણ સ્થળોએ ડ્રોન મોકલવાનો આરોપ લગાવ્યો. જોકે આ ડ્રોનને તોડી પાડવામાં આવ્યા હતા, પરંતુ તેના કાટમાળથી ક્વેટામાં બે બાળકો સહિત અનેક નાગરિકો ઘાયલ થયા હતા. પાકિસ્તાનના રાષ્ટ્ર પ્રમુખ આસિફ અલી ઝરદારીએ આ ઘટનાની સખત નિંદા કરતાં તેને ‘રેડ લાઇન’ પાર કરવા સમાન ગણાવી હતી. તેમણે ચેતવણી આપી છે કે નાગરિકોને નિશાન બનાવવાની કોશિશ સહન કરવામાં આવશે નહીં. આ પહેલા પાકિસ્તાને કાબુલ અને પક્તિયા પ્રાંતોમાં પણ અનેક આતંકી ઠેકાણાઓને નષ્ટ કર્યા હોવાનો દાવો કર્યો હતો.

અફઘાનિસ્તાનમાં 684ના મોત, 912થી વધુ ઘાયલ

પાક માહિતી મંત્રી તરારે ઓપરેશનના આંકડા જાહેર કરતા જણાવ્યું કે અત્યાર સુધીમાં 684 અફઘાન તાલિબાન કર્મચારીઓ માર્યા ગયા છે અને 912થી વધુ ઘાયલ થયા છે. રિપોર્ટ અનુસાર, 252 ચોકીઓ નષ્ટ કરવામાં આવી છે અને 44 પર કબજો કરી લેવામાં આવ્યો છે. સૈન્ય કાર્યવાહીમાં 229 ટેન્ક, આર્મર્ડ વાહનો અને તોપો પણ તબાહ થઈ છે. પાકિસ્તાનનું કહેવું છે કે તેણે માત્ર સૈન્ય લક્ષ્યોને જ નિશાન બનાવ્યા છે અને નાગરિક વસ્તીને નુકસાન પહોંચાડવાના દાવાઓમાં કોઈ સત્ય નથી. 

માનવીય સંકટ અને પલાયનનો ડર

સંયુક્ત રાષ્ટ્રના આંકડા મુજબ, 26 ફેબ્રુઆરીથી 5 માર્ચની વચ્ચે જ અફઘાનિસ્તાનમાં લગભગ 185 નાગરિકો જાનહાનિનો ભોગ બન્યા છે, જેમાં 56 લોકોના મોતનો સમાવેશ થાય છે. ભીષણ ગોળીબાર અને હવાઈ હુમલાને કારણે લગભગ 1,15,000 લોકો પોતાનું ઘર છોડીને ભાગવા મજબૂર થયા છે. સરહદ પર આ સંઘર્ષ છેલ્લા ઘણા મહિનાઓમાં સૌથી ગંભીર વળાંક પર પહોંચ્યો છે. નિષ્ણાતોને ડર છે કે જો બંને દેશો સંયમ નહીં જાળવે, તો આ નાની અથડામણ એક સંપૂર્ણ યુદ્ધમાં ફેરવાઈ શકે છે.

આ પણ વાંચો: LPG સંકટ વચ્ચે મોટા સમાચાર: 32 લાખ સિલિન્ડર ભરાય એટલો ગેસ લઈને ‘શિવાલિક’ જહાજ ગુજરાત પહોંચ્યું!

હવાઈ હુમલાઓ ઉપરાંત, પાકિસ્તાની આર્મીએ અફઘાનિસ્તાનની ‘બદીની પોસ્ટ’ પર જમ્પ-ઑફ પોઇન્ટને પણ નષ્ટ કરી દીધો છે. પાકિસ્તાની અધિકારીઓનું કહેવું છે કે જ્યાં સુધી તેમના સુરક્ષા હેતુઓ પૂરા નહીં થાય ત્યાં સુધી ‘ઓપરેશન ગઝબ લિલ-હક’ ચાલુ રહેશે. હાલ સીમા પર ભારે તણાવ છે અને બંને દેશોની સેના હાઇ ઍલર્ટ પર છે. ભારત સહિત અનેક દેશો આ બગડતી સ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યા છે કારણે કે બે પડોશી દેશો વચ્ચેનો આ સંઘર્ષ સમગ્ર દક્ષિણ એશિયાની સ્થિરતા માટે ખતરા સમાન છે. 



Source link

Related Articles

Back to top button