સલમાન ખાનની ફિલ્મ ‘બેટલ ઓફ ગલવાન’નું નામ બદલાયું, હવે આ નવા ટાઈટલ સાથે થશે રિલીઝ | salman khan movie battle of galwan retitled as maatrubhumi may war rest in peace

Salman Khan Battle Of Galwan New Title: બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનની બહુચર્ચિત ફિલ્મ ‘બેટલ ઓફ ગલવાન’ને લઈને એક મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. વર્ષ 2020માં ગલવાન ઘાટીમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે થયેલી ઐતિહાસિક અથડામણ પર આધારિત આ ફિલ્મનું નામ હવે બદલી નાખવામાં આવ્યું છે. સલમાન ખાને પોતે 16 માર્ચના રોજ સોશિયલ મીડિયા દ્વારા ફેન્સને આ અંગે માહિતી આપી છે કે, હવે આ ફિલ્મ ‘માતૃભૂમિ: મે વોર રેસ્ટ ઇન પીસ'(Matrubhoomi: May War Rest in Peace) તરીકે ઓળખાશે. આ ફિલ્મમાં સલમાન ખાન શહીદ કર્નલ બી. સંતોષ બાબુની ભૂમિકામાં જોવા મળશે.
ફિલ્મના ગીત પરથી જ નક્કી થયું નવું ટાઇટલ
રસપ્રદ વાત એ છે કે, આ વર્ષે ગણતંત્ર દિવસ પહેલા 24 જાન્યુઆરીએ સલમાન ખાને આ ફિલ્મનું એક દેશભક્તિ ગીત રિલીઝ કર્યું હતું, જેનું શીર્ષક પણ ‘માતૃભૂમિ’ હતું. આ ગીત અરિજિત સિંહ અને શ્રેયા ઘોષાલ દ્વારા ગાવામાં આવ્યું છે, જેનું સંગીત હિમેશ રેશમિયાએ આપ્યું છે. હવે આ ગીતના નામ પરથી જ ફિલ્મનું નવું ટાઇટલ રાખવામાં આવ્યું છે. અપૂર્વ લાખિયાના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મમાં સલમાનની સાથે ચિત્રાંગદા સિંહ પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.
રિલીઝ ડેટ પર સસ્પેન્સ: શું ફિલ્મ પોસ્ટપોન થઈ?
ફિલ્મની રિલીઝ ડેટને લઈને હજુ પણ સસ્પેન્સ યથાવત છે. અગાઉ આ ફિલ્મ 17 એપ્રિલે રિલીઝ થવાની હતી, પરંતુ લેટેસ્ટ રિપોર્ટ્સ અનુસાર ફિલ્મની રિલીઝ મોકૂફ રાખવામાં આવી હોવાનું જણાય છે. સલમાન ખાને ફિલ્મનું નવું પોસ્ટર તો શેર કર્યું છે, પરંતુ તેમાં રિલીઝ ડેટ અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. ગલવાનની ઘટના પર આધારિત હોવાથી સલમાનના ફેન્સ આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, ત્યારે નવા ટાઇટલ સાથે હવે તેની રિલીઝ ક્યારે થશે તે જોવું રહ્યું.




