જમ્મુ કાશ્મીરના કિશ્તવાડમાં HRT પ્રોજેક્ટ સાઈટ પર ભૂસ્ખલનથી બે શ્રમિકોના મોત, અનેક ફસાયા હોવાની આશંકા | jammu kashmir kishtwar landslide tunnel project site two dead

![]()
Landslide at Kishtwar : જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડ જિલ્લામાં સોમવારે એક હૃદયદ્રાવક ઘટના બની છે. જિલ્લાના ડાંગડરો વિસ્તારમાં આવેલા એચઆરટી (હેડ રેસ ટનલ) પ્રોજેક્ટ સાઇટ પર ભૂસ્ખલન થતાં બે લોકોના કરુણ મોત નિપજ્યા છે. આ દુર્ઘટનાને પગલે પ્રોજેક્ટ સાઇટ પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
કઇ રીતે સર્જાઈ દુર્ઘટના?
અધિકારીઓ પાસેથી મળતી માહિતી મુજબ, સોમવારે જ્યારે પ્રોજેક્ટ સાઇટ પર કામગીરી ચાલી રહી હતી, ત્યારે અચાનક ઉપરની ટેકરી પરથી મોટો કાટમાળ નીચે પડ્યો હતો. આ સમયે ત્યાં એક વાહન હાજર હતું, જે સંપૂર્ણપણે કાટમાળમાં દટાય ગયું હતું. વાહનમાં સવાર અને આસપાસ કામ કરતા અનેક લોકો આ કાટમાળ નીચે દટાઈ ગયા હતા.
યુદ્ધના ધોરણે બચાવ કામગીરી
ઘટનાની જાણ થતા જ સ્થાનિક વહીવટીતંત્ર અને બચાવ ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. રેડ ક્રોસ સોસાયટી કિશ્તવાડ યુનિટના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં કાટમાળમાંથી બે મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે.
મૃતકોની ઓળખ:
શહનવાઝ અહેમદ – (રહેવાસી: ડોડા)
નિશાત અહેમદ – (રહેવાસી: પાલમાર, કિશ્તવાડ)
હજુ પણ અનેક લોકો ગુમ
વહીવટી તંત્રના જણાવ્યા મુજબ, હજુ પણ કેટલાક લોકો કાટમાળ નીચે દબાયા હોવાની કે ગુમ હોવાની આશંકા છે. ઘટનાસ્થળે જેસીબી અને અન્ય આધુનિક મશીનોની મદદથી કાટમાળ હટાવવાની અને શોધખોળની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. સ્થાનિક પોલીસ અને રાહત ટીમો વધુ ભોગ બનનારાઓને શોધવા માટે સતત પ્રયત્નશીલ છે.



