અમદાવાદ: વાસણામાં 91 વર્ષીય વૃદ્ધના ઘરમાં ઘૂસી લૂંટ કરનાર રીઢો ગુનેગાર ઝડપાયો, માર મારી 75 હજાર પડાવ્યા હતા | LCB Police arrest habitual criminal from Vasna Ahmedabad

![]()
Ahmedabad News : અમદાવાદના વાસણા વિસ્તારમાં 91 વર્ષના વયોવૃદ્ધના ઘરમાં ઘૂસીને લૂંટ કરનાર રીઢા ગુનેગારને લોકલ ક્રાઈમ બ્રાન્ચ ઝોન-7ની ટીમે ઝડપી પાડ્યો છે. આરોપીની ધરપકડ સાથે પોલીસે વાસણાની લૂંટ અને પાલડી જૈન દેરાસરની ઘરફોડ ચોરી એમ બે વણઉકેલ્યા ગુનાઓનો ભેદ ઉકેલી નાખ્યો છે.
વૃદ્ધના ઘરમાં ઘૂસી લૂંટ કરનાર રીઢો ગુનેગાર ઝડપાયો
પોલીસ ફરિયાદ અનુસાર, અમદાવાદ શહેરના વાસણા વિસ્તારમાં આવેલી ધનુષધારી સોસાયટીમાં ગત 9 માર્ચના રોજ મોડી રાત્રે લૂંટની એક સનસનીખેજ ઘટના બની હતી. અંદાજે 28 વર્ષના એક અજાણ્યા શખસે 91 વર્ષીય વૃદ્ધ નરેન્દ્રભાઈ શાહના ઘરના મુખ્ય દરવાજાનો કાચ તોડી અંદર પ્રવેશ કર્યો હતો. તસ્કરે વૃદ્ધ સાથે મારામારી કરી બેડરૂમમાં રહેલી તિજોરીમાંથી રૂ.75,000ની રોકડ રકમની લૂંટ ચલાવી ફરાર થઈ ગયો હતો. આ ગંભીર ઘટના અંગે વાસણા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 309(6) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.
આ ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ એલ.સી.બી.ની ટીમે ઘટનાસ્થળની આસપાસના સીસીટીવી ફૂટેજ, ટેકનિકલ સર્વેલન્સ અને ખાનગી બાતમીદારોની મદદથી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. ઝીણવટભરી તપાસના અંતે એક શંકાસ્પદ ઇસમની ઓળખ થઈ હતી, જેના આધારે પોલીસે ગુપ્તાનગર વિસ્તારમાંથી આરોપીને દબોચી લીધો હતો.
આરોપી સામે 10 જેટલાં ગુના
પકડાયેલા આરોપીનું નામ અનિલ ઉર્ફે ભગવતી ઉર્ફે રમણ કાનજીભાઈ મીણા છે, જે મૂળ રાજસ્થાનના સલુમ્બર જિલ્લાનો વતની છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ આરોપી રીઢો ગુનેગાર છે અને તેની સામે અગાઉ ઓઢવ, નિકોલ, બોડકદેવ, બોપલ અને ક્રિષ્ણનગર જેવા વિવિધ પોલીસ સ્ટેશનોમાં ચોરી અને લૂંટના 10 જેટલાં ગુના નોંધાઈ ચૂક્યા છે. આરોપી પાસેથી લૂંટના રોકડા રૂ.30,000 અને એક મોબાઈલ ફોન મળી કુલ રૂ.35,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
જૈન દેરાસરમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો
આ ધરપકડ સાથે પોલીસે માત્ર વાસણાની લૂંટ જ નહીં, પરંતુ પાલડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા જૈન દેરાસરમાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ પણ ઉકેલી નાખ્યો છે. વૃદ્ધોની સુરક્ષા સામે સવાલ ઉઠાવતી આ ઘટનાનો ભેદ ગણતરીના દિવસોમાં ઉકેલી એલ.સી.બી. ઝોન-7ની ટીમે પ્રશંસનીય કામગીરી કરી છે. હાલ પોલીસ આ આરોપીની વધુ પૂછપરછ કરી રહી છે, જેમાં અન્ય ચોરીના ગુનાઓના ભેદ ઉકેલાવાની પણ શક્યતા સેવાઈ રહી છે.



