નેપાળમાં ભયાનક અકસ્માતમાં 7 ભારતીય શ્રદ્ધાળુઓના મોત! મંદિરથી પરત ફરતી બસ ખીણમાં ખાબકી | Nepal bus accident Indian pilgrims returning from a temple fell valley 7 death

![]()
| પ્રતીકાત્મક તસવીર |
Nepal Bus Accident: નેપાળમાં એક દર્દનાક માર્ગ અકસ્માતમાં ભારતીય શ્રદ્ધાળુઓથી ભરેલી બસ પહાડી રસ્તા પરથી બેકાબૂ થઈને ખીણમાં ખાબકી હતી. આ દુર્ઘટનામાં સાત ભારતીય મુસાફરોના મોત થયા છે, જ્યારે અન્ય 9 લોકો ઈજાગ્રસ્ત થયા છે. પોલીસે આજે રવિવારે આ ઘટનાની જાણકારી આપી હતી.
મનકામના મંદિરેથી પરત ફરી રહ્યા હતા
આ અકસ્માત શનિવારે રાત્રે તે સમયે થયો હતો જ્યારે શ્રદ્ધાળુઓ પ્રસિદ્ધ મનકામના મંદિરના દર્શન કરીને પરત ફરી રહ્યા હતા. મનકામના મંદિર નેપાળનું એક લોકપ્રિય હિન્દુ તીર્થસ્થળ છે. એવી માન્યતા છે કે અહીં દર્શન કરવાથી દેવી ભક્તોની મનોકામનાઓ પૂર્ણ કરે છે.
બસ ચાલકે કાબૂ ગુમાવ્યો
પોલીસના જણાવ્યા પ્રમાણે બસ કાઠમાડુંથી લગભગ 120 કિલોમીટર પશ્ચિમમાં આવેલા શાહિદ લખન ગામ પાસે અકસ્માતનો ભોગ બની હતી. આ રસ્તો હાઈવેથી મંદિર તરફ જતા પહાડી માર્ગ પર આવે છે. જણાવવામાં આવી રહ્યું છે કે બસ ઢાળ પરથી નીચે ઉતરી રહી હતી, તે દરમિયાન એક વળાંક પર ચાલકે કાબૂ ગુમાવ્યો હતો અને બસ રસ્તા પરથી ઉતરી સીધી લગભગ 150 મીટર નીચે પહાડી ઢોળાવ પર ગબડતી એક ઊંડી ખીણમાં જઈ પડી હતી.
સ્થાનિક પોલીસ અને ગામલોકોએ કર્યું રેસ્ક્યૂ
સ્થાનિક રિપોર્ટ મુજબ અકસ્માતની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને ગામના લોકો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. તેઓએ સાથે મળીને બસના કાટમાળમાંથી ઈજાગ્રસ્તોને બહાર કાઢ્યા અને એમ્બ્યુલન્સની મદદથી તેમને નજીકની હોસ્પિટલમાં પહોંચાડ્યા હતા.
અકસ્માતમાં મોતને ભેટેલા તમામ સાત લોકો ભારતીય શ્રદ્ધાળુઓ હતા. ઇજાગ્રસ્તોમાં સાત ભારતીય મુસાફરો સામેલ છે, જ્યારે અન્ય બે ઈજાગ્રસ્તોમાં બસ ચાલક અને તેનો સહાયક છે, જેઓ નેપાળના રહેવાસી છે. પોલીસે જણાવ્યું કે મૃતકોના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવશે, ત્યારબાદ તેમના મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવશે.


