दुनिया

અમેરિકાની નાગરિકતા મેળવવા લૂંટનું નાટક કર્યું, 11 ગુજરાતીઓ ઝડપાયા | 11 Gujaratis arrested for pretending to rob to get US citizenship



– ગુનાના પીડિતોને મળતા યુ-વિઝા બાદ ગ્રીનકાર્ડ મેળવવાનો ખેલ

– લૂંટારૂ અને ભોગ બનનાર બન્ને ઓળખીતા રખાતા ઘટનાને સીસીટીવીમાં કેદ કરી પોલીસ બોલાવાતી હતી

– એફબીઆઇએ ધરપકડ કરેલા આરોપીઓને પાંચ વર્ષની કેદ અને બે કરોડ રૂપિયા સુધીનો દંડ થઇ શકે છે

નવી દિલ્હી : અમેરિકામાં ૧૧ ગુજરાતીઓની એફબીઆઇ દ્વારા ધરપકડ કરવામાં આવી છે, તમામ પર આરોપ છે કે તેમણે યુ-વિઝા અને ગ્રીન કાર્ડ મેળવવા માટે દુકાનોમાં બનાવટી લૂંટનુ કાવતરુ ઘડયું હતું, આરોપીઓએ અમેરિકાના વિવિધ રાજ્યોમાં સ્ટોર અને દારુની દુકાનો પર બનાવટી હથિયારબંધ લૂંટ કરાવી હતી. જેનો ઉદ્દેશ્ય સ્ટોર પર હાજર ક્લર્કોંને પોતે હિંસક ગુનાનો શિકાર બન્યા છે અને પીડિત છે તેવો દેખાડો કરવાની તક આપવાનો હતો. અમેરિકાના કાયદા મુજબ યુ-વિઝા એવા લોકોને મળે છે જે કોઇ ગુનાનો શિકાર બન્યા હોય અને તપાસમાં પોલીસને મદદ કરે.  

સામાન્ય રીતે યુ-વિઝા મળી ગયા બાદ અમેરિકાની નાગરિકતા મેળવવા માટે મહત્વપૂર્ણ ગણાતુ ગ્રીન કાર્ડ મેળવવાનો રસ્તો ખુલી જાય છે. આ સમગ્ર પૂર્વાયોજીત કાવતરાને લઇને કેટલાક ખુલાસા થયા છે, ચાર્જશીટ મુજબ લૂંટની બનાવટી ઘટના દરમિયાન એક ફેક લૂંટારો દુકાનમાં ઘુસીને ક્લર્ક અથવા માલિકને હથિયાર દેખાડીને ધમકાવતો હતો, બાદમાં કેશ રજિસ્ટર પાસેથી રૂપિયા લઇને ફરાર થઇ જતો હતો, વળી આ સમગ્ર ઉપજાવી કાઢેલી ઘટનાને સ્ટોરમાં લગાવાયેલા સીસીટીવી કેેમેરામાં કેદ કરવામાં આવતી હતી. જેથી આગળ જતા આ સીસીટીવી ફૂટેજનો ઉપયોગ પોતાને પીડિત સાબિત કરવા માટે થઇ શકે. 

લૂંટારૂઓના ભાગી ગયાના લગભગ પાંચથી દસ મિનિટ બાદ પોલીસને ફોન કરવામાં આવતો હતો, પોલીસને ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સોંપવામાં આવતા હતા. આ સમગ્ર પૂર્વાયોજિત બનાવટી લૂંટની ઘટનાનું સેટિંગ કરનારાને તમામ કહેવાતા પીડિતો દ્વારા રૂપિયા આપવામાં આવ્યા હતા, આ રૂપિયા જે સ્ટોરમાં આ સમગ્ર ડ્રામા ભજવાતો તેના માલિકને પણ આપવામાં આવતા હતા. જોકે અંતે સત્ય બહાર આવી ગયું અને અમેરિકાની ટોચની એજન્સી એફબીઆઇએ કુલ ૧૧ આરોપીઓની ધરપકડ કરી છે. જેમના નામ જિતેન્દ્ર કુમાર પટેલ (ઉં. ૩૯), મહેશ કુમાર પટેલ (ઉં. ૩૬), સંજય કુમાર પટેલ (ઉં. ૪૫), દીપિકાબેન પટેલ (ઉં. ૪૦), રમેશભાઇ પટેલ (ઉં. ૫૨), અમિતાબેન પટેલ (ઉં. ૪૩), રૌનક કુમાર પટેલ (ઉં. ૨૮), સંગીતાબેન પટેલ, મિંકેશ પટેલ, સોનલ પટેલ, મિતુલ પટેલ વગેરેનો સમાવેશ થાય છે. આ તમામ આરોપીઓને પાંચ વર્ષ સુધીની કેદ અને ૨,૫૦,૦૦૦ અમેરિકી ડોલર (આશરે બે કરોડ રૂપિયાથી વધુ)નો દંડ થઇ શકે છે. 



Source link

Related Articles

Back to top button