હરણી રોડ પર બે વિદ્યાર્થીઓ સાથે ઝઘડો કરી કારની તોડફોડ | Two students got into a fight on Harni Road and vandalized a car

![]()
વડોદરા,હરણી રોડ પર કાર લઇને જતા બે મિત્રોને રોકી જાહેરમાં રોડ પર મારામારી કરી આરોપીઓએ આતંક ફેલાવ્યો હતો. તેમજ કારની પણ તોડફોડ કરી હતી. જે અંગે કુંભારવાડા પોલીસે ગુનો દાખલ કર્યો છે.
વાઘોડિયારોડ સુદામાપુરી સોસાયટીમાં રહેતા રાજેન્દ્રકુમાર જોશીએ કુંભારવાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગઇકાલે સાંજે સાડા પાંચ વાગ્યે મારો ભત્રીજો ધુ્રવ પંકજકુમાર જોશી (ઉં.વ.૨૦) તથા તેનો મિત્ર યશ તેજસકુમાર વાલોડીયા (ઉં.વ.૧૮) મારી કાર લઇને સંગમ ચાર રસ્તા થઇ ફતેપુરા ભાંડવાડા નજીક આવેલા પેટ્રોલ પંપ પર પેટ્રોલ પુરાવવા ગયા હતા.તેઓ પેટ્રોલ પૂરીને પરત આવતા હતા. તે દરમિયાન નાગેશ્વર મંદિરપાસે રોડ પર ટ્રાફિક હોવાના કારણે વાહનો ઊભા હતા. કારની આગળ ઊભેલા મોેપેડ ચાલક પાસે સાઇડ માગવા હોર્ન મારવા છતાં તેણે સાઇડ આપી નહતી.બીજી વખત હોર્ન મારવા છતાં તેણે સાઇડ આપી નહતી. તે કારની આગળ તેનું મોપેડ ચલાવી વારંવાર બ્રેક મારતો હતો. કાર તેના મોપેડને અડી જતા મોપેડ ચાલકે મારા ભત્રીજાને ગાળો બોલી ઝઘડો શરૃ કર્યો હતો. તેણે ફોન કરીને કોઇને બોલાવી કાર રસ્તા વચ્ચે જ રોકી દીધી હતી. મારો ભત્રીજો કાર સાઇડ પર લેતો હતો ત્યારે મોપેડ ચાલકે તેને ફરીથી કારમાંથી બહાર ખેંચી કાઢી માર માર્યો હતો. મોપેડ ચાલકનો મિત્ર આવી જતા તેણે પણ ઝઘડો કરી માર માર્યો હતો. આ ઘટનાનો વીડિયો ઉતારનારને પણ આરોપીઓએ ધમકાવી વીડિયો ડિલિટ કરાવી દીધો હતો. આરોપીઓએ કારનો કાચ તોડી નાખ્યો હતો. પોલીસ આવતા આરોપીઓ ભાગી છૂટયા હતા.



