Explainer: ઈરાનનો ‘કોહિનૂર’ કેમ કહેવાય છે ખાર્ગ આઈલેન્ડ? જાણો અમેરિકાએ આ ટાપુ પર જ કેમ વરસાવ્યા બોમ્બ | Why Kharg Island is Iran’s Kohinoor: US Attacks Vital Oil Hub Amid Middle East War

![]()
US Attack On Iran’s Kharg Island : અમેરિકાએ હવે પર્શિયન ગલ્ફમાં ઈરાન માટે કોહિનૂર ગણાતા ‘ખાર્ગ આઈલેન્ડ’ પર ભયાનક હુમલો કરીને મોટી તબાહી મચાવી છે. એવું કહેવાય છે કે, આ આઈલેન્ડ ઈરાનની આર્થિક જીવનરેખા સમાન છે. ઈરાન જે કુલ ક્રૂડ ઓઈલની નિકાસ કરતું હતું તેમાંથી 90થી 95 ટકા નિકાસ આ જ આઈલેન્ડ પરથી જુદા જુદા દેશોમાં થતી હતી. એટલે કે ઈરાન આ જ આઈલેન્ડ પરથી ક્રૂડ ઓઈલ વેંચીને મોટાભાગની કમાણી કરતું હતું અને તે જ નાણાંતી સરકારનો ખર્ચ ચાલતો હતો અને સેનાને પણ ફંડ મળતું હતું. ત્યારે હવે અમેરિકાએ ઈરાનના કોહિનૂર પર હુમલો કરતીને તેની આર્થિક કમર તોડી નાખી છે.
ટ્રમ્પે ખાર્ગ આઈલેન્ડ પર હુમલાની માહિતી આપી
ખાર્ગ આઈલેન્ડ પર હુમલા બાદ સ્પષ્ટ થઈ ગયું છે કે, જો આ આઈલેન્ડ પરથી તેલની નિકાસ અટકી જાય તો ઈરાનની અર્થવ્યવસ્થાને સીધી જ મોટી અસર પડી શકે છે. બીજીતરફ ખાર્ગ આઈલેન્ડની ચર્ચા એટલા માટે થઈ રહી છે કે, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતે આ હુમલાની માહિતી આપી છે. તેમણે કહ્યું કે, ‘અમે ઈરાના તેલ ઠેકાણાઓને ટાર્ગેટ કર્યા નથી, પરંતુ તેના સૈન્ય ઠેકાણાઓને ખતમ કરી દીધા છે.’ રિપોર્ટ મુજબ, અમેરિકાએ ખાર્ગ આઈલેન્ડ પર એટલા માટે હુમલો કર્યો હતો, કારણ કે ઈરાને પોતાની સ્ટ્રેટ ઑફ હોર્મુઝ જળમાર્ગ બંધ કરી દીધો છે. આ જળમાર્ગ બંધ થવાના કારણે વૈશ્વિક અર્થવ્યવસ્થા પર ગંભીર અસર પડી છે.
Last night, U.S. forces executed a large-scale precision strike on Kharg Island, Iran. The strike destroyed naval mine storage facilities, missile storage bunkers, and multiple other military sites. U.S. forces successfully struck more than 90 Iranian military targets on Kharg… pic.twitter.com/2X1glD4Flt
— U.S. Central Command (@CENTCOM) March 14, 2026
આ પણ વાંચો : અમેરિકાના તેલ ડેપોને રાખના ઢગલામાં ફેરવી દઈશું, વૈશ્વિક સંકટ વચ્ચે ઈરાનની ધમકી
વિશ્વનું સૌથી મોટું તેલ ટર્મિનલ
ખાર્ગ આઈલેન્ડ માત્ર એક પોર્ટ નથી, પરંતુ તે વિશ્વનું સૌથી મોટું તેલ ટર્મિનલ પણ છે. અહીં અનેક મોટા મોટા સ્ટોરેજ ટેન્ક છે, જેમાં હજારો ટન ક્રૂડ ઓઈલ સ્ટોરેજ કરવામાં આવે છે. એવું કહેવાય છે કે, આ ટેન્કોમાં લગભગ ત્રણ કરોડ બેરલ ક્રૂડ ઓઈલ જમા કરી શકાય તેટલી ક્ષમતા છે. અગાઉના વર્ષોમાં ઈરાને વધુ નવા ટેન્કો બનાવીને તેની સ્ટોરેજ ક્ષમતા વધારવાનો પ્રયાસ પણ કર્યો છે.
આઈલેન્ડ પર 10 મોટા સુપર ટેન્ક સમાવવાની ક્ષમતા
આ આઈલેન્ડના કિનારા પર અત્યાધુનિક અને મોટું ઈન્ફ્રાસ્ટ્રક્ચર છે, જ્યાં એક સાથે લગભગ 10 મોટા સુપર ટેન્કમાં ક્રૂડ ઓઈલ ભરી શકાય છે. અહીંથી લગભગ દૈનિક 70 લાખ બેરલ ક્રૂડ ઓઈલ લોડ કરવાની ક્ષમતા છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે, ખાર્ચ આઈલેન્ડની આસપાસ ખૂબ જ ઊંડાઈ હોવાના કારણે વિશ્વના સૌથી મોટા તેલ ટેન્કરો ત્યાં સરળતાથી આવી શકે છે.
હોર્મુઝ જળમાર્ગ પણ ખાર્ગ આઈલેન્ડની નજીક
ઈરાન માટે સૌથી મોટા આર્થિક અને વ્યૂહાત્મક ફાયદાની વાત એ છે કે, આ આઈલેન્ડ વિશ્વ માટે સૌથી મહત્ત્વના હોર્મુઝ જળમાર્ગ પાસે આવેલું છે અને આ માર્ગેથી વિશ્વભરને ક્રૂડ ઓઈલની સપ્લાય કરવામાં આવે છે. ઈરાનના ખુઝેસ્તાન પ્રાંતનું પાટનગર અહવાજ અને ઈરાનનું બીજું સૌથી મોટું તેલ ક્ષેત્ર ગચસારાનથી પાઈપલાઈનો સીધી જ આ આઈલેન્ડ સુધી લંબાવાયેલી છે. એટલે કે દેશના જુદા જુદા ભાગોમાંથી ઉત્પાદન કરવામાં આવેલુ ક્રૂડ ઓઈલ સીધું જ આ પાઈપલાઈન દ્વારા આઈલેન્ડ સુધી પહોંચાડવામાં આવે છે અને પછી વિશ્વભરને સપ્લાય કરવામાં આવે છે. આ જ કારણે ખાર્ગ આઈલેન્ડ ઈરાનના તેલ ઉદ્યોગોનું સૌથી મુખ્ય કેન્દ્ર બની ગયું છે.
ખાર્ગ આઈલેન્ડને નુકસાનથી વિશ્વભરમાં ઉથલ-પાથલ થવાની સંભાવના
નિષ્ણાંતોનું માનવું છે કે, જો ખાર્ગ આઈલેન્ડના ક્રૂડ ઓઈલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નુકસાન થશે તો વિશ્વભરના ઓઈલ માર્કેટમાં ઉથલ-પાથલ થઈ શકે છે. આ કારણે ક્રૂડ ઓઈલની કિંમતો ઝડપથી વધી શકે છે. ખાર્ગ આઈલેન્ડ માત્ર તેલ માટે જાણિતી નથી, પરંતુ ત્યાં ઈતિહાસના અનેક નિશાનો પણ છે. અહીં 18મી સદીના ડચ કિલ્લાના અવશેષ પણ છે. સરળ ભાષામાં કહીએ તો, ઈરાન માટે ખાર્ગ આઈલેન્ડ માત્ર જમીનને એક ટુકડો નથી, પરંતુ તે તેની અર્થવ્યવસ્થાની મોટી શક્તિ પણ છે. જેમ કે કોહિનૂર હીરો પોતાની કિંમત અને ચમકના કારણે જાણીતો છે, તેવી જ રીતે ખાર્ગ આઈલેન્ડ ઈરાન માટે ખૂબ જ કિંમતી છે. આ કારણે આઈલેન્ડને ઈરાનનો કોહિનર કહેવામાં આવે છે.



