યુદ્ધના કારણે મોંઘી થઈ હવાઈ મુસાફરી! ઈન્ડિગો-એર ઈન્ડિયા બાદ હવે અકાસાએ પણ ઝીંક્યો ભાવવધારો | After indigo air india akasa air hike fuel surcharge flight ticket price hike 2026

![]()
Akasa Air Hikes Fuel Surcharge: એર ઈન્ડિયા અને ઈન્ડિગો બાદ હવે અકાસા એર દ્વારા પણ ફ્લાઈટની ટિકિટો પર વધારાનો ચાર્જ વસૂલવાની જાહેરાત કરવામાં આવી છે. પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં તેલની કિંમતોમાં થયેલા વધારાને પગલે આ નિર્ણય લેવાયો છે. એરલાઇનના સત્તાવાર નિવેદન અનુસાર, 15 માર્ચથી ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ બંને રૂટ પર ટિકિટના દરોમાં વધારો જોવા મળશે.
ઈંધણ સરચાર્જ અને તેની અસર
અકાસા એર 15 માર્ચથી ફ્લાઈટની ટિકિટ પર 199થી લઈને 300 રૂપિયા સુધીનો ઈંધણ સરચાર્જ (Fuel Surcharge) લાગુ કરશે. અગાઉ એર ઈન્ડિયા, એર ઈન્ડિયા એક્સપ્રેસ અને ઈન્ડિગો જેવી એરલાઈન્સે પણ વધારાનો ફ્યુલ ચાર્જ ચાર્જ વસૂલવાનું શરૂ કર્યું છે. એરલાઇને સ્પષ્ટ કર્યું છે કે આ સરચાર્જની રકમ ઉડાનના સમયગાળા (Distance/Duration) ના આધારે અલગ-અલગ નક્કી કરવામાં આવશે.
જૂના બુકિંગ પર કોઈ અસર નહીં
મુસાફરો માટે રાહતના સમાચાર એ છે કે આ વધારો માત્ર નવા બુકિંગ પર જ લાગુ થશે. 15 માર્ચ, 2026 ના રોજ રાત્રે 00:01 વાગ્યા પછી કરવામાં આવેલી તમામ બુકિંગ પર જ આ વધારાનો ચાર્જ વસૂલવામાં આવશે. જે મુસાફરોએ આ સમય પહેલા પોતાની ટિકિટ બુક કરાવી લીધી છે, તેમને આ મોંઘા ભાડાની અસર થશે નહીં.
મહત્વનું છે કે મધ્ય પૂર્વમાં ચાલી રહેલી યુદ્ધની સ્થિતિને કારણે વિમાનના ઈંધણ (ATF)ના ભાવમાં અંદાજિત 85 ટકાથી વધુનો તોતિંગ વધારો થયો છે, એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (ATF) એરલાઇનના સંચાલન ખર્ચના લગભગ 40% હિસ્સો ધરાવે છે, જેના કારણે એરલાઈન કંપનીઓ ફ્યુઅલ સરચાર્જ વધારી ટિકિટના ભાવમાં વધારો કરી રહી છે.



