જામનગર જિલ્લામાંથી સગીરાના અપહરણ અને દુષ્કૃત્યના કેસમાં આરોપીને 10 વર્ષની જેલ સજા | Accused sentenced to 10 years in prison in case of kidnapping and Misdemeanor of minor

![]()
Jamnagar Court : જામનગર જિલ્લામાં વર્ષ 2022માં એક સગીરા સાથે દુષ્કૃત્ય અંગેના કેસમાં અદાલતે આરોપીને 10 વર્ષની જેલ સજા અને રૂ.17 હજારના દંડનો હુકમ કર્યો છે.
આ કેસની વિગતો મુજબ વર્ષ 2022માં ઉત્તર ગુજરાતના જિલ્લાના એક ગામનો ખેત મજુર પરિવાર લાલપુર તાલુકાના એક ગામે મજુરી કામ કરવા આવ્યો હતો. આ દરમિયાન ખેત મજુર દંપતી વતનમાં ગયા હતા, ત્યારે પાછળથી 3 વર્ષ અને 1 માસની પુત્રીને કનુ કજભાઈ બારીયા નામના શખસે લાલચ આપીને બદકામ કરવાના ઈરાદે અપહરણ કરી ગયાની ફરિયાદ લાલપુર પોલીસમાં નોંધાઈ હતી.
તેથી શોધખોળના અંતે પોલીસે આરોપીની ધરપકડ કરી હતી, તેમજ આ પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન અગેઈન્સ્ટ સેક્સ્યુઅલ ઓફેન્સ (પોક્સો) કાયદાની ખાસ અદાલતમાં ચાર્જશીટ દાખલ કરી હતી.
આ કેસ ચાલી જતાં પોક્સો અદાલતે પુરાવા, સરકારી વકીલ મુકેશભાઈ જાનીની રજુઆતો વગેરેને ગ્રાહ્ય ગણીને બંને પક્ષોને સાંભળીને આરોપીને તકસીરવાન ઠેરવી અપહરણના ગુનામાં 7 વર્ષની, અને દુષ્કર્મના કેસમાં 10 વર્ષની જેલ સજા અને રૂ.17 હજારનો દંડ કરતો હુકમ ફરમાવ્યો હતો.



