ત્રીજા વિશ્વયુદ્ધના ભણકારા વાગ્યા ઇરાનના ત્રણ નાટો દેશો પર હુમલા | Iran’s attacks on three NATO countries raise fears of World War III

![]()
– ફ્રાન્સના સૈનિકનું મોત થતા મૈક્રોનો પિત્તો ગયો
– અમેરિકાનું માલવાહક પ્લેન રીફ્યુલિંગ કરાવતી તૂટી પડતાં છ સૈનિકના મોત નીપજ્યા, તપાસના આદેશ
નવી દિલ્હી : ઇરાને છેલ્લા ૪૮ કલાકમાં ત્રણ નાટો દેશ ફ્રાન્સ, ઇટાલી અને તુર્કી પર હુમલા કરતાં ત્રીજા વિશ્વયુદ્ધના ભણકારા વાગવા લાગ્યા છે. તેના કારણે પ્રાદેશિક તનાવ ચરમસીમાએ પહોંચ્યો છે. તેની સાથે નાટો દેશો પણ આ યુદ્ધમાં ઝંપલાવે તેવી સંભાવના વધી ગઈ છે. તેમા પણ એક હુમલામાં તો ફ્રાન્સના એક સૈનિકનું મોત થયું હતું અને બીજા છ ઇજા પામ્યા હતા.
ઇરાને ઇરાકના કુર્દિસ્તાન ક્ષેત્રમાં આવેલા લશ્કરી ઠેકાણા અને તુર્કીના મુખ્ય એરબેઝને મિસાઇલ અને ડ્રોન હુમલા વડે નિશાન બનાવ્યા હતા. આ ઘટના પછી નાટો દેશોની ચિંતા વધી ગઈ છે. તેમણે સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન કરી છે. સૌથી ગંભીર બનાવ ઇરાકના ઇરબિલ પાસે થયો. અહીં ઇરાન સમર્થિત આતંકવાદીઓના જૂથે કરેલા ડ્રોન હુમલામાં ફ્રાન્સના એક સૈનિકનું મોત થયું હતુ. ફ્રાન્સના લશ્કરના જણાવ્યા મુજબ તેઓ ઇરબિલથી ૪૦ કિ.મી. દૂર એક તાલીમ કેન્દ્રમાં કુર્દીશ દળોને આઇએસએઆઇએસ સામે લડવા તાલીમ આપી રહ્યા હતા.આ દરમિયાન ડ્રોન હુમલો થયો. આ હુમલામાં ફ્રાન્સના લશ્કરી અધિકારી અર્નો ફ્રેયનનું મોત થયું હતું. આ સિવાય બીજા છ સૈનિક ઇજા પામ્યા હતા.
આ બનાવ પછી ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોએ આકરી પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે આતંકવાદ સામે લડતા સૈનિકો પર હુમલો અસ્વીકાર્ય છે અને તેના માટે જવાબદાર લોકોએ જવાબ આપવો પડશે.આ જ રીતે ઇરાકના ઇરબિલમાં ઇટાલીના લશ્કરી થાણાને નિશાન બનાવવામાં આવ્યું હતું. અહીં ઇટાલીના સૈનિકો પણ ગોઠવાયેલા છે. મિસાઇલ હુમલામાં લશ્કરી થાણા પાસે જ વિસ્ફોટ થયો. પ્રારંભિક અહેવાલ મુજબ કોઈ જાનહાનિ કે ઇજા પામ્યાના સમાચારનથી. આ હુમલાએ ઇરાકમાં ગોઠવાયેલી નાટો દેશના લશ્કર માટે ખતરાનો ઘંટ વગાડયો છે. ત્રીજો હુમલો તુર્કીના પ્રખ્યાત ઇન્કિલિર્ક પર કરવામાં આવ્યો. આ લશ્કરી બેઝ નાટો માટે અત્યંત મહત્ત્વનો મનાય છે. યુરોપ ઉપરાંત અમેરિકાનું લશ્કર પણ ત્યાં હોય છે. જો કે નાટોની સુરક્ષા પ્રણાલિએ તેને હવામાં જ રોકી લીધુ. આ દરમિયાન એક સમાચાર એવા આવ્યા છે કે અમેરિકાના એક કાર્ગો વિમાને ઇઝરાયેલમાં ઇમરજન્સી લેન્ડિંગ કર્યુ હતુ. તેમા તેનો પાછળનો ભાગ બળેલોદેખાતો હતો. આ ઉપરાંત અમેરિકન લશ્કરને એક બોઇંગ કેસી-૧૩૫ નામનું ટેન્કર વિમાન તૂટી પડતાં છના મોત થયા છે. હવામાં ઓઇલ રિફ્યુલિંગ દરમિયાન તેૂટી પડયું હોવાનું મનાય છે.
દુબઈમાં શુક્રવારે બે મોટા હુમલા થયા હતા. તેના ધડાકા લોકોએ સાંભળ્યા હતા. તેના કારણે શહેરના કેટલાય હિસ્સામાં ઇમારતો હચમચી ઉઠી હતી. તેના લીધે સ્થાનિક લોકોમાં ચિંતાની લહેર દોડી છે. ફ્રાન્સીસી ન્યૂઝ એજન્સીના સંવાદદાતના જણાવ્યા મુજબ બે મોટા વિસ્ફોટના અવાજ સંભાળાયા, પછી કાળો ધુમાડા જોવા મળ્યા હતા. ઇરાને લગભગ ૫૦ ડ્રોન વડે અનેક સ્થળોએ હુમલા કર્યા હતા. આ દરમિયાન ઓમાનમાં ઇરાનના હુમલામાં બે ભારતીયોના મોત થયા હતા.
આ ઉપરાંત અમેરિકાએ જણાવ્યું હતું કે તેણે ઇરાનના કુલ ૧૫ હજારથી વધુ ઠેકાણા પર હુમલા કર્યા છે. તેની લગભગ ૯૦ ટકા મિસાઇલ ડિફેન્સ નાશ પામી છે. ચીને આ ઉપરાંત અમેરિકાના હુમલામાં તોડી પાડવામાં આવેલી સ્કૂલમાં ૧૫૦થી વધુ બાળકીઓ માટે ચીને બે લાખ ડોલરની માનવીય સહાયની જાહેેરાત કરી છે.


