રતનપુરામાં નિરાધારની કરોડોની જમીન પર ગેરકાયદેસર કબજો છતાં તંત્રનું મૌન | Despite illegal occupation of land worth crores the administration remains silent

![]()
– જિલ્લા કલેક્ટરને લેખિત ફરિયાદ છતાં નક્કર કાર્યવાહી નહીં
– બિનખેતીની પરવાનગી વગર જ વ્યાપારી સંકુલ ઊભું કરાયું હોવાનો આક્ષેપ : પંચાયતના ઠરાવો પણ શંકાના દાયરામાં
નડિયાદ : માતર તાલુકાના રતનપુરા ગામમાં એક નિરાધાર અરજદારની કરોડોની જમીન પર ભૂમાફિયાઓએ ગેરકાયદે કબજો જમાવી વ્યાપારી સંકુલ ઊભું કરી દીધું હોવાના આક્ષેપો છતાં તંત્ર મૌન સેવી રહ્યું છે. આ મામલે માતર વિધાનસભાના ભાજપ અગ્રણી અને જિલ્લા ભાજપના પૂર્વ ઉપપ્રમુખે તમામ પુરાવાઓ સાથે જિલ્લા કલેક્ટરને લેખિત ફરિયાદ કરી હોવા છતાં અત્યાર સુધી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. સત્તાધારી પક્ષના જ જવાબદાર હોદ્દેદારની રજૂઆતને અધિકારીઓ દ્વારા ગણકારવામાં ન આવતા પંથકમાં વહીવટી તંત્રની ભૂમિકા સામે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે.
રતનપુરાની સીમના બ્લોક સર્વે નંબર ૨૪૭/અ વાળી ખેતીની જમીન પર સફીમિયાં મહેમુદમિયાં મલેક નામના શખ્સે કલેક્ટર કચેરીની કોઈ પણ પ્રકારની બિનખેતીની પરવાનગી મેળવ્યા વગર જ ‘ફિરદોશ ફાર્મ હાઉસ’ બનાવી દીધું હોવાના આક્ષેપો થઈ રહ્યાં છે. માતર વિધાનસભાના ભાજપ અગ્રણી અને જિલ્લા ભાજપના પૂર્વ ઉપપ્રમુખ
ચંદ્રેશ પટેલના જણાવ્યા મુજબ, આ માથાભારે શખ્સોએ ખેતીવિષયક ઓરડી મંજૂર કરાવવાના બહાને ગ્રામ પંચાયતમાંથી ખોટા ઠરાવો કરાવીને આખું કોમર્શિયલ બાંધકામ ખડકી દીધું છે. શાસક પક્ષના પૂર્વ જિલ્લા ઉપપ્રમુખ પોતે એક ગરીબ અરજદારને ન્યાય અપાવવા માટે વહીવટી તંત્રના દ્વાર ખટખટાવી રહ્યા છે, પરંતુ સ્થાનિક અધિકારીઓની મીઠી નજર હેઠળ ભૂમાફિયાઓ બેખોફ બનીને પોતાની પ્રવૃત્તિ ચલાવી રહ્યા છે. આ ગેરકાયદે બાંધકામ બાબતે જ્યારે પણ રજૂઆત કરવામાં આવે છે, ત્યારે સામા પક્ષના શખ્સો દ્વારા જાનથી મારી નાખવાની ધમકીઓ આપવામાં આવતી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. રતનપુરા ગ્રામ પંચાયત દ્વારા વર્ષ ૨૦૨૨ અને ૨૦૨૪માં કરવામાં આવેલા ઠરાવો પણ શંકાના દાયરામાં છે, કારણ કે કોઈપણ જાતની ટેકનિકલ ચકાસણી કે હક્ક પત્રકની ખરાઈ કર્યા વિના આ બાંધકામને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. ભાજપના અગ્રણીની ફરિયાદ છતાં જો તંત્ર હરકતમાં ન આવતું હોય, તો સામાન્ય જનતાની સુનાવણી કેવી રીતે થતી હશે તે એક ગંભીર પ્રશ્ન છે. હાલમાં આ મામલે કલેક્ટર સમક્ષ ફરી રજૂઆત કરવામાં આવી છે.



