યુદ્ધની આગમાં ભારતીય રોકાણકારોના રૂ. 33.68 લાખ કરોડ સ્વાહા | Indian investors lose Rs 33 68 lakh crore in the fire of war

![]()
– દલાલ સ્ટ્રીટમાં એક જ ઝાટકે રૂ. 10 લાખ કરોડનો ફટકો
– મધ્ય-પૂર્વમાં યુદ્ધ, ક્રૂડના ભાવમાં તીવ્ર ઊછાળા સહિતના કારણોથી એક સપ્તાહમાં રોકાણકારોના રૂ. 20 લાખ કરોડનું ધોવાણ થયું
નવી દિલ્હી : મધ્ય-પૂર્વમાં અમેરિકા, ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે ચાલતા યુદ્ધને ૧૪ દિવસ થઈ ગયા છે અને તે હજુ રોકાવાની શક્યતા જણાતી નથી ત્યારે ઘરેલુ શેરબજારમાં સતત ત્રીજા દિવસે શુક્રવારે મોટો કડાકો બોલાયો હતો. ચારેબાજુ વેચવાલીથી કલાકોમાં જ રોકાણકારોના રૂ. ૧૦ લાખ કરોડ સ્વાહા થઈ ગયા હતા. મધ્ય-પૂર્વમાં યુદ્ધ શરૂ થયું ત્યારથી આ ૧૪ દિવસમાં ભારતીય રોકાણકારોના રૂ. ૩૩.૬૮નો ધૂમાડો થઈ ગયો છે. વૈશ્વિક અનિશ્ચિતતા અને યુદ્ધના પગલે ક્રૂડ ઓઈલના ભાવમાં તીવ્ર ઊછાળાથી આ મહિને બીએસઈ સેન્સેક્સ ૮ ટકા તૂટયો હતો.
બીએસઈ સેન્સેક્સ ૨૭ ફેબુ્રઆરી બાદથી ૬,૭૨૩.૨૭ પોઈન્ટ અથવા ૮.૨૭ ટકા જેટલો તૂટયો છે. આ સમયમાં બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓની માર્કેટ વેલ્યુ રૂ. ૩૩,૬૮,૪૧૯ કરોડ ઘટીને રૂ. ૪,૨૯,૮૨,૨૫૨.૨૭ કરોડ (અંદાજે ૪.૬૫ લાખ કરોડ ડોલર) થઈ છે. શુક્રવારે બેન્ચમાર્ક સેન્સેક્સ ઈન્ટ્રા-ડે ૧,૫૭૯.૮૨ પોઈન્ટ તૂટીને ૭૪,૪૫૪.૬૦ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો અને અંતે સેન્સેક્સ ૧,૪૭૦.૫૦ પોઈન્ટ ઘટીને ૭૪,૫૬૩.૯૨ના સ્તરે બંધ આવ્યો હતો.
આ સમયમાં નિફ્ટી-૫૦ પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. નિફ્ટી ૨૭ ફેબુ્રઆરીએ ૨૫,૧૭૮ પોઈન્ટ બંધ આવ્યો હતો અને ૧૩ માર્ચને શુક્રવારે નિફ્ટી ૫૨૭.૧૫ પોઈન્ટ તૂટીને ૨૩,૧૫૧.૧૦ના સ્તરે બંધ આવ્યો છે. આમ યુદ્ધના સમયમાં નિફ્ટીમાં પણ ૨,૦૨૭ પોઈન્ટનો કાડાકો બોલાયો છે. મધ્ય-પૂર્વમાં યુદ્ધ, વૈશ્વિક અનિશ્ચિતતા, ક્રૂડ ઓઈલના ભાવમાં તીવ્ર વધારો, રૂપિયાના ધોવાણ સહિત વિવિધ કારણોથી આ સપ્તાહે જ રોકાણકારોની સંપત્તિમાં રૂ. ૨૦ લાખ કરોડ સુધીનું ધોવાણ થયું છે.
અમેરિકા અને ઈઝરાયેલે ૨૮ ફેબુ્રઆરીએ તહેરાન પર આક્રમણ કરીને ઈરાનના સર્વોચ્ચ લીડર અયાતુલ્લાહ અલિ ખામેનેઈની હત્યા કરી હતી. આ હુમલા પછી ઈરાને પણ અખાતના દેશોમાં અમેરિકાના સૈન્ય બેઝ તથા નાગરિક સ્થળો તેમજ ઈઝરાયેલ પર મોટાપાયે ડ્રોન અને બેલિસ્ટિક મિસાઈલથી હુમલા કર્યા હતા.
આ સાથે ઈરાને દુનિયાના ક્રૂડ ઓઈલના સપ્લાયના સૌથી મોટા માર્ગ હોર્મુઝની ખાડીને બ્લોક કરી દીધી છે. હોર્મુઝની ખાડીમાંથી દુનિયાના ક્રૂડ ઓઈલ અને એલએનજીનો ૨૦ ટકા જથ્થો પસાર થાય છે ત્યારે ઈરાનની નાકાબંધીથી દુનિયામાં ક્રૂડ ઓઈલનો પુરવઠો ખોરવાઈ ગયો છે. પરિણામે વૈશ્વિક ઓઈલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડનો ભાવ પ્રતિ બેરલ ૧૦૦ ડોલરને સ્તરે પહોંચી ગયો છે, જેની અસર ભારતીય સ્ટોક માર્કેટ પર પણ જોવા મળી રહી છે.
નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે રોકાણકારોએ હજુ પણ વધુ ખરાબ સ્થિતિનો સામનો કરવા માટે તૈયાર રહેવું જોઈએ. હોર્મુઝની ખાડી વધુ સમય સુધી બંધ રહેશે તો બજાર વધુ નીચે તૂટી શકે છે. હોર્મુઝની ખાડી વધુ ૧૦ દિવસ બંધ રહે તો ક્રૂડ ઓઈલનો ભાવ પ્રતિ બેરલ ૧૮૦ ડોલરે જઈ શકે છે. આમ થાય તો ભારત સહિત વૈશ્વિક બજારોમાં ૧૦ ટકાનો કડાકો જોવા મળી શકે છે.



