ગેસ સિલિન્ડર ડિલિવરીના ૨૫ દિવસ બાદ જ નવું બુકિંગ થઈ શકશે | New bookings can be made only after 25 days of gas cylinder delivery

![]()
વડોદરા,ઓઇલ કંપનીઓ દ્વારા ગેસ બુકિંગના નવા નિયમોના કારણે લોકોમાં વધુ ગેરસમજ ફેલાઇ રહી છે. જે અંગે તંત્ર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે, ગેસ બોટલની ડિલિવરી થયાના ૨૫ દિવસ પછી જ નવુ બુકિંગ થઇ શકશે.
વડોદરા જિલ્લામાં ઘરેલું ગેસના પુરવઠાની કોઈ પણ પ્રકારની અછત નહીં હોવાનું જણાવતાજિલ્લા પુરવઠા અધિકારીએ જણાવ્યું છે.ગેસ બોટલનું બુકિંગ થતું નહીં હોવાની ગ્રાહકોની ફરિયાદ અંગે ઓઈલ માર્કેટિંગ કંપનીઓના નવા નિયમ અંગે માહિતી આપતા તેમણે જણાવ્યું હતું કે, ગ્રાહકના ઘરે ગેસ બોટલની છેલ્લી ડિલિવરી થઈ હોય તે તારીખથી ૨૫ દિવસ પછી જ નવું બુકિંગ થઈ શકશે. જો કોઈ ગ્રાહક ૨૫ દિવસ પૂર્વે બુકિંગ કરવાનો પ્રયાસ કરશે, તો તેમનું બુકિંગ સ્વીકારવામાં આવશે નહીં. ગેસ રિફિલનું બુકિંગ કર્યા બાદ મહત્તમ ૪ થી ૫ દિવસમાં બોટલની ડિલિવરી કરી દેવામાં આવશે. ગેસ બોટલ ડિલિવરી અંગેની માહિતી ગ્રાહકના મોબાઈલ પર એસ.એમ.એસ. દ્વારા પણ મોકલવામાં આવશે. જિલ્લાની તમામ ગેસ એજન્સીઓ રવિવાર સિવાયના દિવસોમાં સવારે ૯ થી સાંજના સાડા પાંચ વાગ્યા સુધી કાર્યરત રહેશે.
અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે, આજે એટલેકે, તા. ૧૩ માર્ચ ૨૦૨૬ ના રોજ ઇન્ડિયન ઓઈલ પાસે ૯,૮૧૬ સિલિન્ડરનો સ્ટોક ઉપલબ્ધ છે, તેવી જ રીતે, ભારત પેટ્રોલિયમ પાસે ૫,૧૬૭ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ પાસે ૩,૫૬૯ સિલિન્ડરનો સ્ટોક ઉપલબ્ધ છે. આજના દિવસમાં સમગ્ર જિલ્લામાં કુલ ૧૮,૫૫૨ સિલિન્ડરનો સ્ટોક છે, જેની સામે ૧૨,૩૬૭ ગેસ સિલિન્ડરની દૈનિક જરૃરિયાત રહી. એટલે કે દરરોજ સવારે જેટલી દૈનિક જરૃરિયાત હોય છે, તેની કરતા વધારે તો દૈનિક જથ્થો ઉપલબ્ધ હોય છે.
ગેસ બુકિંગ માટે ડિજિટલ સુવિધાઓ પણ ઉપ્લબ્ધ છે
વડોદરા,
ગેસ એજન્સીઓ પર ગ્રાહકોની ભીડ ઓછી થાય તે માટે ગ્રાહકોને ડિજિટલ સુવિધાઓનો ઉપયોગ કરવા અનુરોધ કરવામાં આવ્યો છે. પુરવઠા અધિકારીએ જણાવ્યું છે કે, ગ્રાહકોની સુવિધા માટે સ્માર્ટ બુકિંગ પદ્ધતિ પણ અમલમાં છે . મિસ્ડ કોલ, વ્હોટ્સએપ, ઓઈલ માર્કેટિંગ કંપનીઓના પોર્ટલ અને મોબાઈલ એપ, જેવી અન્ય પેમેન્ટ એપ જેવા વિવિધ આધુનિક માધ્યમો દ્વારા પણ ગ્રાહકો પોતાના રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પરથી સરળતાથી રિફિલ બુકિંગ કરાવી શકે છે.


