જીવંત છે પરંતુ કોમામાં છે : ઈરાનના નવા સુપ્રીમ લીડર અંગે ટ્રમ્પનો ચોંકાવનારો દાવો | Alive but in a coma: Trump’s shocking claim about Iran’s new Supreme Leader

![]()
– મોજતબાનો એક પગ કાપવો પડયો છે : રીપોર્ટ
– યુદ્ધ અવિરત ચાલે છે : દરમિયાન એક ઈન્ટરવ્યુમાં મોજતબા જાહેરમાં ન દેખાવા માટે પૂછાએલા પ્રશ્નના ઉત્તરમાં ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું
વોશિંગ્ટન : ઈરાનના નવા સુપ્રીમ લીડર મોજતબા ખામેનેઈ અંગે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ચોંકાવનારો દાવો કર્યો છે.
ફોક્સ ન્યુઝને આપેલા એક ઈન્ટરવ્યુમાં તેમણે કહ્યું હતું કે, મોજતબા ખામેનેઈ જીવંત તો છે જ, પરંતુ ગંભીર રીતે ઘાયલ થયા છે. જ્યારે બ્રિટિશ અખબાર ‘ધી સન’ના રીપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ૨૮ ફેબુ્રઆરીએ અમેરિકા ઈઝરાયલના પ્રચંડ હુમલામાં મોજતબા ખામેનેઈ ગંભીર રીતે ઘાયલ થયા હતા. તે રીપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે તે હુમલામાં મોજતબાને ભારે ફટકો પડયો હતો. તેઓનો એક પગ પણ કાપવો પડયો હતો. પેટ કે લિવરમાં પણ ગંભીર ઈજા થઈ છે. તેઓને તહેરાનની ‘સીના યુનિવર્સિટી’ની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેઓ ફરતી કડક સલામતી પણ ગોઠવાઈ ગઈ છે.
અધિકારીઓએ પણ જણાવ્યું હતું કે, મોજતબા ખામેનેઈ ઘાયલ જરૂર થયા છે પરંતુ સલામત છે. ધીમે ધીમે સાજા થઈ રહ્યા છે. ઝડપભેર રીકવરી થઈ રહી છે.
સાઇપ્રસમાં ઈરાનના રાજદૂત અલિ રેઝા સલારિયને કહ્યું હતું કે મોજતબા ખામેનેઈને હાથ, પગ તેમજ ખભા ઉપર ઘા થયા છે. અત્યારે તેમની સ્થિતિ સારી નથી. તેઓ જાહેરમાં આવી જનતા સમક્ષ વક્તવ્ય આપી શકે તેમ નથી.
થોડા દિવસો પૂર્વે ઈરાની મીડીયાએ મોજતબાનું એક નિવેદન પ્રસિદ્ધ કર્યું હતું તેમાં જણાવ્યું હતું કે મોજતબાએ પોતાનું પદ સંભાળી લીધું છે અને અમેરિકાને ચેતવણી આપી છે કે આરબ દેશોમાં અમેરિકા તેના સૈન્ય મથકો બંધ નહીં કરે તો ઈરાન હુમલા કરતું જ રહેશે.
ઈઝરાયલી સેનાએ પણ એક્સ હેન્ડલ પર કરેલા પોસ્ટમાં પૂછ્યું હતું કે મોજતબા ક્યાં છે ?
સૌથી મહત્વની વાત તે છે કે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને એક ઈન્ટરવ્યુમાં મોજતબાની હાલત વિષે પૂછવામાં આવ્યું કે મોજતબા ક્યાં છે ? ત્યારે પ્રમુખ ટ્રમ્પે કહ્યું હતું કે તેઓ જીવંત છે, હોસ્પિટલમાં છે પરંતુ ‘કોમા’માં છે આવું ચોંકાવનારું વિધાન પ્રમુખે મીડિયા સમક્ષ કર્યું હતું.



