થરાદ: રાત્રે મહિલાની અટકાયત કરી માર મારવાનો મામલો, તત્કાલીન PI સહિત 4 પોલીસકર્મી સામે ગુનો નોંધવા કોર્ટનો આદેશ | Tharad Court FIR Ordered Against PI and 3 Cops for Torturing Woman

Tharad Court On Police : થરાદ પોલીસ સ્ટેશનના તત્કાલીન PI દ્વારા મહિલાને ગેરકાયદે અટકાયતમાં રાખી માર મારવા મામલે થરાદ કોર્ટે ઐતિહાસિક હુકમ કર્યો છે. આ મામલે કોર્ટે PI સહિત ચાર પોલીસકર્મીઓ સામે ગુનો નોંધવા આદેશ કર્યો છે.
PI સહિત ચાર પોલીસકર્મીઓ સામે ગુનો નોંધવા કોર્ટનો આદેશ
થરાદની એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટે એક મહત્ત્વપૂર્ણ ચુકાદો આપતા ફરજમાં બેદરકારી દાખવી મહિલાને ગેરકાયદે અટકાયતમાં રાખી શારીરિક-માનસિક ટોર્ચર કરનાર થરાદ પોલીસ સ્ટેશનના તત્કાલીન PI અલ્પેશકુમાર પટેલ સહિત ચાર પોલીસકર્મીઓ સામે સમન્સ ઈસ્યુ કરી ફોજદારી કાર્યવાહી કરવા હુકમ કર્યો છે.

શું હતી ઘટના?
ઘટનાની વિગત એમ છે કે, ફરિયાદી ખુશબુબેનના પતિ ઈરફાનશાનું સપ્ટેમ્બર 2025માં હાર્ટ એટેકથી અવસાન થયું હતું. આ બાબતે શંકા રાખીને થરાદ પોલીસ દ્વારા ખુશબુબેનને પૂછપરછના બહાને બોલાવવામાં આવ્યા હતા. હુકમમાં જણાવ્યા મુજબ, 01 થી 04 નવેમ્બર, 2025 સુધી ખુશબુબેનને ગેરકાયદેસર રીતે પોલીસ સ્ટેશનમાં રાત્રિના સમયે પણ રાખવામાં આવ્યા હતા. આ દરમિયાન તેમને પતિને ઝેર આપી મારી નાખ્યા હોવાની કબૂલાત કરવા દબાણ કરી પટ્ટા વડે તેમજ લાફા મારીને ગંભીર રીતે શારીરિક ઈજાઓ પહોંચાડવામાં આવી હતી.
કોર્ટનું અવલોકન
સમગ્ર મામલે કોર્ટે સીસીટીવી ફૂટેજ, મેડિકલ સર્ટિફિકેટ અને ડી.વાય.એસ.પી.ના તપાસ અહેવાલને ધ્યાને લીધા બાદ નોંધ્યું હતું કે, મહિલાને સૂર્યાસ્ત પછી અને સૂર્યોદય પહેલા પોલીસ સ્ટેશનમાં રાખવી એ કાયદાનું ઉલ્લંઘન છે. મેડિકલ રિપોર્ટમાં મહિલાના શરીર પર ઈજાના નિશાન મળી આવ્યા છે, જે પોલીસ ટોર્ચરની પુષ્ટિ કરે છે. આમ, સુપ્રીમ કોર્ટના ‘ડી.કે.બાસુ’ ચુકાદાની માર્ગદર્શિકાનો સરેઆમ ભંગ થયો છે.
આ પણ વાંચો: ભદ્ર પરિસરમાં 586 પાથરણાવાળાને ફરી જગ્યા આપો: ગુજરાત હાઈકોર્ટનો AMCને આદેશ
મેજિસ્ટ્રેટ એ.એચ. મુન્દ્રાએ નીચે મુજબના આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 115(2), 120(1), 127(3), 198, 351(1), 258 અને 54 મુજબ ગુનો નોંધી સમન્સ ઈસ્યુ કરવા આદેશ કર્યો છે:
1. અલ્પેશકુમાર ત્રિભોવનદાસ પટેલ (તત્કાલીન PI, થરાદ)
2. દિલીપભાઈ સવદાસભાઈ ચૌધરી (ASI)
3. દેવસીભાઈ લક્ષ્મણભાઈ (હેડ કોન્સ્ટેબલ)
4. ધરતીબેન મોહનજી (મહિલા પોલીસ કોન્સ્ટેબલ)
કોર્ટે સ્પષ્ટ કર્યું કે, સરકારી કર્મચારી હોવા છતાં ગુનાહિત કૃત્ય કરવું એ તેમની સત્તાવાર ફરજનો ભાગ નથી. એટલે તેમની સામે કાર્યવાહી કરવા માટે કોઈ આગોતરી મંજૂરીની જરૂર નથી. આ હુકમથી પોલીસ તંત્રમાં ફફડાટ વ્યાપી ગયો છે.



