ગલીમાંથી મારે ટ્રક કાઢવી છે તમારી રીક્ષા નડે છે..!! વૃદ્ઘાને વિશ્વાસમાં લઈ શખ્સ રીક્ષા લઈ રફુચક્કર | man took old woman into his confidence and took rickshaw and fleed in vadodara

![]()
Vadodara : વડોદરાના ન્યુ વીઆઇપી રોડ પર અયોધ્યા નગરમાં રહેતા શકુંતલાબેન ભરતભાઈ માછીએ બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, મારા પતિ રીક્ષા ડ્રાઇવિંગ કરે છે. ફેબ્રુઆરીમાં અમે એક રીક્ષા સેકન્ડ હેન્ડમાં નાગરવાડામાં રહેતા હિમાંશુભાઈ પાસેથી ખરીદી હતી. આ રીક્ષા અમારા નામ પર કરવાની કામગીરી ચાલતી હોય મારા પતિ રીક્ષા ચલાવતા નથી અને ઘરની બાજુમાં જ રોડ પર મૂકી રાખી છે.
ગઈકાલે મારી માતા ધનીબેન ઘરે એકલા હતા તે દરમિયાન સવારે 9:30 વાગે એક વ્યક્તિ આવી હતી અને મારી માતાને કહ્યું કે આ ગલીમાંથી મારી ટ્રક કાઢવી છે પરંતુ તમારી રીક્ષા નડે છે. રીક્ષાની ચાવી આપો જેથી હું રિક્ષા બાજુમાં કરી મારી ટ્રક કાઢી લઉં, મારી માતાએ તેના પર વિશ્વાસ રાખીને રીક્ષાની ચાવી આપી દીધી હતી. ત્યારબાદ આરોપી રિક્ષા લઈને ફરાર થઈ ગયો હતો. દોઢ લાખની રીક્ષા ચોરી જનાર આરોપીને બાપોદ પોલીસે શોધખોળ હાથ ધરી છે.


