दुनिया

ડ્રોન હુમલાથી ધ્રુજી ઉઠ્યું પાકિસ્તાન! અફઘાનિસ્તાનનો દાવો- એરસ્ટ્રાઈકનો બદલો લીધો | pakistan afghanistan war taliban drone strikes border conflict escalation



Pakistan Afghanistan War : પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચેનો તણાવ હવે પૂર્ણ સૈન્ય સંઘર્ષ તરફ આગળ વધતો દેખાઈ રહ્યો છે. પાકિસ્તાન દ્વારા અફઘાનિસ્તાનમાં કરવામાં આવેલા મોડી રાત્રિના હવાઈ હુમલાના જવાબમાં તાલિબાન અને અફઘાન ડિફેન્સ ફોર્સે વ્યાપક જવાબી કાર્યવાહી શરૂ કરી દીધી છે. હાલના અહેવાલો અનુસાર, અફઘાન સેનાએ પાકિસ્તાનના અનેક શહેરોને નિશાન બનાવીને ડ્રોન હુમલા કર્યા છે.

સંઘર્ષની શરૂઆત અને જાનહાનિ

અગાઉ પાકિસ્તાને ગુરુવારે મોડી રાત્રે અને શુક્રવારે પરોઢે અફઘાનિસ્તાનના અનેક પ્રાંતો પર એરસ્ટ્રાઈક કરી હતી. જેમાં 4 લોકોનાં મોત થયાં છે અને અનેક લોકો ઘાયલ થયા છે. અફઘાન તાલિબાનના સીમા સુરક્ષા બળના પ્રવક્તા અબિદુલ્લાહ ઉકાબે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે, તેમણે પાકિસ્તાન વિરુદ્ધ વળતા હુમલા શરૂ કરી દીધા છે. તેમનો દાવો છે કે તેમણે પાકિસ્તાનના અલગ-અલગ શહેરો પર ડ્રોન દ્વારા હુમલા કર્યા છે.

સૈન્ય મથકોને બનાવ્યા નિશાન

ઉકાબે જણાવ્યું કે, આ હુમલામાં અફઘાન તાલિબાને પાકિસ્તાની સૈન્ય કેન્દ્રોને નિશાન બનાવ્યાં છે, જેમાં કોહાટનું સેન્ટ્રલ કમાન્ડ, કોહાટ બ્રિગેડ અને કેમ્પનો સમાવેશ થાય છે. હાલ પાકિસ્તાનના વિવિધ શહેરોમાં વિસ્ફોટોના સમાચાર આવી રહ્યા છે, જેના કારણે ત્યાંનું તંત્ર હાઈ એલર્ટ પર છે.

આ પણ વાંચો : યુદ્ધ વચ્ચે અમેરિકાને મોટો ઝટકો, હવામાં ઈંધણ ભરતું KC-135 પ્લેન ક્રેશ, 5 ક્રૂ મેમ્બર્સ લાપતા

તાલિબાનની કડક ચેતવણી

અફઘાન તાલિબાન ડિફેન્સ ફોર્સે સ્પષ્ટતા કરી છે કે, આ ઓપરેશન હજી પૂર્ણ નથી થયું. તાલિબાનના પ્રવક્તાએ કહ્યું કે, “અમારી જમીન પર થનારા હુમલાનો જવાબ હવે તેમની પોતાની જ જમીન પર આપવામાં આવશે.” હાલ બોર્ડર વિસ્તારમાં ભારે ગોળીબાર અને સૈન્ય હલચલ વધી ગઈ છે.

સંઘર્ષ વિરામ નહી થાય તો ભયાનક યુદ્ધની ભીતિ

આ હુમલાએ દક્ષિણ એશિયામાં અસ્થિરતાનો એક નવો અધ્યાય શરૂ કરી દીધો છે. જ્યાં પાકિસ્તાન આ હુમલાને આતંકવાદી મથકો વિરુદ્ધની કાર્યવાહી ગણાવી રહ્યું છે, તો બીજી તરફ અફઘાનિસ્તાન તેને પોતાની સાર્વભૌમત્વ પરનો હુમલો માની આક્રમક વલણ અપનાવી રહ્યું છે. નિષ્ણાતોનું માનવું છે કે, જો તુરંત સંઘર્ષવિરામ નહીં થાય, તો આ ઘર્ષણ મોટા ક્ષેત્રીય યુદ્ધમાં પરિવર્તિત થઈ શકે છે.



Source link

Related Articles

Back to top button