મહિને લાખ રુપિયાથી વધુ પગાર લેતા અધિકારીઓને એજ ખબર નથી અમદાવાદમાં મ્યુનિ.ની મિલકતો કેટલી | Earning a salary of more than one lakh rupees per month

![]()
અમદાવાદ,ગુરુવાર,12
માર્ચ,2026
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મહિને લાખ રુપિયાથી વધુ
પગાર લેતા અધિકારીઓને એજ ખબર નથી કે અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની કયાં અને
કેટલી મિલકત આવેલી છે.એસ્ટેટ ઓફિસર હિતેન્દ્ર મકવાણાએ અંદાજે ૪૦૦ જેટલી મિલકતના
ભાડા આવતા હોવાનો જવાબ આપતા મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની અકળાયા હતા.તેમણે
ડેપ્યુટી કમિશનર રિધ્ધેશ રાવલને કહ્યુ,તમારા
અધિકારી પાસે જ પુરતી માહિતી નથી. જરુર પડે તો બે ચાર માણસને આઉટ સોર્સિંગથી આ
કામગીરી માટે રાખો અને ભાડાની જે આવક થાય તેમાંથી જ તેમના પગાર કરો.
એસ્ટેટ ઓફિસર અને
ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સામે મ્યુનિસિપલ કમિશનર એટલા માટે નારાજ હતા કેમકે
શહેરના વિવિધ વોર્ડ વિસ્તારમાં આવેલી મ્યુનિસિપલ કોર્પોરેશનની મિલકતો કયાં આવેલી
છે,તેની હાલમાં શું
સ્થિતિ છે તે ઉપરાંત કેટલી મિલકત ભાડે
અપાયાની સમયમર્યાદા પુરી થઈ ગઈ હોવા છતાં તેનો વપરાશ કરવામા આવી રહયો છે.આ તમામ
મુદ્દા ખુબ ગંભીર હોવાછતાં પણ એસ્ટેટ ઓફિસર તેનો સંતોષકારક જવાબ કમિશનર સમક્ષ આપી
શકયા નહોતા. આધારભૂતસૂત્રોમાંથી મળતી વિગત મુજબ, મ્યુનિ.એ જે તે સમયે ભાડે આપેલી મિલકતો પૈકી કેટલીક
મિલકતોની તો ફાઈલ પણ મળતી નથી અથવા તો ગુમ કરી દેવામા આવી છે.કમિશનર આ બેદરકારીને
લઈ અકળાયા હતા.શહેરના વિવિધ વિસ્તારમાં કોર્પોરેશન માલિકીના કોમ્યુનિટી હોલ અને
પાર્ટી પ્લોટ આવેલા છે. કમિશનરનુ માનવુ છે કે, આ મિલકતો કોર્પોરેશન માટે રેવન્યુ જનરેટ કરે છે.વીકલી
રીવ્યૂ બેઠકમાં તેમણે તમામ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરોને કહયુ, તેમના ઝોનમાં
આવતા કોમ્યુનિટી હોલ કે પાર્ટી પ્લોટમાં કેન્ટીન શરૃ કરો જેથી ભાડાની આવક તંત્રને
મળે. આ અગાઉ તેમણે એકઝિબીશન યોજવા પણ અધિકારીઓને કહયુ હતુ છતાં અધિકારીઓએ કમિશનરના
સુચનનો અમલ કર્યો નહોતો.હવે કેન્ટીન શરુ કરવાના સુચનનો અમલ થાય છે કે કેમ તે જોવુ
રહયુ.
આ વિસ્તારમાં છે મ્યુનિ.મિલકતો
–મ્યુનિસિપલ
માર્કેટ, સી.જી.રોડ
–મ્યુનિ.માર્કેટ,ઉસ્માનપુરા
–ફિશ
માર્કેટ,મિરઝાપુર
–મટન
માર્કેટ,મિરઝાપુર
–લાટી
બજાર, જમાલપુર
–દિલ્હી
દરવાજા બહાર
–ફટાકડા
માર્કેટ, પ્રેમ
દરવાજા
–સુવિધા
કોમ્પલેકસ, પરિમલ
અંડરપાસ
–કર્ણાવતી
પગરખા બજાર
કયા ઝોનમાં મ્યુનિ.ની કેટલી મિલકત
ઝોન મિલકત
મધ્ય ૨૯૦૯
ઉત્તર ૯૧૭
દક્ષિણ ૫૧૧
પૂર્વ ૧૯૪
પશ્ચિમ ૩૦૫
ઉ.પ. ૦૧
દ.પ. ૦૦



