ગેસ સંકટ, શહેરમાં પીજી તરીકે રહેતા 25000 કરતા વધારે વિદ્યાર્થીઓ ચિંતામાં | students who live as paying guest in vadodara are worried due to gas cylinder crisis

![]()
વડોદરાઃ વડોદરાની એમ.એસ.યુનિવર્સિટી તેમજ બીજી ખાનગી યુનિવર્સિટીઓ અને કોલેજોમાં અભ્યાસ કરતા ૨૫૦૦૦ કરતા વધારે વિદ્યાર્થીઓ શહેરના ફતેગંજ, કારેલીબાગ, નિઝામપુરા, વાઘોડિયા રોડ જેવા વિસ્તારોમાં રહે છે.આ પૈકી સૌથી વધારે વિદ્યાર્થીઓ શહેરના વાઘોડિયા રોડ વિસ્તારમાં રહે છે.
અખાતી દેશોમાં યુધ્ધના કારણે ગેસના સિલિન્ડરની છેલ્લા ત્રણેક દિવસથી ચાલી રહેલી ખેંચતાણના કારણે આ વિદ્યાર્થીઓ ચિંતામાં મૂકાયા છે.કારણકે પીજી તરીકે રહેતા વિદ્યાર્થીઓ તેઓ જયાં રહે છે ત્યાં નાના પાયે ચાલતા રસોડામાં કે પછી બહાર રેસ્ટરોન્ટમાં જમતા હોય છે.હવે કોમર્શિયલ ગેસ સિલિન્ડર નહીં મળતા હોવાથી તેમને પણ જમવાની મુશ્કેલી સર્જાઈ શકે છે.પીજીના વિદ્યાર્થીઓ માટે નાના પાયે ચાલતા રસોડા બંધ થવાના આરે છે.કારણકે તેમની પાસે ગેસ સિલિન્ડર નથી.કેટલાક પીજી સંચાલકો રસોડા ચલાવવા માટે કોલસાથી ચાલતી ભઠ્ઠી ખરીદવાની મથામણ કરી રહ્યા છે.તેઓ જે રેસ્ટોરન્ટોમાં જમવા જાય છે ત્યાં પણ અનિશ્ચિતતાનો માહોલ છે.રેસ્ટોરન્ટોના સંચાલકો વિદ્યાર્થીઓને કહી રહ્યા છે કે, જ્યાં સુધી ગેસ છે ત્યાં સુધી જમવાનું બનાવીશું. પછી શું થશે તેની ખભર નથી.
બરોડા મેડિકલ કોલેજની એક મેસ બંધ
તંત્ર પાસે ૨૦૦ ગેસ સિલિન્ડરની માગણી
સયાજી હોસ્પિટલ સાથે સંલગ્ન બરોડા મેડિકલ કોલેજની ન્યૂ બોયઝ હોસ્ટેલની મેસ ગેસ સિલિન્ડરના અભાવે આજે બંધ કરવાનો વારો આવ્યો હતો.અહીંયા સવાર સાંજ થઈને ૮૦૦ વિદ્યાર્થીઓ જમતા હતા.આ મેસ બંધ થતા તંત્રમાં દોડધામ થઈ ગઈ છે.મેડિકલ કોલેજના ડીન પ્રો.રંજન ઐયરે પુરવઠા વિભાગના અધિકારીઓ પાસે મેસ ચાલુ રાખવા માટે ૨૦૦ ગેસ સિલિન્ડરની માગ કરી છે.સદનસીબે મેડિકલ કોલેજની બીજી બે મેસ ગેસ સિલિન્ડર ઉપલબ્ધ હોવાથી હજી ચાલુ છે.બીજી તરફ ગોત્રી મેડિકલ કોલેજની ત્રણ મેસ પણ અત્યારે કાર્યરત હોવાથી ત્યાં ભણતા વિદ્યાર્થીઓને વાંધો આવે તેમ નથી.બરોડા મેડિકલ કોલેજના પૂર્વ વિદ્યાર્થીઓએ વર્તમાન વિદ્યાર્થીઓ માટે ભોજનની વ્યવસ્થા કરવાની તૈયારી બતાવી છે.
એમ.એસ.યુનિ.હોસ્ટેલની મેસ પાઈપલાઈનના કારણે ચાલુ, ખાનગી યુનિ.ઓ અને કોલેજોની મેસ પર સંકટ
એમ.એસ.યુનિવર્સિટીની હોસ્ટેલના વિદ્યાર્થીઓને ગેસ સિલિન્ડરની ખેંચતાણ વચ્ચે રાહત છે.હોસ્ટેલના ચીફ વોર્ડન ડો.વિજય પરમારે કહ્યું હતું કે, હોસ્ટેલની તમામ મેસ અને કેન્ટીનમાં પાઈપલાઈન ગેસની સુવિધા હોવાથી વિદ્યાર્થીઓનું ભોજન બનાવવામાં તકલીફ આવે તેમ નથી. વિદ્યાર્થીઓએ કોઈ પણ પ્રકારની અફવાથી દૂર રહેવું.
જોકે ખાનગી યુનિવર્સિટીઓ અને કોલેજોમાં ચાલતી મેસો પર સંકટના વાદળ છે.કારણકે આ મેસોમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરનો ઉપયોગ થાય છે.મેસ ચલાવનારા કોન્ટ્રાકટરો ગમે તે હિસાબે અને ગમે તે ભાવે બજારમાંથી ગેસના સિલિન્ડરો ખરીદવાની મથામણ કરી રહ્યા છે.
ત્રણમાંથી એક રસોડું બંધ કરવું પડયું છે
પીજીના વિદ્યાર્થીઓને રાખતા અને તેમના માટે નાના પાયે મેસ ચલાવતા રાકેશ પંજાબીનું કહેવું છે કે, અમારા ત્રણ રસોડામાંથી એક રસોડુ આજે બંધ કરી દેવું પડયું છે.અહીંયા જમતા વિદ્યાર્થીઓને અન્ય બે રસોડામાં જમાડવાની વ્યવસ્થા અત્યારે કરી છે પણ આ બે રસોડા પણ ગેસના અભાવે એકાદ બે દિવસમાં બંધ કરવા પડે તેવી સ્થિતિ આવી શકે છે.ગેસના વિકલ્પ તરીકે કોલસાથી ચાલતી ભઠ્ઠી ખરીદવા માટે વિચારણા કરી રહ્યા છે.
લાકડા લાવીને જમવાનું બનાવવું પડે તેમ છે
પીજી વિદ્યાર્થીઓ માટે નાના પાયે રસોડું ચલાવતા હરીશભાઈ ભરવાડ કહે છે કે, મારે ત્યાં ૪૦ થી ૫૦ વિદ્યાર્થીઓ જમે છે અને બે જ દિવસ ચાલે તેટલો ગેસ બાકી છે.લાકડા લાવીને જમવાનું બનાવવું પડે તેવું લાગી રહ્યું છે.૧૯૦૦માં મળતો ગેસ સિલિન્ડર હવે ૩૫૦૦ રુપિયા આપ્યા પછી પણ મળી રહ્યો નથી.
શહેરમાં ઈલેક્ટ્રિક સગડીનું વેચાણ બમણું થયું
અખાતી દેશોમાં યુધ્ધના કારણે ગેસ સિલિન્ડર માટે મુશ્કેલી પડી રહી છે તેવામાં ઈલેક્ટ્રિક સગડીની માગમાં ઉછાળો આવ્યો છે.ઘરેલુ ગેસ સિલિન્ડર ઉપલબ્ધ હોવા છતા લોકો તકેદારી માટે ઈલેક્ટ્રિક સગડી ખરીદી રહ્યા છે.વેપારી અલ્પેશભાઈનું કહેવુ છે કે, છેલ્લા બે દિવસમાં ઈલેક્ટ્રિક સગડીનું વેચાણ અને માગ બમણી થઈ ગઈ છે.વડોદરામાં ઘણા વેપારીઓ પાસે હવે સ્ટોક નથી અથવા તો ગણતરીનો સ્ટોક જ બચ્યો છે.



